ગુજરાતના ભાજપના સાંસદોને હાઈકમાન્ડનું તેડુ, 9મી જૂન સુધી દિલ્હીમાં રોકાવા આદેશ
ગુજરાતમાં લોકસભા અને વિધાનસભાની પેટાચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે. આ વખતે ભાજપને ક્લિન સ્વીપ કરવામાં તકલીફોનો સામનો કરવો પડ્યો છે. તે ઉપરાંત પાંચ લાખની લીડથી જીતવાનો ટાર્ગેટ પણ માત્ર ગણીગાંઠી સીટો પર પૂરો થયો છે. ત્યારે ગુજરાતમાં 26માંથી 25 સાંસદ ભાજપમાંથી અને એક સાંસદ કોંગ્રેસમાંથી ચૂંટાઈ આવ્યા છે. આજે દિલ્હીમાં સાંસદના રજિસ્ટ્રેશન માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ત્યારે ગુજરાતમાંથી ચૂંટાયેલા કેટલાક સાંસદ દિલ્હી પહોંચ્યા છે. આર.ઓ. તરફથી અપાયેલા સર્ટિફિકેટને આધારે સાંસદ તરીકે નોંધણી શરૂ થઈ ગઈ છે. દિલ્હી ગયેલા ગુજરાત ભાજપના સાંસદો નરેન્દ્ર મોદી અને અમિત શાહ સાથે શુભેચ્છા મુલાકાત કરી શકે તેવું સુત્રો પાસેથી જાણવા મળ્યું છે.બીજી તરફ 9મી તારીખ સુધી તમામ સાંસદોને દિલ્હીમાં રોકાવા આદેશ કરવામાં આવ્યો છે.
ભાજપ હાઈકમાન્ડ પ્રદેશ નેતૃત્વ સાથે ચર્ચાઓ કરી શકે છે
ચૂંટણીનું પરિણામ આવ્યા બાદ હવે સોશિયલ મીડિયામાં ચર્ચા જાગી છે કે, ગુજરાતમાં ચાર કેન્દ્રિય મંત્રીઓમાંથી કોનું મંત્રી પદ રહશે અને નવા સાંસદોમાંથી કયા સાંસદને મંત્રી પદ મળશે. પરશોત્તમ રૂપાલા સામે ક્ષત્રિયોનો વિરોધ ગુજરાતમાં ઓછા મતદાન માટે જવાબદાર ગણવામાં આવ્યો છે. બીજી બાજુ બનાસકાંઠાની બેઠક ગુમાવી અને પાંચ લાખની લીડનો ટાર્ગેટ પણ માત્ર ચારેક સીટ પર પુરો થયો છે. આ મુદ્દે ભાજપ હાઈકમાન્ડ પ્રદેશ નેતૃત્વ સાથે ચર્ચાઓ કરી શકે છે. રાજ્યમાં વડોદરા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, પાટણ અને વલસાડમાં ભાજપને સીટો જવાનો ડર હતો પણ આ બેઠકો પરના સાંસદો જીતી જતાં થોડી રાહત રહી છે. જ્યારે બે ધારાસભ્યો એક લાખની લીડ સુધી પણ નહીં પહોંચી શકતાં તેમની સાથે પણ વાતચીત થાય તેવી ચર્ચાઓ રાજકીય સુત્રોમાં થઈ રહી છે.
ભાજપના આ ઉમેદવારો પાંચ લાખની લીડથી જીત્યા
આ વખતે ગાંધીનગરથી ગૃહમંત્રી અમિત શાહ સૌથી વધુ 7.68 લાખની લીડથી જીત્યાં છે. બીજી તરફ નવસારીથી ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ 7.44 લાખની લીડથી જીત્યાં છે. જ્યારે પંચમહાલ બેઠક પરથી રાજપાલસિંહ જાદવ પાંચ લાખની લીડથી જીતી ગયાં છે. તે સિવાય વડોદરા બેઠક પર ભાજપમાં આંતરિક જૂથવાદ ઉભો થયો હતો અને રંજનબેને ચૂંટણી લડવાનો ઈનકાર કરતાં ડો, હેમાંગ જોશીને ભાજપે ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતાં. હેમાંગ જોશીને 8.73 લાખ મત મળ્યાં છે અને તેઓ 5.82 લાખની લીડથી જીત્યાં છે. આ સિવાય ભાવનગરથી નિમુબેન બાંભણિયા ચાર લાખ, રાજકોટથી પરશોત્તમ રૂપાલા 4.80 લાખ અને અમદાવાદ પૂર્વ બેઠક પરથી હસમુખ પટેલ 4.61 લાખ મતની લીડથી જીત્યાં છે.
ભાજપના આ ઉમેદવારો એક લાખની લીડ પણ ના મેળવી શક્યા
રાજ્યમાં ભાજપમાંથી ચાર લાખથી ઓછી લીડથી જીતનારા ઉમેદવારોની વાત કરીએ તો, અમરેલીથી ભરત સુતારિયા 3.21 લાખ, ખેડાથી દેવુસિંહ ચૌહાણ 3.57 લાખ, દાહોદથી જસવંત ભાભોર 3.33 લાખ, છોટા ઉદેપુરથી જશવંતસિંહ રાઠવા 3.97 લાખ, પોરબંદરથી આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા 3.80 લાખ મતોથી ચૂંટણી જીત્યાં છે. આ સિવાય પાટણથી ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભી 29 હજાર, આણંદથી મિતેષ પટેલ 89 હજાર અને ભરૂચથી મનસુખ વસાવા 85 હજાર મતથી ચૂંટણી જીત્યાં છે.