રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 7 મે 2020 (15:55 IST)

આંધ્ર પ્રદેશ ગૅસ-લીકેજ : 13 લોકોનાં મૃત્યુ, લીક થયેલો ગૅસ કેટલો ખતરનાક?

આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમના આર આર વેંકટપુરમ સ્થિત એક પૉલિમર ઉદ્યોગમાં ગૅસ-લીકેજ થયું છે.
 
જિલ્લા અધિકારી વિનય ચાંદે કહ્યું છે કે 200 લોકો આ ઘટનામાં બીમાર થયા છે. સ્ટાઇરિન ગૅસ લીક થયો છે, જ્યારે ગૅસ લીક થયો ત્યારે લોકો ઊંઘતા હતા. 86 લોકોને વૅન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. આ ઘટનામાં 13 લોકોનાં મૃત્યુ થયાં છે.
 
પોલીસ કમિશનર આર. કે. મીણાએ  જણાવ્યું કે પ્લાન્ટના મૅનેજમૅન્ટ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
 
આ ઘટના અંગે ટ્વીટ કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લખ્યું, "એમએચએ અને એનડીએમએના અધિકારીઓ સાથે વાત થઈ છે, જેઓ આ ઘટના પર નજર રાખી રહ્યા છે. તમામ લોકો સુરક્ષિત અને સ્વસ્થ રહે એવી હું કામના કરું છું."
 
પ્રાપ્ત માહિતી પ્રમાણે આ પ્લાન્ટ એલજીનો હોવાનું જાણવા મળે છે. આ મામલે બીબીસીએ એલજીનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો છે, જોકે હજી સુધી પ્રતિક્રિયા મળી નથી.
આ ઘટના બાદ નજીકનાં પાંચ ગામોમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. પોલીસ અને અધિકારીઓએ પ્રભાવિત વિસ્તારમાં પહોંચી લોકોનાં ઘર ખાલી કરાવવાનું શરૂ કર્યું છે.
 
સ્ટાઇરીન એક પ્રકારનો હાઇડ્રોકાર્બન ગૅસ છે.
 
આ ગૅસનો ઉપયોગ પ્લાસ્ટિક, પેઇન્ટ, ટાયર જેવી ચીજો બનાવવામાં થાય છે.
 
આ ગૅસની સૂગંધથી અથવા તેને ગળી જવાથી સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ પર અસર થતી હોય છે.
 
આ ગૅસના સંપર્કમાં જે વ્યક્તિ આવે તેમને શ્વાસ લેવામાં તકલીફ પડે છે.
 
આ ગૅસથી માથામાં દુખાવો, અશક્તિ તેમજ ફેફસાં પર વિપરિત અસર પણ તાય છે. વિશેષજ્ઞોના પ્રમાણે આ કૅન્સરનું કારણ બની શકે છે.
ગૅસ-લીકેજ બાદ લોકોનું સ્થળાંતર
ઘણા લોકોની ફરિયાદ છે કે તેમને આંખોમાં બળતરા થઈ રહી છે અને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે.
 
ગૅસ-લીકેજથી પ્રભાવિત લોકોને હૉસ્પિટલ પહોંચાડવા 50 ઍમ્બુલન્સને સ્ટેન્ડ-બાય રાખવામાં આવી હતી.
 
15 લોકોને કિંગ જ્યૉર્જ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની સારવાર શરૂ કરાઈ છે.
 
આંધ્ર પ્રદેશના મુખ્ય મંત્રી વાય. એસ. જગનમોહન રેડ્ડીએ ઘટના અંગે તપાસના આદેશ આપ્યા છે.