મહારાષ્ટ્રમાં જાનૈયા બનીને ITએ પાડ્યો દરોડો, 390 કરોડ જપ્ત
લાઇવમિન્ટ ડોટ કૉમના એક અહેવાલ પ્રમાણે મહારાષ્ટ્રના જાલના અને ઔરંગાબાદ જિલ્લામાં આઠ દિવસના આવકવેરાવિભાગ (IT)ના દરોડામાં 390 કરોડ રૂપિયાની ગેરકાયદેસર સંપત્તિ જપ્ત કરાઈ છે.
જુદી જુદી સમાચારસંસ્થાઓ થકી મળેલ માહિતી અનુસાર ITએ આ દરોડો જાનૈયા બનીને પાડ્યો હતો. જેથી કોઈનેય તેમના આગમન અંગે શંકા ન જાય.
અધિકારીઓએ સ્ટીલ ઉત્પાદન કરતી ફેકટરીઓની ઑફિસો અને લાગતીવળગતી વ્યક્તિઓનાં ઘરો અને ફાર્મ હાઉસ પર દરોડા પાડ્યા હતા. જેમાં 58 કરોડની રોકડ, 32 કિલોગ્રામ સોનાનાં ઘરેણાં, 16 કરોડના હિરા અને 300 કરોડ રૂપિયાની સંપત્તિના દસ્તાવેજો કબજે કરાયાં હતાં.
જુદી જુદી ટીમ દ્વારા એક જ સમયે ઘણાં સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં 120 કારોમાં 260 અધિકારીઓ સામેલ થયા હતા.