Corona Omicron Variant - તેલંગાના અને બંગાળ પછી હવે તમિલનાડુમાં પણ ઓમિક્રોનની એન્ટ્રી, કેરળ, મહારાષ્ટ્રમાં નવા વેરિએંટના 4-4 નવા કેસ જોવા મળ્યા
કોરોનાનો ઓમિક્રોન વેરિઅન્ટ (Corona Omicron Variant) દેશમાં ઝડપથી પગ પસારી રહ્યો છે. બુધવારે તમિલનાડુમાંથી પણ ઓમિક્રોનનો પહેલો કેસ સામે આવ્યો. મળતી માહિતી મુજબ, ચેન્નઈનો રહેનારો એક 47 વર્ષીય વ્યક્તિ ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત જોવા મળ્યો. તે તાજેતરમાં નાઈજીરીયાના પ્રવાસેથી પરત ફર્યો હતો. આ અંગે માહિતી આપતા રાજ્યના આરોગ્ય મંત્રી સુબ્રમણ્યમે જણાવ્યું છે કે તમિલનાડુમાં ઓમિક્રોનનો પહેલો કેસ સામે આવ્યો છે, જેમાં નાઈજીરિયાથી પરત ફરેલા 47 વર્ષીય વ્યક્તિ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. આ પહેલા બુધવારે પશ્ચિમ બંગાળ અને તેલંગાણામાંથી પણ ઓમિક્રોનના કેસ નોંધાયા છે.
દેશમાં દિન પ્રતિદિન વધી રહેલા ઓમિક્રોનના કેસોએ સરકારની પણ ચિંતા વધારી દીધી છે. તાજેતરમાં જ કેરળમાંથી પણ ઓમિક્રોનનો પહેલો કેસ સામે આવ્યો હતો, ત્યારબાદ હવે વધુ 4 નવા કેસ સામે આવ્યા છે. આ કેસો પછી હવે રાજ્યમાં ઓમિક્રોન કેસની કુલ સંખ્યા 5 થઈ ગઈ છે.
સાથે જતેલંગાણાના હૈદરાબાદમાં ઓમિક્રોન, કોરોનાના નવા વેરિએંટના બે કેસ સામે આવ્યા છે. હૈદરાબાદમાં નવા મળી આવેલા ઓમિક્રોન દર્દીઓમાં કેન્યાનો 24 વર્ષીય નાગરિક અને સોમાલિયાનો એક નાગરિક હોવાનું નોંધાયું છે.
મહારાષ્ટ્રમાં પણ ઓમીક્રોનના 4 નવા કેસ
આ ઉપરાંત મહારાષ્ટ્ર પણ ઓમિક્રોનનો ગઢ બનતુ જઈ રહ્યું છે. અહીં વધુ 4 દર્દીઓ ઓમિક્રોનથી સંક્રમિત જોવા મળ્યા છે, જેનાથી સંક્રમિતોની સંખ્યા 32 થઈ ગઈ છે. ઓમિક્રોનના વધતા જતા કેસોને જોતા રાજ્ય સરકારે ક્રિસમસ અને નવા વર્ષને લઈને આદેશ રજુ કર્યો છે.
મહારાષ્ટ્ર સરકારના મંત્રી અસલમ શેખે કહ્યું છે કે ઓમિક્રોન વેરિઅન્ટ જે રીતે વધી રહ્યો છે તે જોતાં ક્રિસમસ અને નવા વર્ષ પર કોઈ મોટી ઈવેન્ટને મંજૂરી આપવામાં આવશે નહીં. તેમણે વધુમાં કહ્યું કે જે ધાર્મિક સ્થળો ખુલ્લા છે ત્યાં ગાઈડલાઈનનું પાલન કરવા કડક સૂચના આપવામાં આવી છે.
બીજી બાજુ દિલ્હીના ફોર્ટિસ એસ્કોર્ટ્સ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડૉ. અશોક સેઠે કહ્યું છે કે, કોઈને કોઈ સ્તર પર વેક્સીનના બૂસ્ટર ડોઝની જરૂર પડશે. પશ્ચિમની સ્થિતિથી એ સ્પષ્ટ છે જે અમને બતાવે છે કે જો એક બૂસ્ટર ડોઝ આપવામાં આવે, તો આપણે આ નવા વેરિએંટ સામે વધુ સારી રીતે સુરક્ષિત રહી શકીએ છીએ.
આ સાથે તેમને એમ પણ કહ્યું છે કે ઓમિક્રોન વેરિઅન્ટ ભારત માટે ચિંતાનો વિષય છે કારણ કે આપણે ભરચક વસ્તી ધરાવતો દેશ છીએ, ઘણા લોકોએ હજુ પણ કોરોનાની રસી લીધી નથી. ઘણા લોકો કોરોનાના નિયમોનું પાલન કરવામાં બેદરકારી બતાવે છે. તેથી આપણે ફરીથી તપાસ કરવાની જરૂર છે કે શું આપણે ત્રીજી લહેર માટે સંપૂર્ણ રીતે તૈયાર છીએ.