હાર્દિક પેટેલ ઈઝ કમ બેક ઓન ફાસ્ટ, જાણો આખો કાર્યક્રમ
પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ) ના હાર્દિક પટેલે આમરણાંત ઉપવાસની જાહેરાત કર્યા બાદ ૧૯મા દિવસે સરકાર સાથે કોઈ જાતના સમાધાન વિના પારણાં કરી લીધા હતા. હવે ફરી એક વાર બીજી ઓક્ટોબરના ગાંધી જયંતીથી આંદોલન શરૂ કરવાની પાસ ટીમે જાહેરાત કરી છે. બીજી ઓક્ટોબરે હાર્દિક પટેલ ખેડૂતોના દેવા માફી, પાટીદારોને અનામત, અલ્પેશ કથીરિયાની જેલમુક્તિની માગણી સાથે મોરબીના બગથળા ગામે પ્રતીક ઉપવાસ કરશે, જેની સાથે જ રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ કાર્યકરો પ્રતીક ઉપવાસ કરશે.
ઉપવાસ આંદોલન બાદ અત્યારે હાર્દિક બેંગ્લુરુમાં નેચરોથેરાપી સારવાર મેળવી રહ્યો છે. આ તબક્કે પાસે જાહેર કર્યું છે કે, પહેલી ઓક્ટોબરે તમામ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવશે. બીજીએ તમામ જિલ્લામાં પ્રતીક ઉપવાસ કરાશે પણ મુખ્ય કાર્યક્રમ મોરબીમાં રહેશે. એ પછી પણ સરકાર જો માગણી ના સ્વીકારે તો સુરતથી સોમનાથ અને ઊંઝાથી કાગવડ સુધી રેલી કાઢવામાં આવશે. ત્યારબાદ તબક્કાવાર રીતે સત્તાપક્ષ ભાજપના ધારાસભ્યોના નિવાસે ઘેરાવનો કાર્યક્રમ કરાશે. એટલું જ નહિ પરંતુ ગુજરાતમાં વડાપ્રધાનનો કાર્યક્રમ હશે ત્યારે ખેડૂતો અને પાટીદારો વડાપ્રધાનના કાર્યક્રમનો વિરોધ કરશે. આમ પાસ ટીમે ફરી એક વાર આંદોલન છેડવા ચીમકી ઉચ્ચારી છે.