Gujarati Poem Kanya Viday - વિદાય ક્યા લે છે દિકરી ?
માઁ તે આજે
બીજાના હાથોમાં
સોંપી દીધી છે મને
અને હવે આપી રહી છે વિદાય
માં તારા હોઠો પર
મંદ-મંદ સ્મિત છે
અને પલળી રહી છે આંખો
પરંતુ માઁ
હુ વિદાય લઈને પણ
થોડી થોડી રહી જઈશ અહીં
જ્યારે સવારે સૂરજ
વિખરાવી દેશે
તડકાના પોખરાજ(મોતી) છત પર
ત્યારે તને મારો ફોટો
હસતો દેખાશે તેમાં
અને જ્યારે ઉતરશે
પહેલી ચકલી આંગણામાં
તેના રૂપમાં
પામીશ મારો કલરવ
હા, માં, જ્યારે તુ
સ્નાન કરીને
ચઢાવીશ જળ તુલસીને
ત્યારે પાસેની ક્યારીમાં
વેલની સાથે
મહેકતી પામીશ મને
અને જ્યારે તુ
તારા ચદ્ર જેવા ઉજ્જવળ કપાળ પર
કુમકુમ લગાવવા માટે
દર્પણ જોઈશ
ત્યારે મારો જ ચહેરો
ખિલખિલાતો જોવા મળશે તને
બસ આમ જ વીતી જશે દિવસો
મારી યાદોની સાથે
ટીમટીમ કરતા
પછી રાત્રે
કામ પરથી પાછા ફરીને
જ્યારે જમવાના મેજ પર
બેસશે પપ્પા
અને તને બોલાવવા
અવાજ લગાવશે મારા નામથી
ત્યારે તુ ત્યાજ પાસે
ઉભેલી પામીશ મને
સાચે જ માઁ, વિદાય લઈને પણ
વિદાય ક્યા થાય છે દિકરી
માં ના આંગણેથી ?
રહી જાય છે ત્યાં જ
એ યાદોની સાથે
જે કદી વાસી થતી નથી..
ભાવાનુવાદ - કલ્યાણી દેશમુખ