મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. લોકસભા ચૂંટણી 2024
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2024
Written By
Last Modified: શુક્રવાર, 8 માર્ચ 2024 (22:43 IST)

લોકસભા ચૂંટણી : કૉંગ્રેસના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર, રાહુલ ગાંધી ક્યાંથી લડશે?

congress leaders
કૉંગ્રેસ શુક્રવારે પ્રેસ કૉન્ફરન્સ યોજીને આગામી લોકસભા ચૂંટણીની 39 બેઠકો માટે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે.
 
આ યાદીમાં રાહુલ ગાંધી અને કૉંગ્રેસના મોટા નેતા શશિ થરૂર સહિતના નેતાઓનાં નામ સામેલ કરાયાં છે.
 
જાહેરાત પ્રમાણે રાહુલ ગાંધીને ફરીથી કેરળની વાયનાડ અને શશિ થરૂરને તિરુવનંતપુરમ બેઠક પરથી ટિકિટ અપાઈ છે.
 
જોકે, આ યાદીમાં ગુજરાતની કોઈ બેઠક પરથી કૉંગ્રેસના ઉમેદવારોનાં નામ સામેલ નહોતાં.
 
કૉંગ્રેસે પ્રથમ યાદીમાં છત્તીસગઢ, કર્ણાટક, કેરળ, લક્ષદ્વીપ, મેઘાલય, સિક્કિમ, નાગાલૅન્ડ, તેલંગાણા અને ત્રિપુરાની 39 બેઠકો પરના પોતાના ઉમેદવારો જાહેર કર્યા હતા.
 
યાદીમાં રાહુલ સિવાય છત્તીસગઢના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી ભૂપેશ બઘેલ અને કે. સી. વેણુગોપાલ જેવાં મોટાં નેતાને સામેલ કરાયા છે.
 
ભૂપેશ બઘેલને છત્તીસગઢની રાજનંદગાંવ બેઠક પરથી જ્યારે કે. સી. વેણુગોપાલને કેરળની અલાપુઝ્ઝા બેઠકથી ઉમેદવાર તરીકે ઉતારાયા છે.
 
કૉંગ્રેસના 39 ઉમેદવારો પૈકી 24 એસસી, એસટી, ઓબીસી અને લઘુમતીમાંથી આવે છે.
 
નોંધનીય છે કે અમુક દિવસ પહેલાં કૉમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા (સીપીઆઇ)એ વાયનાડ બેઠક પરથી એની રાજા નામનાં ઉમેદવારને ટિકિટ આપી હતી.
 
વાયનાડ બેઠક પરથી સીપીઆઇ ઉમેદવાર ઉતારતાં મુકાબલો દ્વિપક્ષીય બનવાની સાથોસાથ રસપ્રદ બની ગયો છે.
 
ભાજપે લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારોની પહેલી યાદીની જાહેરાત ગત 2 માર્ચના રોજ કરી દીધી હતી. આ યાદીમાં ભાજપે કુલ 195 લોકસભા બેઠકો પર ઉમેદવારોનાં નામ જાહેર કર્યાં હતાં, જેમાં ગુજરાતની પણ 15 બેઠકો સામેલ હતી.
 
ગુજરાતમાં ભાજપ છેલ્લી બે લોકસભા ચૂંટણીથી તમામ 26 બેઠકો જીતતો આવ્યો છે જ્યારે કૉંગ્રેસને એક પણ બેઠક મળી નથી.
 
હાલમાં એક તરફ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા તેના અંતિમ પડાવમાં છે, તો બીજી તરફ ગુજરાત સહિત દેશભરમાં કૉંગ્રેસના એક પછી એક નેતાઓનો ભાજપમાં જવાનો સિલસિલો યથાવત્ છે.
 
‘એનડીએ’ અને ‘ઇન્ડિયા’ વચ્ચે મુકાબલો
 
સામાન્ય રીતે લોકસભાની ચૂંટણી એપ્રિલ-મે મહિનામાં યોજાય છે અને 2024માં પણ લોકસભાની ચૂંટણીપ્રક્રિયા આ મહિનાઓમાં જ યોજાય તેવી શક્યતા છે.
 
ઉલ્લેખનીય છે કે 17મી લોકસભાની મુદત 16 જૂનના રોજ સમાપ્ત થશે, જે પહેલાં મતગણતરી સહિતની લોકસભાની ચૂંટણીને લગતી મોટા ભાગની પ્રક્રિયાઓ પૂરી થઈ જાય તેવી પ્રબળ શક્યતા છે.
 
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રીજી ટર્મ માટે આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો છે, જ્યારે વિપક્ષે ભાજપને હરાવવા માટે તૈયાર હોવાનો હુંકાર ભર્યો છે.
 
2024ની લોકસભા ચૂંટણીમાં મુખ્ય મુકાબલો સત્તાધારી ભાજપનાં નેતૃત્વવાળા નૅશનલ ડેમૉક્રેટિક ઍલાયન્સ (એનડીએ) અને વિપક્ષી દળોના ગઠબંધન ‘ઇન્ડિયા’ વચ્ચે થવાની સંભાવના છે.
 
વિપક્ષી પાર્ટીઓ જેવી કે કૉંગ્રેસ, આમ આદમી પાર્ટી, ડીએમકે, આરજેડી અને સમાજવાદી પાર્ટી એ ‘ઇન્ડિયા’ ગઠબંધનનો ભાગ છે. આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં પોતાના ચાર ઉમેદવારો અને ગુજરાતમાં બંને ઉમેદવારોનાં નામ જાહેર કરી દીધાં છે. જ્યારે સમાજવાદી પાર્ટીએ અત્યાર સુધીમાં પોતાની ત્રણ યાદીમાં ઉત્તરપ્રદેશની 31 સીટો પર પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. આથી એવું મનાતું હતું કે કૉંગ્રેસ પણ પોતાના ઉમેદવારોની યાદી જલદી જાહેર કરશે.
 
2019ની લોકસભા ચૂંટણીમાં કૉંગ્રેસનું પ્રદર્શન
 
ગત લોકસભાની ચૂંટણીમાં કૉંગ્રેસે કુલ 423 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતા જ્યારે બાકીની બેઠકો પર અન્ય પક્ષો સાથે ગઠબંધન કર્યું હતું.
 
પરંતુ 2019ની ચૂંટણીમાં કૉંગ્રેસને માત્ર 52 બેઠકો પર જ જીત મળી હતી. 10 ટકાથી ઓછી બેઠકો મળવાને કારણે કૉંગ્રેસને સતત બીજી ચૂંટણી બાદ સંસદમાં વિપક્ષના નેતાનું પદ મળી શક્યું ન હતું.
 
2019ની ચૂંટણીમાં કૉંગ્રેસને મળેલા કુલ મતોની ટકાવારી 19.49 ટકા હતી.
 
ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, આંધ્ર પ્રદેશ, ઉત્તરાખંડ, અરૂણાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, દિલ્હી જેવા રાજ્યોમાં કૉંગ્રેસ પોતાનું ખાતું પણ ખોલાવી શકી ન હતી.
 
લોકસભા ચૂંટણી 2019માં કૉંગ્રેસે કરેલું પ્રદર્શન એ તેનું બીજું સૌથી ખરાબ પ્રદર્શન હતું.
 
ગુજરાતમાં કૉંગ્રેસનું પ્રદર્શન
લોકસભા ચૂંટણીની વાત કરવામાં આવે તો કૉંગ્રેસ છેલ્લી બે ચૂંટણીઓથી ગુજરાતમાં એકપણ બેઠક જીતી શકી નથી.
 
છેલ્લે 2009ની લોકસભા ચૂંટણીમાં કૉંગ્રેસે ગુજરાતમાં 11 બેઠકો જીતી હતી. ત્યારબાદ ગુજરાતમાં કૉંગ્રેસ સતત નબળું પ્રદર્શન કરી રહી છે.
 
ગત ચૂંટણીમાં કૉંગ્રેસ તરફથી ગાંધીનગર બેઠક પરથી ચૂંટણી લડેલા સીજે ચાવડા, જામનગર બેઠક પરથી ચૂંટણી લડેલા મૂળુભાઈ કંડોરિયા, નવસારી બેઠક પરથી ચૂંટણી લડેલા ધર્મેશ પટેલ જેવા નેતાઓ ભાજપમાં સામેલ થઈ ચૂક્યા છે.
 
તો બીજી તરફ ચૂંટણી લડવા માટે પ્રબળ દાવેદારો મનાતા અર્જુન મોઢવાડિયા અને અંબરીષ ડેર જેવા નેતાઓ ભાજપમાં સામેલ થઈ ગયા છે.
 
છેલ્લે 1980માં કૉંગ્રેસે ગુજરાતની 26માંથી 25 બેઠકો જીતી હતી જે ગુજરાતમાં લોકસભા ચૂંટણી દરમિયાન કૉંગ્રેસનું શ્રેષ્ઠ પ્રદર્શન ગણાય છે