લોકસભા ચૂંટણીનું આજે એટલે કે ચાર જૂનનું પરિણામ દેશમાં આગામી સત્તા કોની બનશે એનો નિર્ણય કરશે. દેશની 543 બેઠકો પર થયેલી ચૂંટણીનાં પરિણામ જાહેર થશે. પરિણામ અગાઉ આવેલા ઍક્ઝિટ પોલમાં સત્તાધારી ભાજપના ગઠબંધનવાળા એનડીએને બહુમતી મળતી હોવાનું અનુમાન લગાવાયું છે. તો ઇન્ડિયા ગઠબંધનનો દાવો છે કે પરિણામ ઍક્ઝિટ પોલથી વિપરીત આવશે. લોકસભાનાં આ પરિણામથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રાહુલ ગાંધી, સ્મૃતિ ઈરાની વગેરેનાં રાજકીય ભાવિનો નિર્ણય થશે.
ગુજરાતની વાત કરીએ તો અહીં છેલ્લી બે ટર્મથી ભાજપ તમામ 26માંથી 26 બેઠકો જીતતો આવે છે. ઍક્ઝિટ પોલ અનુસાર ગુજરાતમાં ભાજપે એક કે બે સીટ ગુમાવી શકે છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં સુરતની બેઠક પરથી ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ અગાઉ જ બિનહરીફ વિજેતા જાહેર થઈ ચૂક્યા છે.
ગુજરાતમાં લોકસભાની 25 સીટની સાથે પાંચ પેટાચૂંટણીનું પરિણામ પણ જાહેર થશે.
ગુજરાતમાં આ ચૂંટણી રાજકોટના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાનો વિવાદ ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો.
ગુજરાતની લોકસભા ચૂંટણીમાં આ વખતે સૌથી મોટા મુદ્દો હતો પરશોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો વિરોધ. પરશોત્તમ રૂપાલાએ એક કાર્યક્રમમાં રાજારજવાડાં અંગે એક નિવેદન આપ્યું હતું, જેનો ક્ષત્રિય સમાજે વિરોધ કર્યો હતો. ક્ષત્રિય સમાજની માગ હતી કે રૂપાલાને ટિકિટ ન મળવી જોઈએ, જોકે ભાજપે તેમને ટિકિટ આપી હતી અને તેઓ રાજકોટથી ચૂંટણી લડ્યા હતા.
ત્યાર બાદ ક્ષત્રિય સમાજે ગુજરાતમાં ભાજપને હરાવવા માટે આંદોલન ઉપાડ્યું હતું અને ગામેગામ ધર્મરથ કાઢ્યો હતો. ગુજરાતમાં દિગ્ગજ નેતાઓની વાત કરીએ તો પરશોત્તમ રૂપાલાની સામે કૉંગ્રેસના પરેશ ધાનાણી ચૂંટણી લડ્યા હતા. તો પોરબંદરથી કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા ચૂંટણી લડ્યા હતા.
ગાંધીનગરથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ચૂંટણી લડ્યા હતા. અન્ય નેતાઓમાં બનાસકાંઠાથી ગેનીબહેન ઠાકોર, ભરૂચથી ચૈતર વસાવા, નવસારીથી ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ, જામનગરથી પૂનમ માડમ વગેરે ચૂંટણી લડ્યાં હતાં.
સુરતની બેઠક પરથી ભાજપના મુકેશ દલાલ કૉંગ્રેસના ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફૉર્મ રદ થતાં બિનહરીફ વિજેતા જાહેર થયા હતા.
ગુજરાતમાં પાંચ પેટાચૂંટણીનાં પરિણામ
ગુજરાતમાં લોકસભા ચૂંટણીની સાથે પાંચ પેટાચૂંટણીનાં પરિણામ પણ આજે જાહેર થશે. પોરબંદર, માણાવદર, વીજાપુર, વાઘોડિયા અને ખંભાતની બેઠકો પર વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. અહીં ઉલ્લેખનીય છે કે 2022ની વિધાનસભાની ચૂંટણીમાં આ પાંચમાંથી ચાર બેઠકો પર કૉંગ્રેસના ધારાસભ્યો જીત્યા હતા અને એક બેઠક પર અપક્ષ ધારાસભ્ય ચૂંટાયા હતા. રાજીનામું આપ્યા બાદ આ પાંચેય ધારાસભ્યો ભાજપમાં સામેલ થઈ ગયા અને ભાજપે તેમને ટિકિટ આપી હતી.
ચૂંટણી અગાઉ કૉંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયા ભાજપમાં જોડાયા હતા અને તેઓ પોરબંદર બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા.
2019ની લોકસભા ચૂંટણીમાં શું થયું હતું?
2019ની લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ સતત બીજી વાર પૂર્ણ બહુમતીથી સત્તા હાંસલ કરી હતી અને નરેન્દ્ર મોદી બીજી ટર્મ માટે વડા પ્રધાન બન્યા હતા. ભાજપે 303 બેઠકો પર વિજય મેળવ્યો હતો અને તેમને મળેલા મતોની ટકાવારી 37.36 ટકા હતી. એનડીએ ગઠબંધનને કુલ 353 બેઠકો મળી હતી. મુખ્ય વિપક્ષી દળ કૉંગ્રેસે ફરી એક વાર નિરાશાજનક પ્રદર્શન કર્યું હતું અને માત્ર 52 બેઠકો મળી હતી. તેમની મતોની ટકાવારી 19.49 ટકા હતી. કૉંગ્રેસને દસ ટકા બેઠકો મળી ન હોવાથી તેમને વિપક્ષ તરીકે પણ સ્થાન મળ્યું નહોતું. તો તૃણમૂલ કૉંગ્રેસને 22 બેઠકો, ડીએમકેને 24 બેઠકો, વાયએસઆર કૉંગ્રેસને 22 બેઠકો, બીજુ જનતા દળને 12 બેઠકો મળી હતી.
2014ની વાત કરીએ તો મોદી લહેરને લીધે ભાજપને 282 અને એનડીએને 336 બેઠકો મળી હતી. જ્યારે કૉંગ્રેસને 44 અને યુપીએને 59 બેઠકો મળી હતી.
2014 અને 2019ની ચૂંટણીમાં ગુજરાતની 26માંથી 26 લોકસભા બેઠકો પર ભાજપની જીત થઈ હતી.
લોકસભા ચૂંટણીનાં પરિણામ અગાઉ ચૂંટણીપંચે શું કહ્યું હતું?
ચૂંટણીપંચે લોકસભાની ચૂંટણીના પરિણામના એક દિવસ પહેલાં પત્રકારપરિષદ ભરી હતી. મુખ્ય ચૂંટણી અધિકારી રાજીવકુમારે કહ્યું કે 64 કરોડ મતદારોએ મતદાન કર્યું છે. આ વિશ્વ રેકૉર્ડ છે. 31 કરોડ મહિલાઓએ આ ચૂંટણીમાં મતદાન કર્યું છે. ચૂંટણી પ્રક્રિયામાં સામેલ કર્મચારીઓનાં વખાણ કરતાં રાજીવકુમારે કહ્યું કે જ્યારે નકારાત્મક વલણ બને ત્યારે આ લોકોને કેટલી તકલીફ થતી હશે.
ઉલ્લેખનીય છે કે જયરામ રમેશે આરોપ લગાવ્યો હતો કે જિલ્લા અધિકારીઓની ધમકીઓ આપવામાં આવી રહી છે. રાજીવકુમારે આ વિશે કહ્યું, "મતગણતરી પહેલાં જણાવવું જોઈએ કે ડીએમને પ્રભાવિત કરવામાં આવ્યા છે. એવું ન હોય કે તમે અફવા ફેલાવી દો. કેટલાંક રાજકીય દળોએ અમારી સામે માગણીઓ કરી હતી. અમે તે માગણીઓ માની લીધી અને કેટલીક અમારા નિયમવાળા પુસ્તકમાં છે."
રાજીવકુમારે કહ્યું કે મતગણના સમયે કોઈ પ્રકારની ભૂલ થઈ ન શકે. બધી જ પ્રક્રિયા પહેલાંથી જ નક્કી છે. દરેક તબક્કામાં ઉમેદવારની ભાગીદારી રહે છે.
તેમના અનુસાર, 2019માં 540ની તુલનામાં 2024માં 39 જગ્યાએ ફરીથી ચૂંટણી કરાવવામાં આવી હતી. આ ચૂંટણીમાં કોઈ પણ પ્રકારની હિંસાની ઘટના થઈ નથી. આ દેશમાં એવું કોઈ નથી, જેનું હેલિકૉપ્ટરની તપાસ ન થઈ હોય.
તેમણે કહ્યું કે આચારસંહિતાના ઉલ્લંઘનની 495 ફરિયાદો આવી, જેમાંથી લગભગ 90 ટકા ફરિયાદોનો નિકાલ કરાયો હતો.
લોકસભા ચૂંટણીનું સાત તબક્કામાં મતદાન
18મી લોકસભા ચૂંટણી માટે સાત તબક્કામાં મતદાન થયું હતું. 16 માર્ચે ચૂંટણીની તારીખોનું એલાન થયું હતું. ચૂંટણીપંચ અનુસાર પહેલા તબક્કામાં 66.14 ટકા, બીજા તબક્કામાં 66.71 ટકા અને ત્રીજા તબક્કામાં 65.68 ટકા મતદાન થયું હતું. ચોથા તબક્કામાં મતદાનની ટકાવારી સૌથી વધારે 69.16 ટકા રહી હતી. પાંચમા તબક્કામાં 62.20 ટકા અને છઠ્ઠા તબક્કામાં 63.36 ટકા મતદાન થયું હતું.
ચૂંટણીપંચ અનુસાર, સાતમા તબક્કાનું 63.88 ટકા મતદાન થયું હતું. 2024ની લોકસભા ચૂંટણીમાં મુખ્ય મુકાબલો ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએ અને વિપક્ષી દળોના ગઠબંધન ઇન્ડિયા વચ્ચે રહ્યો હતો. એનડીએમાં જનતા દળ (યુનાઇટેડ), જનતા દળ (સેક્યુલર), લોકજનશક્તિ પાર્ટી, અપના દળ, તેલુગુ દેશમ પાર્ટી, રાષ્ટ્રીય લોકદળ, શિવસેના (શિંદે જૂથ) જેવા પક્ષો સામેલ હતા.
જ્યારે ઇન્ડિયા ગઠબંધનમાં કૉંગ્રેસ, આમ આદમી પાર્ટી, રાષ્ટ્રીય જનતા દળ, સમાજવાદી પાર્ટી, ડીઅમકે, શિવસેના (ઠાકરે જૂથ), એનસીપી (શરદ પવાર) ડાબેરી પક્ષો, ઝારખંડ મુક્તિ મોરચા જેવા પક્ષો સામેલ હતા. 2024ની લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદી અને ભાજપના નેતૃત્વવાળું એનડીએ ગઠબંધને રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા, જમ્મુ-કાશ્મીરની કલમ 370 વગેરે મુદ્દાઓને લોકો સમક્ષ મૂક્યા હતા.
વડા પ્રધાન મોદી અને ભાજપે અબકી બાર 400 પારનો નારો આપ્યો હતો.
તો બીજી તરફ ઇન્ડિયા ગઠબંધને બેરોજગારી, મોંઘવારી, બંધારણીય સંસ્થાઓ નબળી પાડવી, જાતિગત જનગણના જેવા મુદ્દાઓ ઉઠાવ્યા હતા.