દિલ્હી: ભજનપુરાના વિજય પાર્ક વિસ્તારમાં મકાન ધરાશાયી, બચાવ કામગીરી ચાલુ, સામે આવ્યો VIDEO
નવી દિલ્હીઃ હોળીના દિવસે દિલ્હીના ભજનપુરામાં એક મોટો અકસ્માત થયો હતો. અહીંના વિજય પાર્ક વિસ્તારમાં એક ઈમારત ધરાશાયી થઈ છે. ફાયર વિભાગની 3 ગાડીઓ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી છે. સમાચાર લખાય છે ત્યાં સુધી કોઈ જાનહાની થઈ નથી. રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. જો કે, એવું કહેવામાં આવી રહ્યું છે કે આ 3 માળની ઇમારત પહેલાથી જ ખાલી કરવામાં આવી હતી. આ ઈમારત ઘણી જૂની હતી.
સવારથી ઘરની અંદર ટાઈલ્સ અને ફોલ સિલિંગ પડી રહ્યા હતા
બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર ઘડિયાળની દુકાન, પહેલા માળે મોબાઈલની દુકાન અને બીજા માળે એક પરિવાર રહેતો હતો. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર સવારથી ઘરની અંદર ટાઈલ્સ અને ફોલ સિલિંગ પડી રહી હતી, ત્યારબાદ આખી ઈમારત ખાલી કરાવવામાં આવી હતી અને બપોરે 3 વાગ્યાની આસપાસ બિલ્ડિંગ અચાનક ધરાશાયી થઈ ગઈ હતી.
પૂર્વ કોર્પોરેટરે જણાવ્યું હતું કે આ બિલ્ડીંગ જર્જરિત હાલતમાં છે. 20-યાર્ડના પ્લોટ પર 4 માળની ઇમારત બનાવવામાં આવી હતી, કોઈને ઇજા થઈ ન હતી. એમસીડીએ અગાઉ નોટિસ આપી છે કે નહીં તે જાણી શકાયું નથી. ફાયર વિભાગ, સિવિલ ડિફેન્સ અને સ્થાનિક લોકોની મદદથી કાટમાળ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે.