શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: અમદાવાદ , મંગળવાર, 13 ફેબ્રુઆરી 2024 (11:40 IST)

અમદાવાદમાં લગ્નમાં આવેલા 45 જેટલા જાનૈયાઓને ફૂડ પોઈઝનિંગ, હોસ્પિટલ ખસેડાયા

Food poisoning to 45 people who attended a wedding in Ahmedabad
Food poisoning to 45 people who attended a wedding in Ahmedabad


-  જાન મોડીરાત્રે પરત ફરતી હતી ત્યારે નડિયાદ નજીક તમામને પેટમાં દુખાવો
- કન્યા પક્ષના પાંચ લોકોને પણ ફૂડ પોઈઝનિંગની અસર
-  40થી 45 જાનૈયાઓને ઉલટી 
 
શહેરના નિકોલ વિસ્તારમાં લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ વર-વધુ સહિત 45 જાનૈયાઓને ફૂડ પોઈઝનિંગ થતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જાન મોડીરાત્રે પરત ફરતી હતી ત્યારે નડિયાદ નજીક તમામને પેટમાં દુખાવો થતા સારવાર માટે નડિયાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કન્યા પક્ષના પાંચ લોકોને પણ ફૂડ પોઈઝનિંગની અસર થતા સારવાર માટે મણિનગરની એલજી હોસ્પિટલમાં દાખલ કર્યા છે. 
 
40થી 45 જાનૈયાઓને ઉલટી થવા લાગી હતી
રાજપીપળાથી જાન અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવી હતી. નિકોલમાં વિશાલા લેન્ડમાર્કમાં આવેલી હોટલના બેન્કવેટમાં લગ્ન પ્રસંગ યોજાયો હતો. જમણવારમાં વેલકમ ડ્રિંક સાથે દૂધની બનાવટનો જ્યુસ અને ગાજરનો હલવો પીરસવામાં આવ્યો હતો. રાત્રે જાનૈયાઓ સહિતના તમામ લોકોએ ભોજન લીધું હતું. મોડીરાત્રે જ્યારે જાન વિદાય થઈ હતી. જાનૈયાઓને નડિયાદ નજીક ત્યારે 40થી 45 જાનૈયાઓને ઉલટી થવા લાગી હતી. તેઓને તાત્કાલિક સારવાર માટે નડિયાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.  કેટલાક જાનૈયાઓએ કહ્યું હતું કે, રાજપીપળાથી અમદાવાદના નિકોલમાં જાન લઈને આવ્યા હતા. લગ્ન પ્રસંગમાં ભોજન આરોગ્યાના એક કલાક પછી ઝાડા-ઉલ્ટી થતા ફૂડ પોઇઝનિંગ થયાનું જણાતા હોસ્પિટલ ખસેડાયા હતા. 
 
ત્રણ એમ્બ્યુલન્સ મારફતે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા
જ્યારે મણિનગરની એલજી હોસ્પિટલમાં ત્રણ મહિલાઓને બે પુરુષને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. એલજી હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ ડો. લીના ડાભીએ મીડિયાને જણાવ્યું હતું કે, મોડીરાત્રે ફૂડ પોઈઝનિંગના પાંચ દર્દીઓ દાખલ થયા છે. નિકોલ વિસ્તારમાં લગ્ન પ્રસંગમાં કારણે તેઓની તબિયત બગડી હતી. હાલ આ તમામ દર્દીઓની હાલત સ્થિર છે. 108ના કર્મચારી ધર્મેન્દ્રભાઈ જાદવે મીડિયાને જણાવ્યું હતું કે, આ જાનૈયાઓની બસ રજપીપળા મૂકામે પરત ફરતી હતી. જેમાં જાનૈયાઓને ફૂડ પોઈઝનિંગની અસર થતા ત્રણ એમ્બ્યુલન્સ મારફતે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે.