Jawad Cyclone : ભારતના માથે વાવાઝોડાનું સંકટ, ગુજરાતને શું અસર થશે?
બંગાળની ખાડીમાં બની રહેલા લો પ્રૅશરના કારણે ફરી એક વખત વાવાઝોડાનું સંકટ મંડારાઈ રહ્યું છે. આની અસર ગુજરાતમાં પણ વર્તાશે, તેવી આગાહી હવામાનવિભાગે કરી છે.
હવામાનવિભાગની આગાહી પ્રમાણે મંગળવારની રાતથી અમદાવાદ સહિત રાજ્યનાં વિવિધ શહેરોમાં છુટોછવાયો વરસાદ શરૂ થયો હતો.
આજે બુધવારે સવારથી રાજ્યભરમાં વરસાદ જોવા મળી રહ્યો છે, ત્યારે આ વરસાદને પગલે રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે.
નવા વાવાઝોડાનું નામ 'જવાદ' હશે, આ નામ સાઉદી અરેબિયા દ્વારા સૂચવવામાં આવ્યું છે.
વાવાઝોડાની આવશ્યકતાઓને પહોંચી વળવા ચેતવણી જારી કરવામાં આવી છે.
જવાદ વાવાઝોડાનો ખતરો
હવામાનવિભાગની વેબસાઇટ પ્રમાણે, બંગાળની ખાડીમાં સર્જાયેલા લૉ પ્રેશરના કારણે આંધ્ર પ્રદેશ અને ઓડિશા પર ચક્રવાતી તોફાનનો ખતરો છે.
આ તોફાનને 'જવાદ' નામ આપવામાં આવ્યું છે. તોફાનની શરૂઆત આજે સવારે થાઈલૅન્ડ પાસે દરિયામાં થઈ હતી. જે ધીમે-ધીમે ભારત તરફ આગળ વધી રહ્યું છે.
જવાદ વાવાઝોડું ચોથી ડિસેમ્બરે આંધ્ર પ્રદેશ અથવા તો ઓડિશાના દરિયાકાંઠે ત્રાટકી શકે છે. જેના કારણે બન્ને રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા સેવાઈ રહી છે.
જવાદ વાવાઝોડાથી ગુજરાતમાં વરસાદ?
ગુજરાતમાં પહેલી અને બીજી ડિસેમ્બરના રોજ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાનવિભાગે કરી છે.
ગુજરાત સિવાય મહારાષ્ટ્રમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે, જે પ્રમાણે હાલમાં બન્ને રાજ્યોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.
હવામાનવિભાગના જણાવ્યા પ્રમાણે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હવામાનમાં ફેરફાર નોંધાઈ રહ્યો છે અને આગામી દિવસોમાં ઠંડી વધી શકે છે.
માવઠાને લઈને હવામાનવિભાગે ખેડૂતોને પોતાનો પાક સુરક્ષિત જગ્યાએ મૂકવાની અને માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપી છે.