મતદાન બાદ ક્ષત્રિય આગેવાનોનો દાવોઃ ભાજપ 7 બેઠકો ગુમાવે છે અને ચારમાં રસાકસી
ગુજરાત લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન રાજકોટના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજને લઈને નિવેદન થયા બાદ રોષ ફાળી નીકળ્યો હતો. ત્યારબાદ ક્ષત્રિયો દ્વારા રાજ્યમાં મહાસંમેલનો કરી મોટી સંખ્યામાં મતદાન કરવાની અપીલ કરવામાં આવી હતી. ભાજપ વિરુદ્ધમાં મતદાન કરવા પણ આહવાન કરવામાં આવ્યું હતું. આજે લોકસભા ચૂંટણીનું મતદાન સંપન્ન થયું છે. ત્યારે ક્ષત્રિય સમાજની સંકલન સમિતી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ક્ષત્રિય સમાજ સહિત અન્ય સમાજના પ્રભુત્વવાળા વિસ્તારોમાં 80 ટકા ઉપરાંત મતદાન થયું છે. અમે આહવાન કર્યું હતું તેને ઝીલી લેવામાં આવ્યું છે.ભાજપ 7 બેઠકો ગુમાવે છે અને ચારમાં રસાકસી આવશે. ભાજપ રાજકોટ બેઠક હારશે.
ક્ષત્રિય સમાજના આહવાનને લોકોએ ઝીલી લીધું
લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપનો વિરોધ કરવામાં આવ્યો હતો. આજે ચૂંટણી પૂર્ણ થયા બાદ રાજપૂત સંકલન સમિતિના આગેવાન કરણસિંહ ચાવડાએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે આજે ગુજરાતમાં ચૂંટણી શાંતિપૂર્ણ પૂરી થઈ છે. સાંજે 5 વાગ્યા સુધીમાં 55 ટકા સરેરાશ મતદાન થયું છે. 60 ટકા સુધી મતદાન જઈ શકે છે. ક્ષત્રિય સમાજ સહિત અન્ય સમાજના પ્રભુત્વવાળા વિસ્તારોમાં 80 ટકા ઉપરાંત મતદાન થયું છે.ભાજપવાળા નિરસ મતદાનને લઈ થાળી લઈને નીકળ્યા હતા. જો પ્રજાને સંતોષ હોય તો નીકળવું ન પડે. શહેરી વિસ્તારમાં નીરસતા હતી. 2019માં આવું નહોતું. કામના આધારે મતદાન થયું હોત તો આવું ન થાય.
જો તકલીફ પડી હોય તો માફી માગીએ છીએ
કરણસિંહે કહ્યું હતું કે, રાજપૂત સંકલન સમિતિ મુજબ 7 બેઠક ભાજપ ગુમાવે છે અને 4 બેઠકો પર રસાકસી રહેશે. બાકીની બેઠકો પર 5 લાખથી વધારે નહિ પરંતુ ઓછી લીડ આવશે. રાજપૂત સમાજની સંસ્થાઓ અને લોકોને સાથ સહકાર મળ્યો હતો. રાજ્યમાં કોઈ ઘર્ષણ થયું નહિ. અનેક સભાઓ થઈ પરંતુ પ્રજાને તકલીફ પડી નથી. જો તકલીફ પડી હોય તો માફી માગીએ છીએ. ગુજરાતના નાગરિકોએ નીરસતાથી મતદાન કર્યું છે. અમે વડાપ્રધાનનો વિરોધ ન કર્યો અને ગરિમા પૂર્ણ રીતે આગળ વધ્યા છીએ. સૌરાષ્ટ્રમાં પ્રભુત્વ ધરાવતી બે જ્ઞાતિ નારાજ હતી.