કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાતનો બીજો દિવસ. જાણો શું છે કાર્યક્રમ
કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના ગુજરાતના પ્રવાસનો આજે બીજો દિવસ છે, તેઓ આજે જામનગર, મોરબી અને રાજકોટ જીલ્લાની મુલાકાત લેશે. આ દરમિયાન રાહુલ ગાંધી કેટલીક જગ્યાએ કાર્યકર્તાઓ સાથે બેઠક કરશે અને ખેડૂતોની સાથે પણ ચર્ચા કરશે.
રાહુલ ગાંધીની આજની યાત્રા ખિજડિયા બાયપાસથી શરૂ થશે. રસ્તામાં ઠેર ઠેર સ્વાગત વચ્ચે પહેલા રામપર પાટિયા ખાતે લોકોને મળશે, લગભગ 12 વાગ્યાની આસપાસ ટંકારા ખાતે લોકો સાથે મિટિંગ, ચિલિંગ પ્લાન્ટ ખાતે સહકારી આગેવાનો સાથે વાર્તાલાપ કરશે, કુવાડવા, નવા ગામ, પરેવડી થઈ હેમુ ગઢવી હોલમાં ટ્રેડર-બિઝનેસમેનને મળશે, રાત્રિ રોકાણ રાજકોટ ર્સિકટ હાઉસ ખાતે કરશે. આજે જામનગરમાં બીજા દિવસની શરૂઆત રાહુલ ગાંધીએ ‘કેમ છો’થી કરી. તેમણે લોકોને પુછ્યું કે વિકાસને શું થયું? તો લોકોએ કહ્યું કે તે ગાંડો થયો છે. રાહુલ ગાંધીએ મોદી સરકાર પર નિશાન સાધતા કહ્યું હતું કે ગુજરાતની સરકાર ગુજરાતની જનતા ચલાવશે. એ દિલ્લીથી રીમોટથી નહીં ચાલે. તેમણે વધુંમાં કહ્યું કે ચૂંટણી આવી રહી છે અમારે કોંગ્રેસની સરકાર બનાવવી છે. ગુજરાત સરકાર અહીંયાથી જ ચાલવી જોઈએ દિલ્લીથી નહીં. જાણવા મળી રહ્યું છે કે રામપર પાટિયા ખાતે પાસના કાર્યકરો રાહુલ ગાંધીનું સ્વાગત કરવાની તૈયારીઓ કરાઈ રહી છે.