કાશ્મીરમાં આતંકવાદીઓનો ખૂની ખેલ, પહેલા ID કાર્ડ જોયુ પછી બિહારના પાણીપુરીવાળાના માથા પર મારી ગોળી, યૂપીના વ્યક્તિની હાલત ગંભીર
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ પોતાની નાપાક હરકતો કરવાનુ બંધ નથી કરી રહ્યા. તેમણે સામાન્ય લોકોમાં ગભરાટ ફેલાવવા માટે ફરી એકવાર તેમને નિશાન બનાવવા શરૂ કર્યા છે. ફરી એકવાર જમ્મુ-કાશ્મીરમાં બિન-કાશ્મીરીઓને નિશાન બનાવીને હુમલા કરવામાં આવ્યા છે. આતંકવાદીઓએ શ્રીનગરના ઇદગાહ વિસ્તારમાં બિહારના એક પાણીપુરીવાળાને ઠાર કર્યો હતો, જ્યારે પુલવામામાં યુપીનો રહેવાસી સગીર અહેમદ માર્યો ગયો હતો. આઈજીપી કાશ્મીર વિજય કુમારે આ વાતની પુષ્ટિ કરી છે.
બિહારના બાંકાના રહેવાસી અરવિંદ કુમારની શ્રીનગરના ઇદગાહ વિસ્તારમાં આતંકવાદીઓએ ગોળી મારીને હત્યા કરી હતી. આ હુમલામાં અરવિંદનું મોત થયું છે. થોડા સમય બાદ યુપીના સહારનપુરમાં રહેતા મજૂર સગીર અહમદને પુલવામામાં ગોળી મારી દીધી હતી.
શ્રીનગરમાં બિન-મુસ્લિમો અને બહારના લોકોને સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જે વ્યક્તિને ગોળી વાગી હતી તે જમ્મુ -કાશ્મીરનો રહેવાસી નહોતો. આતંકીઓએ ફરી એકવાર આઈડી જોયા બાદ ગોળી ચલાવી છે. પોલીસે જણાવ્યું કે, ગંભીર રીતે ઘાયલ થયેલા વ્યક્તિને શ્રીનગરની SMHS હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો. અધિકારીઓએ જણાવ્યું કે સુરક્ષા દળો ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને હુમલાખોરની શોધખોળ ચાલુ છે. મેડિકલ સુપરિન્ટેન્ડન્ટના જણાવ્યા અનુસાર, મૃતકની ઓળખ અરવિંદ કુમાર શાહ તરીકે થઈ છે. તે 30 વર્ષનો હતો.
એવું જાણવા મળ્યું છે કે બિહાર અને યુપીના બે મજૂરોને અલગ અલગ ઘટનાઓમાં ગોળી વાગી છે. શ્રીનગરના ઇદગાહ પાર્કમાં બિહારના એક મજૂરને માથામાં ગોળી વાગી છે. જાણવા મળ્યું છે કે આ મજૂરનું નામ અરવિંદ કુમાર છે અને તે બિહારનો રહેવાસી હતો. આ સિવાય યુપીના સગીર અહેમદને પણ પુલવામામાં ગોળી વાગી છે અને તેની હાલત નાજુક છે.
ઉમર અબ્દુલ્લાએ કરી નિંદા
જમ્મુ -કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ શ્રીનગરમાં એક સામાન્ય મજૂરને ગોળી મારવાની ઘટનાની નિંદા કરી છે. તેમણે કહ્યું કે આ રીતે નિશાન બનાવવાનો બીજો કિસ્સો. અરવિંદ કુમાર રોજગારની શોધમાં શ્રીનગર આવ્યા હતા અને અહીં તેમની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી.