રવિવાર, 10 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 2 ઑગસ્ટ 2022 (13:15 IST)

અમદાવાદની ઈન્ટિરીયર ડિઝાઈનર યુવતીને ડોક્ટર સાથે મિત્રતા થઈ, ઘરડાઘરના નામે ડોક્ટરે 47 લાખ ખંખેર્યા

ઓનલાઈન ઠગાઈના કિસ્સાઓ સતત પોલીસ ચોપડે નોંધાઈ રહ્યાં છે. ખાસ કરીને વૃદ્ધોને વધુ નિશાન બનાવવામાં આવી રહ્યાં છે. પરંતુ  અમદાવાદમાં એક ઈન્ટિરિયર ડિઝાઈનનું કામ કરતી યુવતીને એક ડોકટરે પ્રેમમાં ફસાવી લગ્નની લાલચ આપીને તેની પાસેથી 47 લાખ ખંખેર્યા હોવાની ફરિયાદ રામોલ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. યુવકે યુવતી પાસે ઘરડાઘરના નામે 47 લાખ રૂપિયાની ઠગાઈ આચરી હોવાનું યુવતી દ્વારા ફરિયાદમાં જણાવાયું છે. રામોલ પોલીસે યુવતીની ફરિયાદ ના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ન્યૂ મણીનગર વિસ્તારમાં રહેતી અને વસ્ત્રાપુરમાં કનેક્ટ નામથી ઓફિસ ધરાવી ઈન્ટીરીયર ડિઝાઈનરનું કામ કરતી યુવતીએ રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે 25મી મે 2021નાં રોજ યુવતીને બમ્બર એપ્લીકેશન દ્વારા અર્જુન મોઢવાણી નામનાં યુવક સાથે મિત્રતા થઈ હતી. યુવકે પોતે કાર્ડયોલોજી સર્જન હોવાનું અને મુંબઈની લીલાવતી તેમજ બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં કામ કરીને હવે એપોલો હોસ્પિટલમાં સર્જન તરીકે ફરજ બજાવતો હોવાનું જણાવી યુવતીને વિશ્વાસમાં લીધી હતી.તેમજ પોતે સર્જરી માટે કોચીન ખાતે 
ગયો હોવાનું જણાવ્યું હતું. 15 જૂન 2021નાં રોજ અર્જુન મોઢવાણી યુવતીની ઓફિસે મળવા આવ્યો હતો, જેનાં બે દિવસ બાદ યુવતીને અર્જુન મોઢવાણીએ કોચીન મળવા બોલાવતા યુવતી ત્યાં મળવા ગઈ હતી. જ્યાં અર્જુને પોતે મુંબઈ ખાતે માતાપિતા સાથે રહેતો હોવાનું જણાવી બહેનનાં લગ્ન લંડન ખાતે થયા છે અને માતાપિતા લંડન ગયા હોવાની વાત કરી હતી.

અર્જુન મોઢવાણીએ યુવતીને લગ્ન કરવાનું જણાવીને માતાપિતા પરત આવે તો વાત કરવાનું કહીને અમદાવાદમાં ઘર શોધી રાખવાનું કહ્યું હતું. જે બાદ અર્જુને ફરી હોસ્પિટલનાં કામથી દિલ્હી ગયો હોવાનું કહીને યુવતીને દિલ્હી બોલાવી હતી. જ્યાં એરપોર્ટ પર અર્જુને મેનેજરનો ફોન બંધ છે કહીને યુવતીને પૈસા પાછા આપવાનું કહીને 50 હજાર રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા.અવારનવાર બંને વચ્ચે ટેલિફોનિક વાતચીત થતી હતી. જેમાં અર્જુન શ્રીનગરમા મેડિકલ કેમ્પ ચલાવતો હોવાનું જણાવતો હતો. તે ઉપરાંત ચેન્નઈમાં ચાલતા ઘરડાઘરમાં હાલ રીનોવેશનનું કામ ચાલતું હોવાથી તેમના રહેવા અને જમવાની વ્યવસ્થા કરવાની કહીને પોતે ભારત બહારથી આવ્યો હોવાથી ઈન્ડિયાનું કોઈ બેન્કીંગ નથી કહીને પોતાની પાસે રોકડ રૂપિયા હોવાનું જણાવતો અને વીડિયો કોલમાં રૂપિયા ભરેલી બેગ બતાવી હતી. યુવતી તેના વિશ્વાસ આવી જતા અર્જુન મોઢવાણીએ ચેન્નાઈનાં ઘરડાઘરનું સંચાલન કરતા મેનેજરનો નંબર આપીને રોકડા પૈસા આપી દેવાનું જણાવી ટુકડે ટુકડે 30.50 લાખ રૂપિયા યુવતીએ ટ્રાન્સફર કર્યા હતા .ત્યાર બાદ યુવતીએ પૈસા માંગતા અર્જુને પોતે નેપાળ હોવાનું જણાવી ભારત પરત આવી પૈસા આપશે તેમ જણાવ્યું હતું. નવેમ્બર 2021માં ચેન્નાઈમાં પુર આવ્યું હોવાથી અર્જુને ઘરડાઘરમાં ભારે નુકસાન થયુ છે. તેમજ 2-3 માણસો મરી ગયા છે. જ્યારે અન્યને હોસ્પિટલમાં ખસેડ્યા હોવાનું કહીને પૈસાની માંગ કરી હતી. યુવતીએ 30 લાખથી વધુ રૂપિયા બેંકીગથી મોકલ્યા હોવાથી વધુ રૂપિયા બેન્કીંગથી મોકલાય તેમ નથી તેવુ જણાવતા અર્જુને પોતાનાં માણસને પૈસા લેવા માટે રૂબરુ મોકલ્યો હતો અને પોતે અમદાવાદ પરત આવી રહ્યો છે તેવુ કહીને વીડીયો કોલથી ફ્લાઈટની ટીકીટ બતાવી હતી. જેથી યુવતી વિશ્વાસમાં આવી જતા 17 લાખ રૂપિયા રોકડા આપ્યા હતા.

બીજા દિવસે યુવતીએ અર્જુન મોઢવાણીને ફોન કરતા પોતે અમદાવાદ ન આવ્યો હોવાનું અને કામથી લંડન જવાનું કહીને ત્યાંથી પૈસા આંગડિયા કરાવવાનું કહેતા યુવતીને શંકા ગઈ હતી. યુવતીએ અર્જુન કોચીનમાં જે હોટલમાં  રોકાયો હતો ત્યાં તપાસ કરતા અર્જુન મોઢવાણીએ ત્યાં પોતાનું વરુણ રામપાલ શર્મા નામનું આઈડી પ્રુફ આપ્યું હતું. જેમાં તે દિલ્હીનો રહેવાસી હોવાનું ખુલ્યું હતું. જે બાદ વારંવાર યુવતીએ અર્જુન મોઢવાણીનો સંપર્ક કરતા તેણે વધુ પૈસાની માંગ કરી હતી અને યુવતીએ પૈસા ન આપતા પોતાનાં નંબરો બંધ કરી નાખ્યા હતા.