રવિવાર, 24 નવેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: રવિવાર, 1 સપ્ટેમ્બર 2024 (12:19 IST)

કચ્છમાં ભારે વરસાદે સર્જી તારાજી, ખેતી બરબાદ, ઉદ્યોગોને કરોડોનું નુકસાન

kutch rain
અનાધાર વરસાદ અને તેના લીધે આવેલા પૂરના કારણે કચ્છ જિલ્લામાં જનજીવનને વ્યાપક અસર થઈ છે. સમગ્ર જિલ્લામાં વરસાદના કારણે જાનમાલને નુકસાન થયું છે અને કેટલાય લોકોને હજુ પણ ફસાયેલા છે.
 
બીબીસી સહયોગી પ્રશાંત ગુપ્તાના જણાવ્યા અનુસાર, ''લખપત, માંડવી, મુંદ્રા અને જખૌના કાંઠાવિસ્તારનાં ગામો હજુ પણ પાણીમાં ગરકાવ છે. અહીં ત્રણથી ચાર ફૂટ પાણી છે અને લોકો મદદની રાહ જોઈ રહ્યા છે. રસ્તોઓ તૂટી જતાં અને ઘણી જગ્યાએ પાણી ભરાઈ જતાં આ ગામોમાં પહોંચવું મુશકેલ થઈ ગયું છે.''
 
સમગ્ર કચ્છમાં મોટા પ્રમાણમાં આંતરિક રસ્તાઓ તૂટી ગયા છે અને ઘણી જગ્યાએ કોઝવે ધોવાઈ ગયા છે, જેના કારણે જિલ્લામાં અવજ-જવર કરવી મુશકેલ બની ગઈ છે. શહેરી વિસ્તારમાં વીજ પુરવઠો પૂર્વવત્ બની ગયો છે પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં અને નાનાં નગરોમાં જીનજીવન ખોરવાયેલું છે.
 
સમાચાર સંસ્થા એએનઆઈ સાથે વાત કરતા શિક્ષણમંત્રી પ્રફુલ પાનશેરિયા જણાવ્યું, ''અમે ગ્રામ પંચાયતોને ગ્રાંટો આપી છે, જેથી તેઓ પોતાના વિસ્તારમાં સાફ-સફાઈ કરાવી શકે અને દવાનો છંટકાવ કરી શકે. માર્ગ અને મકાન વિભાગને નુકસાન પામેલા રસ્તાઓને વહેલી તકે રિપેર કરવાની સૂચના આપવામાં આવી છે.''
 
કચ્છ જિલ્લા વહીવટી તંત્ર અનુસાર માંડવી, અબડાસા, મુન્દ્રા અને ભુજ તાલુકાઓમાં નીચાણવાળા વિસ્તારમાંથી તથા કાચાં મકાન ધરાવતા 800 નાગરીકોનું સ્થળાંતર કરીને સલામત સ્થળે આશ્રય આપવામાં આવ્યો છે. જિલ્લામાં 345 મેડીકલ ટીમો અસરગ્રસ્ત વિસ્તારોમાં મોકલવામાં આવી છે.
 
કચ્છ પૂર્વ એસપી સાગર બાગમરે કહ્યું કે જિલ્લામાં વરસાદનું જોર ઘટ્યું છે ત્યારે લોકોને મદદ મળી રહે તે માટે પોલીસ અને વહીવટી તંત્ર કામ રહ્યા છે. સમગ્ર જિલ્લામાં પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે.
 
તેમણે લોકોને હજુ પણ બે-ત્રણ દિવસ સુધી ઘરમાં રહેવાની અપીલ કરી છે.
 
રૅકોર્ડ વરસાદના કારણે પૂર
 
કચ્છ જિલ્લામાં રવિવાર સાંજથી રૅકોર્ડ વરસાદ પડતાં ભયાનક પૂરની સ્થિતિ સર્જાઈ હતી. મંગળવાર, બુધવાર, ગુરુવાર અને શુક્રવારે જિલ્લામાં અતિ ભારે વરસાદ પડ્યો હતો, જેની સીધી અસર જનજીવન પર થઈ હતી.
 
હવામાન વિભાગ અનુસાર ચાર દિવસથી જિલ્લામાં દૈનિક ધોરણે 250 મી.મી.થી લઇને 390 મી.મી. વરસાદ પડવાના કારણે નદીઓ ઓવરફ્લો થતાં નીચાણવાળા વિસ્તારોમાં પૂર આવ્યું હતું અને રહેણાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં.
 
હવામાન વિભાગ અનુસાર પહેલી જૂનથી લઈને 30 ઑગસ્ટ સુધી કચ્છ જિલ્લામાં 781 મી.મી. વરસાદ પડ્યો છે 134 ગણો વધુ છે. કચ્છમાં આ સમયગાળામાં સરેરાશ 334.2 મી.મી. વરસાદ થાય છે. કચ્છ જિલ્લામાં શુક્રવારે 81.6 મી.મી. વરસાદ પડ્યો હતો જે સરેરાશ વરસાદ કરતા 871 ગણો વધુ છે. કચ્છમાં સામાન્ય રીતે સરેરાશ 8.4 મી.મી. વરસાદ પડતો હોય છે.
 
ભારે વરસાદને પગલે ભૂજ, ગાંધીધામ, નખત્રાણા, અબડાસા, લખપત, માંડવી અને મુંદ્રા તાલુકાઓમાં ભારે વરસાદના કારણે પાંચથી છ ફૂટ પાણી ભરાઈ ગયાં હતાં. શહેરો અને ગામડાં જળબંબાકાર થઈ જતાં લોકો ઘરોમાં કેદ થઈ ગયા હતા.
 
વરિષ્ઠ પત્રકાર ગીરીશ જોષી કહે છે, ''અબડાસા, મુંદ્રા અને માંડવી તાલુકાઓમાં સૌથી વધુ નુકસાન થયું છે. અબડાસા તાલુકાનાં કેટલાંક ગામો હજુ પણ ગળાડુબ પાણીમાં છે. આ ગામોમાંથી પાણી કાઢવાની કોઈ ખાસ વ્યવસ્થા નથી અને હજુ સુધી સ્થિતિને સુધારતાં ત્રણથી ચાર દિવસ લાગશે.''
 
''આ ગામોમાં પ્રવેશનો કોઈ વિકલ્પ ન હોવાના કારણે ગામલોકો સુધી સુવિધા પહોંચી શકી નથી. સમગ્ર જિલ્લામાં ભારે વરસાદ અને પાણી ભરાવવાના કારણે મોટી સંખ્યામાં ઘરો તૂટી પડ્યાં છે. હજુ સુધી કોઈ સર્વે ન થવાના કારણે કોઈ ચોક્કસ આંકડો આવ્યો નથી.''
 
ગાંધીધામ સહિતના શહેરી વિસ્તારોમાં વીજપુરવઠો પૂર્વવત્ થઈ ગયો છે. કેટલાક વિસ્તારોમાં વીજળી વિભાગના કર્મચારીઓ પહોંચી શક્યા નથી ત્યાં હજુ પણ અંધારપટ છે.
 
મંત્રી પાનશેરિયા જણાવે છે, ''અબડાસા, નલિયા, માંડવી અને જખૌમાં વીજળી પૂર્વવત્ કરવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. 180 ગામોમાં વહેલી તકે વીજળી મળી જાય તે માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ગામોમાં વીજળીનો સપ્લાય વહેલી તકે શરૂ કરવા માટે વિવિધ ટીમો કામે લગાડી છે.''
 
ઉદ્યોગજગતને ભારે નુકસાન
એક અઠવાડિયા સુધી જે ભારે વરસાદ થયો તેના કારણે કચ્છ જિલ્લાના ઉદ્યોગજગતને મોટા પાયે નુકસાન થયું છે. કચ્છ જિલ્લામાં મીઠા સહિત વિવિધ ઉદ્યોગોમાં ઉત્પાદન એક રીતે ઠપ્પ થઈ ગયું છે.
 
ગાંધીધામ ગુડ્સ ટ્રાન્સપોર્ટ ઍસોસિએશનના પ્રમુખ મોહિંદર જુનેજાએ બીબીસીને જણાવ્યું, ''છેલ્લા સાત દિવસથી સમગ્ર કચ્છ જિલ્લામાં ટ્રકોની અવરજવર બંધ છે. જિલ્લામાંથી ન તો કોઈ માલ બહાર જઈ રહ્યો છે અને ન કોઈ વસ્તુ આવી રહી છે. માત્ર ગાંધીધામમાં એક હજાર ટ્રકો ઊભી છે અને પરિસ્થિતિ સુધરવાની રાહ જોઈ રહી છે.''
 
''જિલ્લાની અંદર પણ સામાન મોકલવામાં તકલીફ થઈ રહી છે કારણ કે હાઈવે ઘણી જગ્યાએ હજુ પણ પાણીમાં ગરકાવ છે. માંડવી, અબડાસા, નખત્રાણા અને માલિયામાં હાઇવે બંધ છે જેના કારણે સમગ્ર ટ્રાન્સપોર્ટ બિઝનેસને બહુ મોટો ફટકો પડ્યો છે.''
 
કચ્છ જિલ્લા ગુડ્સ ટ્રાન્સપોર્ટ ઍસોસિએશન અનુસાર જિલ્લાના કંડલા, મુંદ્રા, જખૌ અને ઔદ્યોગિક વિસ્તારોમાંથી દરરોજ હજારોની સંખ્યામાં ટ્રકો માલ લઈને અલગ-અલગ રાજ્યોમાં જાય છે. હાલ આ તમામ ધંધા બંધ છે જેના કારણે લાખો લોકોની રોજીરોટી પર અસર થઈ છે.
 
વરસાદ અને પૂરના કારણે મીઠાના ઉત્પાદન પર પણ માઠી અસર પડી છે. કચ્છ સ્મૉલ સ્કેલ સોલ્ટ મેન્યુફેકચર્સ ઍસોસિએશન અનુસાર જિલ્લામાં ભારે વરસાદના કારણે મીઠું ધોવાઇ ગયું છે. ઉપરાંત મીઠાનાં અગરોમાં અને કારખાનાંમાં પણ વ્યાપક નુકસાન થયું છે.
 
ઍસોસિએશનના પ્રમુખ બચુ આહિર કહે છે, ''વરસાદ અને મચ્છુ ડૅમમાંથી પાણી છોડવાના કારણે મોટા પ્રમાણમાં તૈયાર મીઠું ધોવાઈ ગયું છે. મીઠું પ્રોસેસ કરતાં કારખાનાંમાં હજુ પણ છથી સાત ફુટ પાણી છે. મીઠાનાં અગરોમાં પણ પાણીમાં ગરકાવ હોવાથી કેટલું નુકસાન થયું છે તે વિશે હજુ સુધી સંપૂર્ણ માહિતી નથી.''
 
તેઓ વધુમાં જણાવે છે કે કચ્છ જિલ્લામાં વાર્ષિક બે કરોડ ટન મીઠાનું ઉત્પાદન થાય છે. જિલ્લામાંથી દરરોજ 40 હજાર ટન મીઠું બહાર મોકલવામાં આવે છે. હાલનાં વરસાદ અને પૂરના કારણે 15 લાખ ટન મીઠું ધોવાઇ ગયું છે.
 
મીઠાઉદ્યોગ સાથે સંકળાયેલા નવીન જારુ કહે છે કે મીઠાઉદ્યોગને આ નુકસાનમાંથી બહાર આવતાં સમય લાગશે. નાના અને મધ્ય કદના ઉદ્યોગને વધુ ફટકો પડ્યો છે.