મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. યોગ
  3. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ
Written By
Last Modified: શુક્રવાર, 18 જૂન 2021 (20:00 IST)

ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા મુખ્યમંત્રીશ્રીના નિવાસસ્થાનેથી તા.૨૧મી જુને વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાશે

ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા મુખ્યમંત્રીશ્રીના નિવાસસ્થાનેથી તા.૨૧મી જુને વિશ્વ યોગ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યુ છે. "હવે તો બસ એક જ વાત, યોગમય બને ગુજરાત” થીમ ઉપર ગુજરાત રાજય યોગ બોર્ડ દ્રારા તા.૧૪ જૂન ૨૦૨૧ થી તા.૨૦ જૂન ૨૦૨૧ દરમિયાન યોગ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યુ છે જેને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. તા.૨૧મી જૂને મુખ્યમંત્રીશ્રીના નિવાસસ્થાને યોજાનાર કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી તથા તેમનો પરિવાર ગુજરાત રાજય યોગ બોર્ડના ચેરમેનશ્રી તથા છ યોગ કોચ સાથે કોમન યોગા પ્રોટોકોલથી યોગ કરશે. સમગ્ર કાર્યક્રમનું મુખ્યમંત્રીશ્રીના ફેસબુક પેજ ઉપરથી જીવંત પ્રસારણ કરવામાં આવશે તેમ ગુજરાત રાજ્ય યોગ બોર્ડની યાદીમાં જણાવાયું છે. 
 
તા.૨૧ જૂન ૨૦૨૧નાં રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણી સવારના ૦૭-૦૦ કલાકેથી ૦૭-૪૫ કલાક સુધી એટલે કે ૪૫ મિનિટ સુધી યોજાશે જેનું મુખ્યમંત્રીશ્રીના ફેસબુક પેજ ઉપરથી સવારે ૧૧-૦૦ કલાકથી જીવંત પ્રસારણ કરવામાં આવશે.  ગુજરાત રાજય યોગ બોર્ડ દ્રારા ૨૧ જુન – ૨૦૨૦ થી ૨૧ જુન -૨૦૨૧ દરમિયાન ૨૧,૦૦૦ યોગ ટ્રેનરો તૈયાર કરવામાં આવ્યા છે. જે પૈકી તા.૨૧ જૂન ૨૦૨૧ના રોજ વિશ્વ યોગ દિવસના સંદર્ભે સવારના ૧૧-૦૦ કલાકેથી મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના વરદહસ્તે મુખ્યમંત્રીશ્રીના નિવાસસ્થાને યોગ ટ્રેનીંગ સફળતા પુર્વક પુર્ણ કરેલ યોગ કોચ / યોગ ટ્રેનરને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે. આ કાર્યક્રમ વિડીયો કોન્ફરન્સ મારફતે દરેક જિલ્લા કલેકટર કચેરીના કોન્ફરન્સ રૂમ ખાતે હાજર રહેલ ૨૦ યોગ કોચ ટ્રેનરને પણ જિલ્લા કક્ષાએથી પ્રમાણપત્ર આપવામાં આવશે. જેમાં સંબંધિત જિલ્લા કલેકટરશ્રીઓ ઉપસ્થિત રહેનાર છે.
 
આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી, રમતગમત વિભાગના મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલ, ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેનશ્રી યોગસેવક શીશપાલ, ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સભ્યશ્રીઓ ઉપસ્થિત રહેનાર છે. તે ઉપરાંત રમતગમત યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી સી.વી.સોમ ઉપસ્થિત રહેનાર છે. 
 
સાતમાં વિશ્વ યોગ દિવસ-૨૦૨૧ને સફળ બનાવવા ગુજરાત રાજય યોગ બોર્ડ દ્રારા દરેક જિલ્લામાં તા.૦૧ જૂન ૨૦૨૧ થી તા.૨૦ જૂન ૨૦૨૧ સુધી બપોરના ૦૩-૦૦ થી પ-૦૦ કલાક દરમિયાન ચેરમેનશ્રી યોગસેવક શીશપાલજીની અધ્યક્ષતામાં ઝુમ એપ્લીકેશનના માધ્યમથી "ઓનલાઇન યોગ સંવાદ" કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં પણ મોટી સંખ્યામાં યોગ કોચ, યોગ ટ્રેનર, યોગ સાધક તથા યોગ સમર્થક જોડાઇ ઉત્સાહથી ભાગ લે છે. 
 
વિશ્વ યોગ દિવસ-૨૦૨૧ની ઉજવણીના ભાગરૂપે ગુજરાત રાજય યોગ બોર્ડ દ્રારા તા.૦૧ જૂન થી ૨૧ જૂન સુધી BISAG ગાંધીનગર ખાતે યોગના અલગ અલગ વિષયો ઉપર લાઇવ પ્રસારણ કરવામાં આવે છે. જેમાં મોટી સંખ્યામાં લોકો ઓનલાઇન જોડાઇ યોગનો લાભ લઇ રહયા છે.
 
ગુજરાત રાજય યોગ બોર્ડ દ્રારા તા.૧૪ જૂન ૨૦૨૧ થી તા.૨૦ જૂન ૨૦૨૧ સુધી "હવે તો બસ એક જ વાત યોગમય બને ગુજરાત” થીમ ઉપર યોગ સપ્તાહનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં સુર્ય નમસ્કાર ચેલેન્જ તથા યોગના અલગ અલગ આસનો પર લોકો વિડીયો બનાવી પોતાના ફેસબુક પેઇજ ઉપર લાઇવ કરવામાં આવે છે જેને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.  *