ભાજપ-ક્ષત્રિય સમાજની બેઠક નિષ્ફળ: અમને માફી મંજૂર નથી રૂપાલાની ઉમેદવારી પાછી ખેંચો
રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને લઈ રાજપૂત સમાજમાં રોષ ભભૂક્યો છે. આ અંગે આજે ભાજપ અને રાજપૂત સમાજની મુખ્ય કોર કમિટીની બેઠક શહેરના ગોતા વિસ્તારમાં આવેલા રાજપૂત ભવન ખાતે યોજાવવાની હતી.રાજપૂત સમાજની મુખ્ય કોર કમિટીએ સવારથી મીડિયાને દૂર રાખી ગુપ્ત જગ્યાએ મિટિંગ કરી અને ભાજપના લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા સાથેના વિવાદના કેટલાક નિર્ણયો લીધા હોવાનું જાણવા મળ્યું છે.
આજે બેઠકમાં કોઈ નિર્ણય નહીં લેવાયો હોવાનું જાણવા મળ્યું છે. ભાજપના નેતાઓ સમક્ષ માત્ર રાજકોટની સીટ પરથી ઉમેદવાર બદલવામાં આવે એવી માંગ કરવામાં આવી છે.આજે ભાજપ અને ક્ષત્રિય સમાજની કોર કમિટીની બેઠક નિષ્ફળ જતાં હવે રાજકોટ બેઠક પરથી પુરૂષોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય તેવી શક્યતાઓ વધી ગઈ છે. આ બેઠકમાં રૂપાલાની ઉમેદવારી રદ કરવાની માંગ પર ક્ષત્રિયો અડગ રહ્યાં છે.
બીજી તરફ સમગ્ર રાજ્યમાં ક્ષત્રિય સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે. કેટલીક જગ્યાએ ભાજપના પ્રચારકોએ પ્રવેશ કરવો નહીં તેવા બેનરો પણ લાગી ગયાં છે. ભાજપ સાથે બેઠક બાદ કરણસિંહ ચાવડાએ કહ્યું હતું કે, એક જ શબ્દમાં સર્વાનુમતે રજૂઆત કરી છે કે રાજકોટ લોકસભાના ઉમેદવાર રૂપાલાની ઉમેદવારી રદ્દ કરો, ક્ષત્રિય સમાજ કોઈ સમાધાન કરવા માગતો નથી. જ્યાં સુધી રૂપાલાની ટિકિટ રદ્દ નહીં કરવામાં આવે ત્યાં સુધી વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે. દેશમાં 22 કરોડ અને ગુજરાતમાં 75 લાખ ક્ષત્રિયો છે. અમે ચોખ્ખી વાત મૂકી છે કે તમારે રૂપાલા જોઈએ છીએ કે ક્ષત્રિય સમાજ. રૂપાલા વિવાદ મુદ્દે ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક બાદ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું નિવેદન, 3-3 વખત માફી માગવામાં આવી છે, કોર કમિટી સમક્ષ વાત મૂકવામાં આવી છે, અમે પાર્ટીને અમારી વાત કરીશું નિર્ણય પાર્ટી કરશે, બીજી બેઠક નહીં થાય. રૂપાલાના ક્ષત્રિય સમાજ પરના અભદ્ર નિવેદનના વિવાદમાં હવે માલધારી સમાજે પણ ઝંપલાવ્યું છે. રાજપૂત સમાજના આંદોલનને માલધારી સમાજે ટેકો જાહેર કર્યો છે. અમદાવાદના મેઘાણીનગરના પ્રેમાનંદ આશ્રમમાં માલધારી આગેવાનોની બેઠક મળી છે. ઉપરાંત AMCની ઢોર પોલિસી અમલ મામલે પણ પુનઃ લડત શરૂ કરવાની ગોપાલક સમિતિએ જાહેરાત કરી છે.