ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By

ગુજરાતી સ્વાદિષ્ટ વાનગી : ખાંડવી

મિશ્રણ બનાવવા માટે સામગ્રી - 1 કપ ચણાનો લોટ, 1 કપ દહીં. 2 કપ પાણી, 1 ચપટી હીંગ, 1 ચમચી આદુની પેસ્ટ, 1/6 ચમચી હળદર પાવડર, સ્વાદ અનુસાર મીઠું.

વઘાર માટે સામગ્રી - 1 ચમચો તેલ, 1 નાની ચમમી રાઇ, 3થી 4 લીલા મરચાં,

ગાર્નિશિંગ માટે - 1 ચમચો સમારેલી લીલી કોથમીર, 1 ચમચો છીણેલું નારિયેળ.

બનાવવાની રીત - ચણાના લોટને એક વાસણમાં સારી રીતે ચાળી લો અને તેમાં દહીં, પાણી, હીંગ અને આદુની પેસ્ટ તેમજ હળદર અને મીઠું નાંખી બરાબર હલાવી મિશ્રણ તૈયાર કરો. ધ્યાન રાખો કે મિશ્રણમાં ગઠ્ઠાં ન રહેવા જોઇએ. એક વાસણમાં તૈયાર મિશ્રણ કાઢો અને તેને ગરમ થવા માટે ગેસ પર મૂકો. ચમચાથી હલાવી લગભગ 8-9 મિનિટ સુધી મિશ્રણને રાંધો. પહેલા ગેસની વધુ આંચે ગરમ કરો અને જેવું મિશ્રણ ઘટ્ટ થવા લાગે અને મિશ્રણમાં ઉભરો આવે એટલે ગેસની આંચ ધીમી કરી દો. તમને લાગે કે મિશ્રણ બરાબર ચઢીને ઘટ્ટ થઇ ગયું છે એટલે તેને ગેસની આંચ પરથી ઉતારી લો.

હવે આ મિશ્રણને થાળી કે ટ્રેને ચીકણી કર્યા વગર ચમચા કે વાટકીની મદદથી બરાબર પાતળું ફેલાવી દો. વધુમાં વધુ 10-15 મિનિટમાં આ મિશ્રણ જામી જશે એટલે તેને ચાકુની મદદથી 2 ઇંચ પહોળી અને અંદાજે 6 ઇંચ લાંબી પટ્ટીમાં કાપી લો. આ પટ્ટીને એક પછી એક રોલ કરતા જાઓ અને અલગ પ્લેટમાં કાઢી લો.

નાનકડી કઢાઈમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થતાં જ તેમાં રાઈ નાંખો. રાઇ તતડે એટલે ઉપરથી લીલા મરચાં નાંખી ગેસ બંધ કરી દો અને આ તેલના મિશ્રણને થોડું થોડું કરી ખાંડવીની ઉપર રેડો. ઉપરથી સમારેલી કોથમીર અને નારિયેળની છીણથી ગાર્નિશ કરો. આ ખાંડવી તમે કોથમીરથી ચટણી સાથે અને એકલી પણ ખાઇ શકો છો.