રવિવાર, 10 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ટ્રેંડિંગ ટોપિક
Written By
Last Modified: મંગળવાર, 22 નવેમ્બર 2022 (21:44 IST)

નરેન્દ્ર મોદીને કવિતા સંભળાવનાર સાત વર્ષની બાળકી આધ્યાબા કોણ છે?

Who is Adyaba
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે માંડ આંગળીના વેઢે ગણી શકાય એટલા જ દિવસ બાકી છે, ત્યારે ભાજપ-કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ ગુજરાતમાં ચૂંટણીસભાઓ યોજી રહ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ હાલમાં ગુજરાતના પ્રવાસે છે.
 
સોમવારે સુરેન્દ્રનગરના દૂધરેજ ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સભા યોજાઈ હતી. જાહેર સભા બાદ એક સાત વર્ષની બાળકીએ ભાજપ વિશે વડા પ્રધાનને કવિતા સંભળાવી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.આ કવિતા સાંભળી મોદીએ બાળકીનાં વખાણ કર્યાં હતાં.
 
આ સાત વર્ષની બાળકીનું નામ આધ્યાબા છે. આધ્યાબા લીંબડી બેઠકના ભાજપના ઉમેદવાર કિરીટસિંહ રાણાના ભાઈની ભત્રીજી છે.વડા પ્રધાનને કવિતા સંભળાવતો વીડિયો ભાજપના ટ્વિટર એકાઉન્ટ પરથી શૅર કરવામાં આવ્યો હતો.
 
વીડિયોમાં આધ્યાબાએ શું કહ્યું?
Who is Adyaba
આધ્યાબાએ વડા પ્રધાનને કવિતા સંભળાવી એના શબ્દો કંઈક આવા હતા:
 
 "જ્યાં જુઓ ત્યાં ભાજપ, આજે દરેક ચર્ચાની શરૂઆત ભાજપથી થાય છે, આજે દરેક ચર્ચાનો અંત ભાજપથી થાય છે. લોકો ભાજપને હરાવવા માટે જાતજાતની રમત રમે છે. ગુજરાતમાં સત્તાધારી પક્ષને કોઈ હરાવી શકે નહીં. આ વિકાસના સિદ્ધાંત પર ચાલતા અડીખમ ભાજપને કોઈ નહીં મિટાવી શકે"
 
"કારણ કે કર્ફ્યૂને ભૂતકાળ કોણ બનાવે- ભાજપ, 370ની કલમ કોણ હટાવે- ભાજપ, નર્મદાને નળ સુધી કોણ પહોંચાડે- ભાજપ, અયોધ્યામાં રામમંદિર કોણ બનાવે- ભાજપ"
 
"સ્ટેચ્યૂ ઑફ યુનિટીની ઊંચાઈ અને પાવાગઢમાં 500 વર્ષે ધજા કોણ ફરકાવે- ભાજપ, કોરોનામાં 200 કરોડ ફ્રી વૅક્સિન કોણ આપે- ભાજપ, સમગ્ર ગુજરાતનો એક જ નારો અમને તો ગમશે જ ભાજપ, ફરી આવશે જ ભાજપ"
કોણ છે આધ્યાબા?
 
લીંબડી વિધાનસભાની બેઠકના ઉમેદવાર કિરીટસિંહ રાણાના મોટા ભાઈ જગતસિંહ રાણાનાં દીકરી મહેશ્વરીબાનાં પુત્રી આધ્યાબા છે.
 
દૂધરેજ ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરસભા દરમિયાન ગ્રીનરૂમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે આધ્યાબા 20 મિનિટ સુધી રહી હતી. આધ્યાબા રાજકોટમાં રહે છે અને તે બીજા ધોરણમાં અભ્યાસ કરે છે. તેની ઉંમર આશરે સાત વર્ષની છે.
 
સમાચાર એજન્સી એએનઆઈ સાથે વાત કરતાં આધ્યાબાએ વડા પ્રધાનને રૂબરૂ મળવાના અનુભવ વિશે વાત કરતા જણાવ્યા હતું કે, “આ એક સ્વપ્ન જેવું લાગ્યું હતું.” 
 
તેણીએ વધુમાં કહ્યું હતું કે “મેં ક્યારેય વિચાર્યું ન હતું કે હું વડા પ્રધાન મોદીને મળીશ. જ્યારે હું નાની હતી અને પહેલી વાર તેમને જોયા હતા, ત્યારે મને લાગ્યુ કે તેઓ ખૂબ સારી વ્યક્તિ છે. આજે મારું સ્વપ્ન સાકાર થયું છે. મને વિશ્વાસ જ નહોતો થતો કે હું તેમને મળી છું. બધું એક સ્વપ્ન જેવુ લાગે છે.”
 
આધ્યાબાએ કહ્યું હતું કે “મોદીજીએ મારી પ્રશંસા કરી અને ‘ખૂબ સરસ બેટા’ એમ કહ્યું હતું. તેમણે મને આશીર્વાદ આપ્યા અને મને ભવિષ્યમાં સફળતાની શુભેચ્છા પાઠવી હતી. તેમણે એ પણ કહ્યું કે, તમે અમને બધાને ગૌરવ અપાવશો.”
 
વાઇરલ વીડિયો અંગે લોકો શું કહે છે?
 
આધ્યાબાનો ભાજપનાં વખાણ કરતો વીડિયો વાઇરલ થતા અન્ય પક્ષના લોકો તેનો વિરોધ કરતા પણ જોવા મળ્યા હતા.
આ વીડિયોને ભાજપના ઘણા નેતાઓ અને કેટલાક કેન્દ્રીય મંત્રીઓએ પણ શૅર કર્યો છે.
 
આ વીડિયો અંગે કૉંગ્રેસે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર ગુજરાતમાં ચૂંટણીપ્રચાર માટે એક બાળકનો ઉપયોગ કરવાનો આરોપ મૂક્યો હતો. કૉંગ્રેસે ભારતના ચૂંટણીપંચ અને નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઑફ ચાઇલ્ડ રાઇટ્સને પણ આ બાબતની નોંધ લેવા જણાવ્યું છે.
 
કૉંગ્રેસના સાંસદ જયરામ રમેશે પણ ટ્વીટ કરતા કહ્યું હતું કે, “વડા પ્રધાન ચૂંટણીના પ્રચાર માટે નાના બાળકનો ઉપયોગ કરી રહ્યા છે. આ કાયદાનું સ્પષ્ટ ઉલ્લંઘન થઈ રહ્યું છે. ચૂંટણીપંચ ક્યાં છે? નેશનલ કમિશન ફૉર પ્રોટેક્શન ઑફ ચાઇલ્ડ રાઇટ્સ ક્યાં છે?”
 
જયરામ રમેશે એક ટ્વીટમાં કૉંગ્રેસના અન્ય નેતાના આરોપના જવાબમાં કહ્યું હતું કે, “આ નિર્દોષ છે, પરંતુ EC અને NCPCR કંઈ કરશે નહીં.”
 
કૉંગ્રેસનાં પ્રવક્તા અને સોશિયલ મીડિયા પ્રભારી સુપ્રિયા શ્રીનાતે પણ વીડિયો શૅર કર્યો અને દાવો કર્યો કે  કાયદાનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, “શું એનસીપીસીઆર કુંભકર્ણની જેમ ઊંઘી રહ્યું છે? હવે ચૂંટણીપંચને પત્ર નહીં લખે? ચૂંટણીપંચે આપમેળે તેની નોંધ લેવી જોઈએ.”
 
ભાજપે અગાઉ કૉંગ્રેસ અને રાહુલ ગાંધી પર તેમની ‘ભારત જોડો યાત્રા’ માટે બાળકોનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો અને NCPCRને ફરિયાદ કરી હતી.
 
કિરીટસિંહ રાણા કોણ છે?
 
કિરીટસિંહ રાણા લીંબડી વિધાનસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે. તેમણે જી. એસ. કુમાર વિદ્યાલય, લીંબડી ખાતે ધોરણ 10 સુધીનો અભ્યાસ કર્યો છે.
 
કિરીટસિંહ રાણાએ તેમની કારકિર્દીની શરૂઆત ભાજપના પ્રમુખ તરીકે કરી હતી. તેઓ લીંબડી વિધાનસભા બેઠક પરથી 9મી વાર ચૂંટણી લડી રહ્યા છે. કિરીટસિંહના પિતા જિતુભા રાણા પણ આ વિસ્તારના ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેઓ લીંબડી તાલુકાના ભલગામડાના વતની છે. કિરીટસિંહ રાણાને બે વખત ભાજપ સરકાર દ્વારા પશુપાલન, વન અને પર્યાવરણ ખાતાની જવાબદારી સોંપવામાં આવી હતી.
 
કિરીટસિંહ રાણા 1995થી 1998 સુધી લીંબડીના ધારાસભ્ય તરીકે રહ્યા હતા. ત્યાર બાદ 1998થી 2002 સુધી તેમને પશુપાલન વિભાગની જવાબદારી સોંપવામાં આવી હતી. 2007માં ફરી તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. 2007થી 2012 દરમિયાન તેમને વન અને પર્યાવરણ ખાતાની જવાબદારી મળી હતી.
 
2013માં તેઓ ફરી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા, ત્યાર બાદ 2020માં પણ તેઓ ચૂંટાયા હતા. તેમની દેવભૂમિ દ્વારકાના પ્રભારી તરીકે પણ 2021માં નિમણૂક કરવામાં આવી હતી. કિરીટસિંહ રાણાની 16 સપ્ટેમ્બર, 2021ના રોજ વન અને પર્યાવરણના કૅબિનેટમંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી હતી.