રવિવાર, 24 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2024
Written By
Last Updated : મંગળવાર, 30 એપ્રિલ 2024 (13:28 IST)

IPL 2024: ઈડન ગાર્ડન્સ પર KKRની ઐતિહાસિક જીત, IPLના આ ખાસ રેકોર્ડની કરી બરાબરી

KKR vs DC
image source twitter
Kolkata Knight Riders vs Delhi Capitals: આઈપીએલની 17મી સિઝનની 47મી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ. ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમે 7 વિકેટે જીત મેળવી હતી. આ સિઝનમાં કોલકાતા નાઈટ રાઈડર્સની  આ છઠ્ઠી જીત છે. સાથે જ  દિલ્હી કેપિટલ્સને સિઝનમાં તેની 5મી હારનો સામનો કરવો પડ્યો છે. આ જીત સાથે કેકેઆર ટીમ એક ખાસ લીસ્ટમાં મુંબઈ ઈન્ડિયન્સની સાથે પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે.
 
KKRના બોલરોનું શાનદાર પ્રદર્શન 
વરુણ ચક્રવર્તીની આગેવાની હેઠળના બોલરોના શાનદાર પ્રદર્શનને કારણે કોલકાતા નાઈટ રાઈડર્સે દિલ્હી કેપિટલ્સને નવ વિકેટે 153 રનના સ્કોર સુધી રોકી દીધી હતી. ચક્રવર્તીએ 16 રનમાં ત્રણ વિકેટ, હર્ષિત રાણાએ 28 રનમાં બે વિકેટ અને વૈભવ અરોરાએ 29 રનમાં બે વિકેટ લીધી હતી. કેકેઆરની ધારદાર  બોલિંગ સામે દિલ્હીની ટીમે નિયમિત અંતરે વિકેટો ગુમાવી હતી અને ટીમ તરફથી કોઈ મોટી ભાગીદારી થઈ ન હતી. સુનીલ નારાયણ અને મિશેલ સ્ટાર્કે પણ એક-એક વિકેટ લીધી હતી. સાથે જ નવમા નંબર પર બેટિંગ કરવા આવેલા કુલદીપ યાદવે 26 બોલમાં અણનમ 35 રન બનાવ્યા જે દિલ્હી માટે ટોપ સ્કોર હતો.
 
એકતરફા અંદાજમાં  ચેઝ કર્યા રન  
 
કેકેઆર તરફથી ઇનિંગ્સની શરૂઆત કરવા આવેલા ફિલિપ સોલ્ટ અને સુનીલ નારાયણે ટીમ માટે 154 રનના લક્ષ્યને એકદમ આસાન બનાવી દીધું હતું. બંને ખેલાડીઓએ પ્રથમ વિકેટ માટે 79 રન જોડ્યા હતા. આ દરમિયાન ફિલિપ સોલ્ટે 33 બોલમાં 68 રનની ઇનિંગ રમી હતી. આ ઇનિંગમાં તેણે 7 ફોર અને 5 સિક્સર ફટકારી હતી. જ્યારે સુનીલ નારાયણે 15 રનની ઇનિંગ રમી હતી. રિંકુ સિંહને આ મેચમાં ત્રીજા નંબર પર રમવાની તક મળી હતી, પરંતુ તે માત્ર 11 રન બનાવી શક્યો હતો.
 
ઈડન ગાર્ડન્સમાં કેકેઆરની ઐતિહાસિક જીત
કોલકાતા નાઈટ રાઈડર્સે આ મેચ જીતી અને ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં તેની 51મી જીત હાંસલ કરી. આ સાથે KKR ટીમ IPLમાં એક ગ્રાઉન્ડ પર સૌથી વધુ મેચ  જીતવાના મામલે સંયુક્ત રીતે પ્રથમ ક્રમે આવી ગઈ છે. મુંબઈએ વાનખેડે સ્ટેડિયમમાં પણ 51 મેચ જીતી છે.
 
આઈપીએલમાં એક વેન્યુ  પર સૌથી વધુ જીત
51 જીત – વાનખેડે ખાતે મુંબઈ ઈન્ડિયન્સ
51 જીત – ઈડન ગાર્ડન્સ ખાતે કેકેઆર 
50 જીત - ચેન્નાઈમાં  સીએસકે 
41 જીત - બેંગલુરુમાં આરસીબી