જો તમે Air Conditioner નું આ મોડ ચાલુ કરશો તો તમારું વીજળીનું બિલ ઓછું આવશે, હજારો રૂપિયાની થશે બચત
માર્ચ મહિનાની શરૂઆત સાથે જ ઉનાળો પણ શરૂ થઈ ગયો છે. શિયાળો હવે નામનો જ છે. ઉનાળો આવતાની સાથે જ ફરી એકવાર પંખા ચાલવા માંડશે. ઓફિસ જેવી ઘણી જગ્યાએ એસી પણ ચાલુ કરી દેવામાં આવ્યા છે. જો તમે પણ આ ઉનાળામાં ફરી એકવાર તમારું સ્વીચ ઓફ કરેલું એસી ચાલુ કરવા જઈ રહ્યા છો અથવા તમારા ઘર માટે નવું એસી ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ઉપયોગી થવાના છે. આજે અમે તમને ACના આવા જ એક મોડ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેનાથી તમે હજારો રૂપિયા બચાવી શકો છો.
તમે કદાચ જાણતા ન હોય કે એસીમાં ઘણા મોડ આપવામાં આવે છે. મોટાભાગના લોકો એસીનો ઉપયોગ તો કરે છે પણ તેના યોગ્ય મોડનો યોગ્ય રીતે ઉપયોગ કરતા નથી. જેને કારણે વીજળીનું બીલ વધવા માંડે છે. આજે અમે તમને એસી ના એક ખાસ મોડ વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ જેને ચાલુ કરવાથી વીજળી બિલમાં નોંધપાત્ર ઘટાડો થાય છે. જો તમે પણ ઘરમાં એસી નો ઉપયોગ કરો છો તો તેના વિશે જાણવું તમારા માટે જરૂરી છે.
એર કંડિશનરમાં હોય છે ઘણા મોડસ
એર કન્ડીશનમાં ડ્રાય મોડ, હીટ મોડ, સ્લીપ મોડ, કૂલ મોડ અને ઓટો મોડ હોય છે. આ તમામ મોડ્સ વિવિધ પરિસ્થિતિઓ અને હવામાન અનુસાર સેટ કરવામાં આવે છે. જો તમે આ મોડ્સનો યોગ્ય રીતે ઉપયોગ કરો છો, તો તમે એસીની લાઈફ તો વધારી શકો છો પરંતુ વીજળીના બિલને પણ વધતા અટકાવી શકો છો. જો તમે પણ એસી બિલથી પરેશાન છો તો તમને જણાવી દઈએ કે તમારે તમારા એસીને ઓટો મોડ પર રાખવું જોઈએ.
આ મોડથી લાઈટ બિલ ઓછું આવશે
તમને જણાવી દઈએ કે તમે તમારા એર કંડિશનરને ઓટો મોડ પર સેટ કરતાની સાથે જ એસીનો ડ્રાય મોડ, કૂલ મોડ અને હીટ મોડ પણ ઓન થઈ જાય છે. એસીનો ઓટો મોડ તાપમાન અનુસાર સ્પીડ અને ઠંડકને આપોઆપ મેનેજ કરે છે. એસી નો ઓટો મોડ એ સેટ કરે છે કે એસી ફેન ક્યારે ચાલશે, કમ્પ્રેસર ક્યારે ચાલુ રહેશે અને ક્યારે બંધ થશે. આ મોડ રૂમના તાપમાનને સતત મોનિટર કરે છે અને તે મુજબ એસી સેટિંગ્સને સમાયોજિત કરે છે.
આ રીતે વીજળી બિલમાં થશે ઘટાડો
જ્યારે રૂમનું તાપમાન ઊંચું હોય છે, ત્યારે એર કન્ડીશનરનો ઓટો મોડ કોમ્પ્રેસર ચાલુ કરે છે અને જ્યારે રૂમ ઠંડુ થાય છે, ત્યારે કોમ્પ્રેસર બંધ થઈ જાય છે. એ જ રીતે, જ્યારે રૂમની હવામાં ભેજ હોય છે, ત્યારે એસીનો ઓટો મોડ ડિહ્યુમિડીફિકેશન મોડને સક્રિય કરે છે. એસીનો ઓટો મોડ એસીને સતત ચાલુ રાખતો નથી જે વીજળી બિલ બચાવવામાં ઘણી મદદ કરે છે. આ મોડ સ્પ્લિટ અને વિન્ડો એસી બંનેમાં જોવા મળે છે.