PM મોદીનું એલાન, 15થી 18 વર્ષની ઉંમરનાં બાળકોને પણ મળશે વૅક્સિન
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એલાન કર્યું છે કે 15થી 18 વર્ષની ઉંમરનાં બાળકોને પણ હવે કોરોના વિરુદ્ધ રક્ષણ આપતી વૅક્સિન આપવામાં આવશે. બાળકોને આ વૅક્સિન નવા વર્ષે ત્રણ જાન્યુઆરીથી મળવાનું શરૂ થઈ જશે.
આ સિવાય તેમણે હેલ્થ કૅર વર્કરોને બૂસ્ટર ડોઝ આપવાની પણ જાહેરાત કરી.
વડા પ્રધાન મોદીના ભાષણની ખાસ વાતો
તેમણે શનિવારે રાત્રે પોણા દસ વાગ્યે રાષ્ટ્રજોગ સંબોધનમાં કહ્યું, "ભારતમાં પણ ઘણા લોકો ઓમિક્રૉન વૅરિયન્ટથી સંક્રમિત થયા હોવાનું માલૂમ પડ્યું છે. હું આપ સૌને આગ્રહ કરીશ કે તમે પૅનિક ન કરશો અને સાવધાન અને સાવચેત રહો."
"માસ્ક અને હાથોને થોડી-થોડી વારે ધોવાની પ્રવૃત્તિ, આ વાતોને યાદ રાખો. કોરોના વૈશ્વિક મહામારીથી લડાઈનો હાલ સુધીનો અનુભવ જણાવે છે કે વ્યક્તિગત સ્તરે તમામ દિશાનિર્દેશોનું પાલન, કોરોના સામે ઝઝૂમવા માટેનું સૌથી મોટું હથિયાર છે અને બીજું હથિયાર છે વૅક્સિનેશન."
"ભારતે આ વર્ષે 16 જાન્યુઆરીથી પોતાના નાગરિકોને વૅક્સિન આપવાની શરૂઆત કરી દીધી હતી. આજે ભારતમાં કોરોના સામે રક્ષણ આપતી વૅક્સિનના 141 કરોડ ડોઝ લાગી ચૂક્યા છે, આ તમામ નાગરિકોના સામૂહિક પ્રયાસ અને સામૂહિક ઇચ્છાશક્તિના કારણે જ શક્ય બન્યું છે."
"આજે ભારતની વસતિ પૈકી 61 ટકા કરતાં વધુ લોકોને વૅક્સિનના બંને ડોઝ મળી ચૂક્યા છે. આવી રીતે, પુખ્ત વયની વસતિમાંથી લગભગ 90 ટકા લોકોને વૅક્સિનનો પ્રથમ ડોઝ અપાઈ ચૂક્યો છે."
"15 વર્ષથી 18 વર્ષની ઉંમરનાં બાળકો માટે દેશમાં વૅક્સિનેશનની પ્રક્રિયાની શરૂઆત થશે. 2022માં, 3 જાન્યુઆરીના રોજ, સોમવારના દિવસે તેની શરૂઆત કરાશે."
"આપણા બધાના અનુભવના આધારે આપણે જાણીએ છીએ કે દેશને સુરક્ષિત રાખવામાં આ લડાઈમાં કોરોના વૉરિયર્સ એટલ કે હેલ્થ કૅર અને ફ્રન્ટલાઇન વર્કરોની વિશેષ ભૂમિકા છે. તેઓ આજે પણ દર્દીઓની સેવામાં પોતાનું જીવન વિતાવી રહ્યા છે."
"તેથી આગમચેતી માટેના પગલાના તરીકે સરકારે નિર્ણય કર્યો છે કે હેલ્થ કૅર અને ફ્રન્ટલાઇન વર્કરોને વૅક્સિનનો પ્રિકૉશન ડોઝ પણ આપવામાં આવશે. તેની શરૂઆત 2022માં 10 જાન્યુઆરી, સોમવારના દિવસથી થશે."
"60 વર્ષ કરતાં વધુ ઉંમરના કૉ-મૉર્બિડિટી ધરાવતા નાગિરકોને, તેમના ડૉક્ટરની સલાહ અનુસાર વૅક્સિનનો પ્રિકૉશન ડોઝ મુકાવવાનો વિકલ્પ આપવામાં આવશે. આ પ્રક્રિયા 10 જાન્યુઆરીથી શરૂ થશે."