PM મોદીએ ફરી બોલાવી બેઠક, મંત્રીઓના કામકાજની સમીક્ષા કે પછી મંત્રીમંડળના વિસ્તરણની હલચલ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના (Prime Minister Narendra Modi) નિવાસસ્થાન 7 લોક કલ્યાણ માર્ગ પર સોમવારે કેન્દ્રીય પ્રધાનોની સમીક્ષા બેઠક પણ મળી હતી. બેઠકમાં ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડા, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરી, સદાનંદ ગૌડા અને કેટલાક અન્ય પ્રધાનો હાજર હતા. પીએમ મોદી છેલ્લા અઠવાડિયાથી નાના જૂથોમાં પ્રધાનોની મુલાકાત કરી રહ્યા છે. અનૌપચારિક વાતાવરણમાં તમામ મુદ્દાઓ પર પ્રતિક્રિયા લેવામાં આવી રહી છે. તેને મંત્રીમંડળના કામની સમીક્ષા અને મંત્રીમંડળમાં ફેરબદલ સાથે જોડવામાં આવી રહ્યું છે.
કેન્દ્રીય મંત્રીમંડળમાં સંભવિત કેબિનેટ વિસ્તારના સમાચાર વચ્ચે સૂત્રોનુ કહેવુ છે કે વડા પ્રધાન મોદીએ પસંદ કરેલા મંત્રાલયોની કામગીરીની સમીક્ષા કરવા માટે ઘણી બેઠકો યોજી છે. આ બેઠકો ખાસ કરીને કોરોનાવાયરસ(Coronavirus)ની બીજી લહેર દરમિયાન થઈ હતી.
ઉલ્લેખનીય છે કે કેન્દ્ર દ્વારા આગામી કેટલાક દિવસોમાં એક મોટી સામાજીક યોજનાની જાહેરાતની પણ ચર્ચા છે કારણ કે ભારતીય જનતા પાર્ટી (BJP) ઉત્તર પ્રદેશ સહિત આવતા વર્ષે મહત્વપૂર્ણ વિધાનસભાની ચૂંટણીની તૈયારી કરી રહી છે.
પીએમ મોદીએ ગુરુવારે 7 મંત્રાલયો સાથે પોતાના નિવાસ સ્થાને પાંચ કલાકથી વધુ સમય માટે બેઠક કરી હતી. આ દરમિયાન, તેમણે કોવિડ સંકટ દરમિયાન તેમના દ્વારા કરેલા કામોનું મૂલ્યાંકન કર્યું. પીએમ મોદીએ જે કેન્દ્રીય પ્રધાનોને મળ્યા હતા તેમાં ધર્મેન્દ્ર પ્રધાન, પ્રકાશ જાવડેકર અને હરદીપ પુરીનો સમાવેશ થાય છે