શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે 15થી 17 ડિસેમ્બર સુધી ભારતનો પ્રવાસ
શ્રીલંકાના નવા રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે ભારતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા છે. તેઓ 15થી 17 ડિસેમ્બર સુધી ભારતનો પ્રવાસ કરશે.
ગત 22 સપ્ટેમ્બરે યોજાયેલી ચૂંટણીમાં ડાબેરી નેતા અનુરા કુમારા દિસાનાયકે વિજય મેળવ્યો હતો. તે વખતે ભારતીય મીડિયાએ ચિંતા વ્યક્ત કરી હતી કારણ કે તેઓ ડાબેરી પાર્ટીઓના ગઠબંધન નેશનલ
પીપલ્સ પાવર (એનપીપી)માંથી ચૂંટણી લડીને જીત્યા હતા. આ ગઠબંધનની રાજનીતિને ભારત વિરોધી ગણવામાં આવે છે.
દિસાનાયકે તેમની પ્રથમ વિદેશ યાત્રામાં જ ભારત આવી રહ્યા છે. અગાઉ પણ એવું જોવા મળ્યું છે કે શ્રીલંકામાં ચૂંટણી જીત્યા પછી રાષ્ટ્રપતિ પોતાના પડોશી દેશ ભારતની મુલાકાતને પ્રાથમિકતા આપતા હોય છે.
આ અંગે ભારતીય વિદેશમંત્રી ડૉ. એસ જયશંકરે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું છે કે રાષ્ટ્રપતિ અનુરા દિસાનાયકેને મળીને તેમને આનંદ થયો છે.
ભારતની નેબરહૂડ ફર્સ્ટ પોલિસીમાં શ્રીલંકા મહત્ત્વનું સ્થાન ધરાવે છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની તેમની વાતચીતથી બંને દેશ વચ્ચે વિશ્વાસ અને સહયોગ વધશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.