Jallianwala Bagh massacre -જલિયાવાંલા બાગ હત્યાકાંડ : 10 મિનિટમાં 1650 રાઉંડ ગોળીબાર !!
અમૃતસરના સુવર્ણ મંદિર નજીકનો નાનકડો બગીચો જલિયાંવાલા બાગ ભારતના સ્વતંત્રતા સંગ્રામના ઈતિહાસમાં એક અનોખુ સ્થાન ધરાવે છે. 13 એપ્રિલ, 1919ના દિવસે બ્રિગેડીયર જનરલ રેજીનોલ્ડ ડાયરેના નેતૃત્વમાં અંગ્રેજી હુકૂમતના સૈનિકોએ ગોળીઓ ચલાવીને નિશસ્ત્ર, શાંત એવાં અબાલ-વૃદ્ધ અને બાળકો સહીત સેંકડો લોકો પર ગોળીઓ ચલાવી હતી. આ ગોળીબારમાં ઘણાં લોકો માર્યા ગયા હતા અને હજારો લોકો ઘાયલ પણ થયા હતા. જો કોઈ એક ઘટનાએ ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં સૌથી વધારે પ્રભાવ પાડયો હતો, તો તે ઘટના આ જઘન્ય અને નિર્મમ હત્યાકાંડ છે. આજે પણ કોઈ સત્તાના દમનકારી વલણની ઘટના કે હત્યાકાંડ થાય છે, તો તેને જલિયાંવાલા હત્યાકાંડ સાથે સરખાવી દેવામાં આવે છે.
13
એપ્રિલ, 1919નો દિવસ બૈશાખીનો દિવસ હતો. બૈશાખીના દિવસે આખા પંજાબ અને આસપાસના પ્રદેશોમાં ખેડૂતો રવિ પાક કાપીને નવા વર્ષની ખુશીઓ મનાવતા હોય છે. 13 એપ્રિલ, 1699ના દિવસે શીખોના દસમા ગુરુ ગોવિંદસિંહે ખાલસા પંથની સ્થાપના કરીને લોકોને અન્યાય અને અત્યાચાર સામે માથું ન ઝુકાવવાની હાકલ કરી હતી. તેના કારણે પંજાબ અને આસપાસના પ્રદેશોમાં બૈશાખી સૌથી મોટો તહેવાર છે અને શીખો તેને સામૂહિક જન્મદિવસના રૂપમાં ઉજવે છે. અમૃતસરમાં તે દિવસે એક મેળો સેંકડો વર્ષોથી યોજાતો હતો, તેમાં તે દિવસે પણ હજારો લોકો દૂર-દૂરના સ્થાનો પરથી ખુશીઓ વહેંચવા આવ્યા હતા. પરંતુ કોને ખબર હતી કે બ્રિગેડીયર જનરલ રેજીનોલ્ડ ડાયરનો ફાયરિંગનો હુકમ અને બ્રિટિશ સૈનિકોની ગોળીઓ સેંકડોને મોતને ઘાટ ઉતારીને જલિયાંવાલા બાગની જમીનને લોહીથી લાલ રંગે રંગી નાખશે. દમનકારી રોલેટ એક્ટના કાળા કાયદાની પૃષ્ઠભૂમિ
અંગ્રેજી હુકૂમતનું દમનકારી વલણ 1857ના પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ બાદ શરૂ થઈ ચુક્યું હતું. દેશ આખાએ તેનો અનુભવ કર્યો હતો. જો કે તેમ છતાં ભારતે પ્રથમ વિશ્વ યુદ્ધમાં (1914-1918) બ્રિટિશ હુકૂમતનો ખુલીને સાથ આપ્યો હતો. પ્રથમ વિશ્વ યુદ્ધની સમાપ્તિએ આશા હતી કે ભારત સાથે બ્રિટિશ શાસન નરમાશથી વર્તશે. પરંતુ લોકોની ભાવનાથી વિપરીત બ્રિટિશ સરકારે મોન્ટેગૂ-ચેમ્સફર્ડ સુધારા લાગુ કરી દીધા. પ્રથમ વિશ્વ યુદ્ધ વખતે પંજાબના ક્ષેત્રોમાં બ્રિટિશરો સામે વિરોધ કંઈક વધારે પ્રમાણમાં સપાટી પર આવ્યો હતો. તેને દબાવવા માટે ભારત પ્રતિરક્ષા કાયદો (1915) લાગુ કરીને કચડી નાખ્યું હતું. ત્યાર બાદ 1918માં એક બ્રિટિશ જજ સિડની રોલેટની અધ્યક્ષતામાં એક સમિતિની નિમણૂક કરવામાં આવી હતી. આ સમિતિની જવાબદારી ભારતમાં ખાસ કરીને પંજાબ અને બંગાળમાં બ્રિટિશરોનો વિરોધ કઈ વિદેશી શક્તિઓની સહાયતાથી થઈ રહ્યો હતો, તેનું અધ્યયન કરવાની હતી. આ સમિતિના સૂચનો પ્રમાણે, ભારત પ્રતિરક્ષા કાયદાનો વિસ્તાર કરીને રોલેટ એક્ટ લાગુ કરી દેવામાં આવ્યો હતો. રોલેટ એક્ટનો હેતુ આઝાદી માટે ચાલી રહેલા આંદોલન પર રોક લગાવવાનો હતો. રોલેટ એક્ટના કાળા કાયદા પ્રમાણે, સરકારને વધારે અધિકાર આપવામાં આવ્યા હતા. તેમાં તેઓ પ્રેસ પર સેન્સરશીપ લગાવી શકે, નેતાઓને કેસ વગર જેલમાં રાખી શકે, લોકોને વોરંટ વગર પકડી શકે, તેમના પર વિશેષ ટ્રિબ્યૂનલો અને બંધ કરમામાં જવાબદેહી વગર ચુકાદા ચલાવી શકતા હતા.
રોલેટ એક્ટ તે સમયે બ્રિટિશ હુકૂમતની દમનકારી નીતિઓનું વાહક બની ગયો હોવાથી તેની સામે વિરોધનું વાતાવરણ બની ગયું હતું. તેને કાળા કાયદા તરીકે ઓળખવામાં આવતો હતો અને લોકો તેના વિરોધમાં ધરપકડ વ્હોરી રહ્યાં હતા. ગાંધીજી ત્યારે દક્ષિણ આફ્રિકાથી ભારત આવી ચુક્યા હતા અને ધીમેધીમે તેમની લોકપ્રિયતા વધી રહી હતી. તેમણે રોલેટ એક્ટના વિરોધનું આહવાન કર્યું હતું. તેને કચડવા માટે બ્રિટિશ સરકારે વધુ નેતાઓ અને લોકોની ધરપકડ કરી હતી. જેનાથી જનતાનો આક્રોશ વધ્યો હતો અને લોકોએ રેલવે તથા તાર-ટપાલ સેવાઓને બાધિત કરી હતી. આંદોલન એપ્રિલના પ્રથમ સપ્તાહમાં તેના ચરમ પર પહોંચ્યું હતું. લાહોર અને અમૃતસરની સડકો પર માનવ મહેરામણ ઉમટેલો રહેતો હતો. લગભગ 5 હજાર લોકો જલિયાંવાલા બાગમાં ભેગા થયા હતા. બ્રિટિશ સરકારના ઘણાં અધિકારીઓ તેને 1857ની ક્રાંતિ અને તેમની દ્રષ્ટિએ વિપ્લવના પુનરાવર્તન જેવી પરિસ્થિતિ લાગી રહી હતી. તેને ન થવા દેવા અને કચડવા માટે તેઓ કંઈપણ કરવા માટે તૈયાર હતા.
રોલેટ એક્ટ સામેના આંદોલનને કચડી નાખવા માટે દમનનો આશરો
આંદોલનના બે નેતાઓ સત્યપાલ અને સૈફુદ્દીન કિચલુની ધરપકડ કરીને કાળાપાણીની સજા આપવામાં આવી હતી. 10 એપ્રિલ, 1919ના રોજ અમૃતસરના ઉપ-કમિશનરના ઘર પર આ બંને નેતાઓને મુક્ત કરવાની માગણી રજૂ કરવામાં આવી હતી. તે વખતના ઉકળાટભર્યા વાતાવરણમાં 5 યૂરોપીય નાગરીકોની હત્યા થઈ હતી. તેના વિરોધમાં બ્રિટિશ સિપાહીઓએ ભારતીય જનતા પર અંધાધૂંધ ગોળીબાર કરીને 8થી 20 ભારતીયોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આગામી બે દિવસ દરમિયાન અમૃતસર તો શાંત રહ્યું હતું. પરંતુ પંજાબના અન્ય ક્ષેત્રોમાં હિંસા ફેલાઈ ગઈ હતી અને અન્ય 3 યૂરોપીય નાગરીકોની હત્યા થઈ હતી. આ પ્રકારની પરિસ્થિતિને કચડવા માટે પંજાબના મોટાભાગના વિસ્તારમાં માર્શલ લૉ લાગુ કરી દીધો હતો.
જલિયાંવાલા બાગનો હત્યાકાંડબૈશાખીના દિવસે 13 એપ્રિલ, 1919ના રોજ અમૃતસરના જલિયાંવાલા બાગમાં એક સભા રાખવમાં આવી હતી. તેમાં કેટલાંક નેતાઓ ભાષણ આપવાના હતા. શહેરમાં કર્ફ્યૂ લાગેલો હતો. તેમ છતાં તેમાં સેંકડો લોકો એવા પણ હતા કે જે બૈશાખી જોવા માટે પરિવાર સાથે મેળો જોવા આવ્યા હતા અને શહેર જોવાં આવ્યા હતા. તેઓ પણ સભાની ખબર સાંભળીને સભા સ્થળ તરફ જઈ રહ્યાં હતા. જ્યારે નેતા બાગમાં પડેલા ઉંચાણવાળા સ્થળે ભાષણ આપી રહ્યાં હતા. ત્યારે બ્રિગેડીયર જનરલ રેજીનોલ્ડ ડાયર 90 બ્રિટિશ સૈનિકો સાથે લઈને ત્યાં પહોંચી ગયા હતા. તેમના બધાંના હાથમાં ગોળીઓ ભરેલી રાયફલ હતા. નેતાઓએ સૈનિકોને જોયા, તો તેમણે ત્યાં ઉપસ્થિત લોકોને શાંતિથી બેસી રહેવા કહ્યું હતું.
સૈનિકોએ બાગને ઘેરીને કોઈપણ ચેતવણી આપ્યા વગર નિશસ્ત્ર લોકો પર ગોળીબાર કરવાના શરૂ કરી દીધા હતા. 10 મિનિટમાં કુલ 1650 રાઉન્ડ ગોળીઓ ફાયર થઈ હતી. જલિયાંવાલા બાગ તે સમયે મકાનો પાછળ ખાલી પડેલું એક મેદાન હતું. ત્યાં સુધી જવા અને આવવા માટે એક માત્ર સાંકડો રસ્તો હતો અને ચારે તરફ મકાનો હતા. ભાગવા માટે કોઈ રસ્તો ન હતો. કેટલાંક લોકો જીવ બચાવવા માટે મેદાનમાં રહેલા એકમાત્ર કુવામાં કૂદી ગયા, પરંતુ જોત જોતાંમાં તે કુવામાં લાશોનો ઢગલો થયો હતો.
જલિયાંવાલા બાગના હત્યાકાંડ બાદ ત્યાં રહેલા કૂવામાંથી 120 લાશો કાઢવામાં આવી હતી. શહેરમાં કર્ફ્યુ લગાવામાં આવ્યો હતો. જેના કારણે ઘાયલોને સારવાર માટે પણ ક્યાંય લઈ જઈ શકયા ન હતા. લોકો સારવારના અભાવમાં તડપીને જીવ આપી રહ્યાં હતા. અમૃતસરના ડેપ્યુટી કમિશનરના કાર્યાલયમાં 484 શહીદોની યાદી છે. જ્યારે જલિયાંવાલા બાગમાં કુલ 338 શહીદોની યાદી છે. બ્રિટિશ સરકારનો અભિલેખ આ ઘટનામાં 379 લોકોના મોત અને 200 લોકોના ઘાયલ થવાની વાતનો સ્વીકાર કરે છે. તેમના જણાવ્યા પ્રમાણે, માર્યા ગયેલાઓમાં 337 પુરુષો, 41 કિશોરો અને એક 6 માસના બાળકનો સમાવેશ થતો હતો. અનાધિકારીક આંકડા પ્રમાણે, 1000થી વધારે લોકો માર્યા ગયા હતા અને 2000થી વધારે લોકો ઘાયલ થયા હતા.
વરિષ્ઠોને જનરલ ડાયરનું રિપોર્ટિંગમુખ્યમથકે પાછા ફરીને બ્રિગેડિયર જનરલ રેજીનાલ્ડ ડાયરે પોતાના વરિષ્ઠ અધિકારીઓને ટેલિગ્રામ કરીને કહ્યું હતું કે તેમના પર ભારતીયોની એક ફૌજે હુમલો કર્યો હતો. તેમાં બચવા માટે તેમને ગોળીબાર કરવા પડયા હતા. બ્રિટિશ લેફ્ટનન્ટ ગવર્નર માયકલ ઓ ડાયરે તેના જવાબમાં બ્રિગેડિયર જનરલ રેજીનોલ્ડ ડજાયરને ટેલિગ્રામ કરીને કહ્યું હતું કે તેણે યોગ્ય પગલું લીધું છે. તેઓ તેના નિર્ણયને અનુમોદન આપે છે. ત્યાર વાઈસરોય ચેમ્સફર્ડની સ્વીકૃતિ બાદ અમૃતસર અને અન્ય ક્ષેત્રોમાં માર્શલ લો લગાવી દેવામાં આવ્યો હતો.
જલિયાંવાલા બાગ હત્યાકાંડની તપાસઆ જઘન્ય હત્યાકાંડની દુનિયાભરમાં આકરી ટીકા થઈ હતી. તેના દબાણમાં ભારતના સેક્રેટરી ઓફ સ્ટેટ એડવિન મોન્ટેગૂએ 1919ના અંતમાં મામલાની તપાસ માટે હંટર કમિશનની નિમણૂક કરી હતી. કમિશન સામે બ્રિગેડીયર જનરલ ડાયરે સ્વીકાર્યું હતું કે જલિયાંવાલા બાગમાં ગોળીબાર કરીને લોકોને મારી નાખવાનો નિર્ણય તેણે ત્યાં જતાં પહેલા જ કર્યો હતો. તે ત્યાં લોકોને મારી નાખવા માટે બે તોપો પણ લઈ ગયો હતો. પરંતુ રસ્તો સાંકડો હોવાથી તેને બહાર જ રાખવી પડી હતી.
હંટર કમિશનના રિપોર્ટ બાદ જનરલ ડાયરને બ્રિગેડીયર જનરલમાંથી કર્નલ બનાવી દેવામાં આવ્યો હતો. તેને અક્રિય અધિકારીઓની યાદીમાં રાખવામાં આવ્યો હતો. તેને ભારતમાં પોસ્ટ ન આપવાનો નિર્ણય કરાયો હતો અને તે સ્વાસ્થ્યના કારણોથી બ્રિટન પાછો ફર્યો હતો.
બ્રિટનના હાઉસ ઓફ કોમન્સે જલિયાંવાલા બાગ હત્યાકાંડની નિંદા કરીને પ્રસ્તાવ પારીત કર્યો હતો, પરંતુ હાઉસ ઓફ લોર્ડ્સે તેના વખાણ કરતો પ્રસ્તાવ પારીત કર્યો હતો. વિશ્વવ્યાપી નિંદાના દબાણમાં બાદમાં બ્રિટિશ સરકારે તેનો નિંદા પ્રસ્તાવ પારીત કર્યો અને 1920માં જનરલ ડાયરે રાજીનામું આપવું પડયું હતું. 1927માં જનરલ ડાયરનું કુદરતી મૃત્યુ થયું હતું.
જલિયાંવાલા બાગ હત્યાકાંડનો વિરોધગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરે આ હત્યાકાંડના વિરોધમાં નાઈટહુડનો ખિતાબ પાછો આપી દીધો હતો. આઝાદી માટે લોકોના જોશમાં આવી ઘટનાથી પણ કોઈ ઓટ આવી ન હતી. જલિયાંવાલા બાગ હત્યાકાંડ બાદ લોકોમાં આઝાદીની આકાંક્ષા વધવા લાગી હતી. આ હત્યાકાંડની ખબર તે વખતના અપૂરતાં સંચાર સાધનો છતાં જંગલમાં આગની જેમ દેશભરમાં ફેલાઈ ગઈ હતી. જલિયાંવાલા હત્યાકાંડ બાદ પણ લોકોની આઝાદી માટેની ચાહત જોઈને ગાંધીજીએ 1920માં અસહયોગ આંદોલનની શરૂઆત કરી હતી.
ઉધમસિંહે જલિયાવાલા બાગ હત્યાકાંડનું વેર વાળ્યુંજ્યારે જલિયાંવાલા હત્યાકાંડ થઈ રહ્યો હતો, ત્યારે તે સમયે સરદાર ઉધમસિંહ ત્યાં હાજર હતા અને તેમને પણ ગોળી વાગી હતી. તેણે નક્કી કર્યું હતું કે તેઓ આ જઘન્ય હત્યાકાંડનો બદલો લેશે. 13 માર્ચ, 1940ના રોજ તેમણે લંડનના કેક્સટન હોલમાં ઘટના સમયે બ્રિટિશ લેફ્ટનન્ટ ગવર્નર માયકલ ઓ ડાયરને ગોળી મારીને ઠાર કર્યો હતો. ઉધમ સિંહને 31 જુલાઈ, 1940ના રોજ ફાંસીએ ચઢાવી દેવામાં આવ્યા હતા. ગાંધી અને નેહરુએ ઉધમ સિંહ દ્વારા માઈકલ ઓ ડાયરની કરવામાં આવેલી હત્યાની ટીકા કરી હતી.
ભગતસિંહને ક્રાંતિકારી બનવા પ્રેરણા આપીજલિયાંવાલા બાગના હત્યા કાંડે ત્યારે 12 વર્ષની ઉંમરના ભગત સિંહના વિચાર પર ઘેરો પ્રભાવ પાડયો હતો. તેની માહિતી મળતા જ ભગત સિંહ પોતાની શાળાએથી 12 માઈલ પગે ચાલીને જલિયાંવાલા બાગ પહોંચ્યા હતા અને અહીંની બલિદાની માટીને પોતાની સાથે ઘરે લઈ ગયા હતા. આ ભગતસિંહે પોતાના બે સાથીદારો સુખદેવ અને રાજગુરુ સાથે 23 માર્ચ, 1931ના રોજ ફાંસીના માંચડે ચઢયા હતા