સૌરાષ્ટ્રના 291 માછીમારોને પાકિસ્તાન મુકત કરશે
સૌરાષ્ટ્રના પોરબંદર સહિતના વિસ્તારોની ફિશીંગ બોટોના 600થી વધુ ખલાસીઓ પાકિસ્તાનની જુદી-જુદી જેલોમાં હોય તે પૈકી 291 માછીમારોને ચાલુ વર્ષના અંતે અને નવા વર્ષના આરંભે મુકત કરવામાં આવશે. પોરબંદર માછીમાર બોટ એસો.ના પ્રમુખ ભરતભાઇ મોદીએ જણાવ્યું હતું કે પાકિસ્તાન મરીન સિકયુરીટી એજન્સી અવાર-નવાર માછીમારોને ઉઠાવી જાય છે અને બોટો મુકત કરતી નથી. પાક.ની જુદી-જુદી જેલોમાં માછીમારોને બંદીવાન બનાવીને પૂરી દેવામાં આવે છે ત્યારે અંદાજે 600થી વધુ માછીમારો પાકિસ્તાનની અલગ-અલગ જેલમાં સબડી રહ્યા છે તે પૈકી 291 માછીમારોની પાકિસ્તાની કોર્ટની કાર્યવાહી પૂર્ણ થતાં તેઓને મુકત કરવામાં આવશે. તા.29 ડિસેમ્બરે પહેલા તબક્કામાં 145 ખલાસીઓને અને ત્યારબાદ 8 જાન્યુઆરીના 146 માછીમારોને બીજા તબક્કામાં મુકત કરવામાં આવશે. વાઘા બોર્ડર ખાતેથી ગુજરાત ફિશરીઝ વિભાગના અધિકારીઓ કબ્જો લેશે. મુકત થનારા મોટા ભાગના માછીમારો વણાંકબારા, કોડીનાર, ઉના દિવ પંથકના લાંબો સમયથી જેલમાં સબડી રહેલા માછીમારોને કારણે તેમના પરિવારજનોની સ્થિતિ દયનીય બની ગઇ છે ત્યારે તેઓને છોડવાની જાહેરાત કરવામાં આવતા પરિવારજનોમાં આનંદની લાગણી ફેલાઇ છે.