રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2021
Written By
Last Modified: શુક્રવાર, 9 એપ્રિલ 2021 (08:31 IST)

IPL 2021 - આ સીઝનમાં અર્જુન તેંડુલકરનો ડેબ્યુ , ઋષભ પંતની કપ્તાની અને બીજુ શુ શુ જોવા મળશે ?

આઈપીએલની 14મી સિઝન 9 એપ્રિલથી શરૂ થઈ રહી છે. કોરોનાકાળમાં આ વખતે દર્શકો વિના મૅચ કરાવવાની તૈયારી ચાલી રહી છે, પણ આ સિઝનમાં ઘણું બધું નવું જોવા મળી શકે છે. આઈપીએલની આ સિઝનમાં આઠ ટીમો દેશનાં અલગ-અલગ સ્ટેડિયમોમાં 60 મૅચ રમશે. ફાઇનલ 30 મેના રોજ રમાશે.
 
સચીન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકર આ સિઝનમાં પહેલી વાર આઈપીએલમાં રમતા જોવા મળશે. ઘરેલુ ક્રિકેટમાં મુંબઈની ટીમ મજબૂત માનવામાં આવે છે. મુંબઈની ટીમમાં રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, ધવલ કુલકર્ણી, આદિત્ય તારે, અર્જુન તેંડુલકર છે. રોહિત શર્માની કપ્તાનીમાં મુંબઈની ટીમ પાંચ વાર આઈપીએલનો ખિતાબ જીતી ચૂકી છે. અત્યાર સુધીમાં શૉર્ટ રનનો નિર્ણય ફિલ્ડ અમ્પાયર કરતા હતા, પણ હવે શૉર્ટ રનનો નિર્ણય થર્ડ અમ્પાયર કરશે. આ સિવાય પણ આ સિઝનમાં ઘણું બધું બદલાઈ ગયું છે. 
 
ચેતેશ્વર પૂજારાની વાપસી
 
ગુજરાતી ક્રિકેટર ચેતેશ્વર પૂજારા આ વખતની સિઝનમાં રમતા જોવા મળશે ભારતીય ટેસ્ટ ટીમના મહત્ત્વના ખેલાડી ચેતેશ્વર પૂજારાની આઈપીએલમાં એક રીતે ઉપેક્ષા થતી આવી છે. મજબૂત બેટિંગ માટે જાણીતા પૂજારા પ્રત્યેક બૉલ પર ચોગ્ગા-છગ્ગાવાળા ફૉર્મેટમાં ફિટ સાબિત થયા નથી. પણ આ વખતે આઈપીએલમાં સાત વર્ષ બાદ તેઓ પાછા ફરશે.
 
પૂજારા અત્યાર સુધીમાં કોલકાતા નાઇટ રાઇડર્સ, રૉયલસ ચૅલેન્જર્સ બેંગ્લુરુ અને કિંગ્સ ઇલેવન પંજાબની ટીમમાં રમી ચૂક્યા છે. આ ટીમો માટે તેઓએ 30 મૅચમાં 390 રન બનાવ્યા છે, તેમના નામે માત્ર એક અર્ધસદી છે. પણ આ વખતે તેમનો ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમમાં સમાવેશ કરાયો છે. કેટલાક દિવસો પહેલાં ચેન્નાઈ ટીમના પ્રૅક્ટિસ સેશનમાં છગ્ગા મારતા પૂજારાનો વીડિયો સામે આવ્યો હતો.
 
અર્જુન તેંડુલકર કરશે ડેબ્યુ
 
સચીન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકર આ સિઝનમાં પહેલી વાર આઈપીએલમાં રમતા જોવા મળશે. તેમને બેઝ પ્રાઇસ 20 લાખ રૂપિયામાં મુંબઈ ઇન્ડિયન્સે ખરીદ્યા છે. 2020ની આઈપીએલ સિઝનમાં અર્જુન મુંબઈ ઇન્ડિયન્સ ટીમના નેટ બૉલર રહ્યા હતા. તેઓ મુંબઈ તરફથી વિભિન્ન આયુવર્ગની ક્રિકેટ ટીમમાં પણ રમી ચૂક્યા છે. શ્રીલંકાનો પ્રવાસ કરનારી અન્ડર-19 ટીમમાં પણ તેઓ સામેલ થયા હતા. 
 
ડાબોડી ફાસ્ટ બૉલર અર્જુન સ્વિંગ બૉલિંગ કરે છે, તેઓ ઉપયોગી બેટિંગ પણ કરી શકે છે. અર્જુન ભારતની અન્ડર-19 અને મુંબઈની અન્ડર-19 ટીમ તરફથી પણ રમી ચૂક્યા છે. 2017-2018ની કૂચ બિહાર ટ્રૉફી દરમિયાન મુંબઈની અન્ડર-19 ટીમમાં રમતાં તેમણે 19 વિકેટ ખેરવી હતી. અર્જુનને લૉર્ડ્સની ઇન્ડોર અકાદમીમાં અભ્યાસ કરવાનો મોકો મળ્યો છે, જેને ક્રિકેટનું મક્કા કહેવામાં આવે છે.
ઋષભ પંત-સંજુ સેમસન કરશે કૅપ્ટનશિપ
 
સ્ટીવ સ્મિથની જગ્યાએ સંજુ સેમસનને રાજસ્થાનના કૅપ્ટનની જવાબદારી સોંપાઈ છે, આઈપીએલમાં આ સિઝનામં બે નવા કપ્તાન પણ જોવા મળશે. 
રાજસ્થાન રૉયલે ગત સિઝનમાં અજિંક્ય રહાણેની જગ્યાએ સ્ટીવ સ્મિથને કૅપ્ટનશિપ સોંપી હતી. ગત સિઝનમાં સ્મિથની કપ્તાનીમાં ટીમનું પ્રદર્શન સારું રહ્યું નહોતું, આથી ટીમ-વ્યવસ્થાએ યુવા બૅટ્સમૅન સંજુ સેમસનને ટીમના કૅપ્ટન બનાવ્યા છે. 
 
26 વર્ષીય સંજુ સેમસેન અત્યાર સુધી આઈપીએલમાં 107 મૅચમાં 2584 રન ફટકારી ચૂક્યા છે. તેમની બેટિંગ રનરેટ 133.74ની રહી છે. આઈપીએલમાં તેઓ બે સદી પણ ફટકારી ચૂક્યા છે.
 
બીજી તરફ 23 વર્ષીય ઋષભ પંત આઈપીએલમાં દિલ્હી કૅપિટલ્સ ટીમમાં કૅપ્ટન હશે. નિયમિત કૅપ્ટન શ્રેયસ ઐયર ઈજાને કારણે આ આઈપીએલમાં નથી અને તેમની જગ્યાએ પંતને કૅપ્ટનશિપ સોંપાઈ છે. દિલ્લી કૅપિટલ્સની ટીમ અત્યાર સુધીમાં એક પણ વાર ખિતાબ જીતી શકી નથી, પણ ગત સિઝનમાં ટીમ ફાઇનલમાં પહોંચી હતી.
 
બધી મૅચ ન્યૂટ્રલ વેન્યુ પર
 
કોરોનાને કારણે આઈપીએલની આ સિઝન દરમિયાન બધી ટીમોએ ન્યૂટ્રલ મેદાન પર મૅચ રમવી પડશે. આ વખતે બેંગ્લુરુ, અમદાવાદ, મુંબઈ, ચેન્નાઈ, દિલ્દી અને કોલકાતામાં આઈપીએલની મૅચ રમાશે. આખી સિઝન દરમિયાન કોઈ પણ ટીમને ત્રણ વાર જ યાત્રા કરવાનો મોકો મળશે. આ સિવાય બધી મૅચો દરમિયાન મેદાનમાં દર્શકો પણ હાજર નહીં હોય.
 
કિંગ્સ ઇલેવન પંજાબ હવે પંજાબ કિંગ્સ
 
કિંગ્સ ઇલેવન પંજાબની ટીમ અત્યાર સુધીમાં એક પણ વાર ચૅમ્પિયન બની શકી નથી. ટીમ અને કપ્તાનોનું સંયોજન બદલાતા આ વખતે ટીમે પોતાનું નામ બદલી નાખ્યું છે. પ્રીતિ ઝિન્ટા અને નેસ વાડિયાની ટીમ અત્યાર સુધીમાં 12 કૅપ્ટનોને અજમાવી ચૂક્યા છે. ભારતીય કે વિદેશી કૅપ્ટન કોઈ પણ ટીમને ખિતાબ જિતાડી શક્યા નથી.
 
ઑનફિલ્ડ અમ્પાયરથી સૉફ્ટ સિગ્નલ નહીં
 
જ્યારે પણ થર્ડ અમ્પાયર કોઈ નિર્ણય લે ત્યારે તેઓ ઑનફિલ્ડ અમ્પાયરના નિર્ણયને મહત્ત્વ આપે છે, પણ આ વખતે આઈપીએલમાં આવું નહીં થાય, કેમ કે આ સિઝનમાં ઑનફિલ્ડ અમ્પાયરના સૉફ્ટ સિગ્નલને બહુ મહત્ત્વ નહીં મળે અને થર્ડ અમ્પાયર પોતાનો નિર્ણય જાતે લઈ શકશે. આ સિઝનમાં ફિલ્ડ અમ્પાયર સૉફ્ટ સિગ્નલ આપશે તો ખરા, પણ થર્ડ અમ્પાયર પોતાનો નિર્ણય સંપૂર્ણ તપાસ કર્યા પછી આપશે.
 
90 મિનિટમાં ઇનિંગ પૂરી કરવી અનિવાર્ય
 
એ ફરિયાદ સતત થતી રહે છે કે આઈપીએલની મૅચ મોડી ખતમ થાય છે.
 
આ ફરિયાદને દૂર કરવા આઈપીએલની આ સિઝનમાં નવો નિયમ લાગુ કરાઈ રહ્યો છે. દરેક ટીમને 90 મિનિટમાં પોતાની 20 ઓવર પૂરી કરવાની રહેશે. આ નિયમનું ઉલ્લંઘન થતા કૅપ્ટન સહિત આખી ટીમને દંડ થઈ શકે છે. જો કોઈ ટીમ બીજી વાર નિયમનું ઉલ્લંઘન કરે તો ટીમને કડક સજા થઈ શકે છે અને કૅપ્ટન પર કેટલીક મૅચ રમવા પર પ્રતિબંધ પણ મુકાઈ શકે છે. તેમજ કોઈ મૅચ ટાઈ થાય તો આગામી એક કલાકમાં મૅચનો નિર્ણય સુપર ઓવરથી થઈ જવો જોઈએ. જો એક કલાકમાં કોઈ નિર્ણય નહીં થાય તો બંને ટીમને એક-એક અંક આપી દેવાશે.
 
અત્યાર સુધીમાં શૉર્ટ રનનો નિર્ણય ફિલ્ડ અમ્પાયર કરતા હતા, પણ હવે શૉર્ટ રનનો નિર્ણય થર્ડ અમ્પાયર કરશે. ઑસ્ટ્રેલિયન ખેલાડી શેન વૉટસન અને શ્રીલંકાના લસિથ મલિંગા ગત સિઝનમાં સંન્યાસ લેવાની જાહેરાત કરી ચૂક્યા છે. તેમજ મિચેલ સ્ટાર્ક, જોશ હેઝલવૂડ, મિચેલ માર્શ, જોસ ફિલિપ, ડેલ સ્ટેન અને શ્રેયસ ઐયર આ સિઝનમાં જોવા નહીં મળે.