રતન ટાટાને પીએમ મોદીનો એક શબ્દનો SMS અને ટાટા નૈનોનો પ્રોજેક્ટ પશ્ચિમ બંગાળથી ગુજરાતમાં.. જાણો શું હતો મામલો
Ratan Tata: ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ 2008માં રતન ટાટાને એક શબ્દનો એસએમએસ 'વેલકમ' (સ્વાગત છે) મોકલ્યો અને ટાટા નેનો પ્રોજેક્ટને પશ્ચિમ બંગાળથી ગુજરાતમાં ખસેડવામાં આવ્યો હતો. આ સાથે જ દુનિયાની સૌથી સસ્તી કાર કહેવાતી નેનોનો એક ઈતિહાસમાં એક અધ્યાય સમાપ્ત અને બીજો અધ્યાય શરૂ થયો.
પશ્ચિમ બંગાળમાં, 2006 માં, રાજ્યના તત્કાલિન મુખ્ય પ્રધાન બુદ્ધદેવ ભટ્ટાચાર્યની આગેવાની હેઠળની ડાબેરી મોરચાની સરકાર દ્વારા ટાટા જૂથ સિંગુરમાં નેનો કાર પ્રોડક્શન યુનિટની સ્થાપના માટે કરવામાં આવેલા જમીન સંપાદન સામે તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના વડા મમતા બેનર્જીના નેતૃત્વમાં ઉગ્ર વિરોધ થયો હતો.
મોદીએ ટાટાને મોકલ્યો હતો એક શબ્દનો SMS
મોદીએ આ એસએમએસ ટાટાને ત્યારે મોકલ્યો હતો જ્યારે ઉદ્યોગપતિ કોલકાતામાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી રહ્યા હતા અને પશ્ચિમ બંગાળમાંથી ટાટા નેનો પ્રોજેક્ટમાંથી બહાર નીકળવાની જાહેરાત કરી રહ્યા હતા. 2010 માં સાણંદમાં 2,000 કરોડ રૂપિયાના ટાટા નેનો પ્લાન્ટનું ઉદ્ઘાટન કરતી વખતે મોદીએ કહ્યું હતું કે, "જ્યારે રતન ટાટાએ કોલકાતામાં એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે તેઓ પશ્ચિમ બંગાળ છોડી રહ્યા છે, ત્યારે મેં તેમને એક નાનો SMS મોકલ્યો જેમાં મેં લખ્યું હતું કે, 'વેલકમ' અને હવે તમે જોઈ શકો છો કે એક રૂપિયાનો એસએમએસ શું કરી શકે છે.
2008માં નેનો પ્રોજેક્ટ બંગાળથી ગુજરાતમાં લાવવામાં આવ્યો હતો
ટાટાએ 3 ઓક્ટોબર, 2008ના રોજ જાહેરાત કરી હતી કે તે નેનો પ્રોજેક્ટને પશ્ચિમ બંગાળની બહાર ખસેડશે અને કહ્યું કે આગામી ચાર દિવસમાં આ પ્લાન્ટ ગુજરાતના સાણંદમાં સ્થાપિત કરવામાં આવશે. ત્યારે મોદીએ કહ્યું હતું કે ઘણા દેશો નેનો પ્રોજેક્ટને શક્ય તમામ મદદ આપવા આતુર છે, પરંતુ ગુજરાત સરકારના અધિકારીઓએ એ વાતનું ધ્યાન રાખ્યું હતું કે પ્રોજેક્ટ ભારતની બહાર ન જાય. તેમણે સરકારી તંત્રની પણ પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે તે કાર્યક્ષમતામાં કોર્પોરેટ સંસ્કૃતિ સાથે મેળ ખાય છે અને રાજ્યના ઝડપી વિકાસમાં મુખ્ય ભૂમિકા ભજવી રહી છે.