IPL 2019: કોહલીની ટીમના બર્મન કોણ છે અને કેમ બન્યા છે ચર્ચાનું કેન્દ્ર?
રવિવારે હૈદરાબાદમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે IPLમાં વિરાટ કોહલીની ટીમ સનરાઈઝર્સ સામે ખરાબ રીતે હારી ગઈ. પરંતુ કોહલીની ટીમના એક ખેલાડી ચર્ચામાં રહ્યા, નામ છે પ્રયાસ રાય બર્મન.
બર્મને IPLમાં પોતાની પ્રથમ મૅચ રમી. સનરાઈઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ પહેલી બૉલિંગ કરતા તેમણે ચાર ઓવર નાખી. તેમની બૉલિંગનું વિશ્લેષણ 4-0-56-0 રહ્યું. મતલબ કે ચાર ઓવરમાં તેમણે કુલ 56 રન આપ્યા અને કોઈ વિકેટ ન લીધી. ત્યારબાદ પ્રયાસ બર્મનને બૅટિંગ કરવાની પણ તક મળી. તેમણે કુલ 24 બૉલ રમ્યા. જેમાં બે ચોગ્ગા સાથે 19 રન કર્યા. તેમની ટીમ રૉયલ ચૅલેન્જર્સ બેંગલુરુ 113 રન પર આઉટ થઈ ગઈ અને સનરાઈઝર્સએ 118 રનથી મૅચ જીતી લીધી હતી.
તમે વિચારશો કે આરસીબીની હાર અને સામાન્ય બૉલિંગ અને બૅટિંગ પછી પ્રયાસ બર્મન ચર્ચામાં કેમ છે. ચર્ચામાં એટલા માટે છે કે તેઓ IPLમાં રમનારા સૌથી નાની ઉંમરના ખેલાડી બની ગયા છે. IPLની પહેલી મૅચ રમ્યા ત્યારે બર્મન 16 વર્ષ અને 157 દિવસના હતા.તેમણે અફઘાનિસ્તાનના સ્પિનર મુજીબ ઉર રહેમાનની જગ્યા લીધી છે. મુજીબે આઈપીએલ 2018માં આ રેકર્ડ બનાવ્યો, ત્યારે તેમની ઉંમર 17 વર્ષ 11 દિવસ હતી.
બેઝ પ્રાઇસથી આઠ ગણા મોંઘા
25 ઓક્ટોબર 2002એ આરસીબીએ જયપુરમાં થયેલી લિલામીમાં પ્રયાસને દોઢ કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા. તેમની બેઝ પ્રાઇસ 20 લાખ હતી અને તેમના માટે બેઝથી આઠ ગણી કિંમતની બોલી લાગી તો લોકોને આશ્ચર્ય થયું. પ્રયાસ બર્મન વિજય હઝારે ટ્રૉફીમાં બંગાળ તરફથી સૌથી વધુ વિકેટ લેનારા બૉલર હતા. IPLમાં પસંદગી પામ્યા ત્યારે પ્રયાસનો પ્રતિભાવ સાંભળવા લાયક હતો.
"વિશ્વાસ નથી થઈ રહ્યો, ભાવનાઓ પર કાબૂ કરી શકતો નથી. મને અસંખ્ય કૉલ આવે છે. ઘણા તો વેઇટિંગમાં છે. ક્યારેય અપેક્ષા નહોતી કે IPL માટે પસંદગી પામીશ."
સમાચાર સંસ્થા પીટીઆઈને આપેલા ઇન્ટરવ્યૂમાં પ્રયાસે કહ્યું હતું કે, "ભારતના અન્ય યુવા ખેલાડીઓની જેમ વિરાટ કોહલી મારા આદર્શ છે. મારું પહેલાંથી જ એક સપનું રહ્યું છે કે એક વખત કોહલી સાથે ફોટો પડાવીશ."
"મેં બહુ પ્રયત્નો કર્યા પણ ક્યારેય તક મળી નહીં. હવે મારા હીરો સાથે ડ્રેસિંગ રૂમ શૅર કરીશ, એ વાત માની શકતો નથી." 6 ફૂટ એક ઇંચ લાંબા પ્રયાસ બર્મન સ્પિન બૉલિંગના ઉસ્તાદ છે એવું નથી, પરંતુ બૅટ્સમેનના પડકારને સ્વીકારવાની તેમની ખાસિયત છે.
હવામાં તેમના બૉલની ગતિ તેજ થાય છે અને ચોક્કસાઈ બાબતે અનિલ કુંબલે તેમના આદર્શ છે.
પ્રયાસ બર્મને પોતાની પહેલી એ લિસ્ટ મૅચ 20 સપ્ટેમ્બર, 2018ના રોજ બંગાળ તરફથી જમ્મુ કાશ્મીર વિરુદ્ધ રમી હતી. બર્મને ત્યારે પાંચ ઓવરમાં 20 રન આપીને ચાર ખેલાડીઓને પૅવેલિયન ભેગા કરી દીધા હતા. દુર્ગાપુરના વતની પ્રયાસ બર્મન રાજધાની દિલ્હીમાં મોટા થયા છે. પરંતુ ક્રિકેટની રમત તેઓ દુર્ગાપુર ક્રિકેટ સેન્ટરમાં શીખ્યા છે.