પાકિતાન નેશનલ ઍસેમ્બલીમાં શનિવારે વડા પ્રધાનની સામે અવિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગ થશે. એ પહેલાં ઇમરાન ખાને રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું.
ઇમરાન ખાને કહ્યું કે હાલમાં જે પાકિસ્તાનમાં થઈ રહ્યું છે, તેનાથી બહુ નિરાશ થયો છું.
ઇમરાન ખાને કહ્યું કે 26 વર્ષ પહેલાં મેં તહરીક-એ-ઇન્સાફ શરૂ કરી હતી. ત્યારથી મારા સિદ્ધાંતો બદલાયા નથી. તેમણે કહ્યું કે પાકિસ્તાનના લોકોએ નક્કી કરવાનું છે કે તેમને કેવું પાકિસ્તાન જોઈએ છે.
શનિવારે ઇમરાન ખાન સામે અવિશ્વાસ પ્રસ્તાવ પર પાકિસ્તાનની સંસદમાં વોટિંગ થશે.
તેમણે આરોપ લગાવ્યો કે દેશમાં ખુલ્લેઆમ સાંસદોને ખરીદાઈ રહ્યા છે. પાકિસ્તાનનું લોકતંત્ર મજાક બની ગયું છે. અનામત સીટવાળા પણ વેચાઈ રહ્યા છે.
તેમણે કહ્યું કે યુવાઓના ભવિષ્ય અંગે વિચારવું પડશે. આ સમયે હું બહુ નિરાશ થયો છું. ઇમરાન ખાને તેમના સંબોધનમાં ભારતનો પણ ઉલ્લેખ કર્યો હતો.
તેમણે કહ્યું કે હું ભારતને અને તેના લોકોને સારી રીતે જાણું છું. ત્યાં મારા સારા સંબંધો છે. પણ મને અફસોસ છે કે આરએસએસની વિચારધારા અને કાશ્મીરની સ્થિતિને કારણે અમારા સંબંધો ખરાબ થયા છે.
તેમણે કહ્યું કે કોઈની તાકાત નથી કે ભારત અંગે આવી વાત કરી શકે છે. કોઈ વિદેશી તાકતોની હિંમત નથી કે તે ભારતની વિદેશનીતિ દખલ દે. ભારત એક ખુદ્દાર દેશ છે. ભારતની વિદેશનીતિ સ્વતંત્ર છે અને દરેક દબાણને બાજુમાં રાખીને એ રશિયા પાસેથી ઈંધણ ખરીદી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે નેશનલ ઍસેમ્બલીને ભંગ કરવાના ડેપ્યુટી સ્પીકરના નિર્ણયને ફગાવી દીધો છે.
હવે શનિવારે ઇમરાન ખાન સામે અવિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગ યોજાશે. જોકે ઇમરાન ખાન પોતાના શબ્દો પર અડગ હતા અને તેમણે ફરી કહ્યું કે તેઓ છેલ્લા બૉલ સુધી રમશે અને રાજીનામું નહીં આપે.
ઇમરાન ખાને સંબોધનમાં શું-શું કહ્યું?
26 વર્ષ પહેલાં મેં તહરીક-એ-ઇન્સાફ શરૂ કરી હતી. ત્યારથી મારા સિદ્ધાંતો બદલાયા નથી.
સુપ્રીમ કોર્ટના નિર્ણયથી નિરાશ થયો છું, પણ પાકિસ્તાનની કોર્ટ અને સુપ્રીમ કોર્ટનો આદર કરું છું.
આપણે 22 કરોડ છીએ. આ આપણું અપમાન છે કે એ અધિકારી આપણા દેશને આદેશ કરે છે. તે કહે છે કે જો તમારો વડા પ્રધાન બચી જશે તો તમારે પરિણામ ભોગવવું પડશે અને જો એ હારી જશે તો તમને માફ કરી દેવાશે.
થોડા મહિના પહેલાં અમેરિકન અધિકારીઓએ આપણા નેતાઓને જણાવ્યું હતું કે ઇમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ આવી રહ્યો છે.
દેશમાં ખુલ્લેઆમ સાંસદોને ખરીદાઈ રહ્યા છે. પાકિસ્તાનનું લોકતંત્ર મજાક બની ગયું છે. અનામત સીટવાળા પણ વેચાઈ રહ્યા છે.
યુવાઓના ભવિષ્ય અંગે વિચારવું પડશે. આ સમયે હું બહુ નિરાશ થયો છું. પાકિસ્તાનને તમારે (લોકોએ) બચાવવાનું છે.
આપણે એ નિર્ણય કરવાનો છે કે આપણે કેવું પાકિસ્તાન જોઈએ છે. શું આપણે ગુલામ રહેવા માગીએ છીએ એ પાકિસ્તાનના લોકોએ વિચારવાની જરૂર છે.
પાકિસ્તાનમાં પૂર્વ વડા પ્રધાનો સામે અવિશ્વાસ પ્રસ્તાવનું શું પરિણામ હતું?
1989માં બેનઝીર ભુટ્ટો સામે અવિશ્વાસ પ્રસ્તાવ નિષ્ફળ રહ્યો હતો.
પાકિસ્તાનના ઇતિહાસમાં છેલ્લા 37 વર્ષમાં એવા વડા પ્રધાન ઓછાં જ થયાં જેમને સંસદમાં વિશ્વાસ મત પ્રાપ્ત ન થયો હોય.
જ્યારે જનરલ ઝિયા-ઉલ-હકે કોઈ પાર્ટીના આધાર વિના ચૂંટણી યોજી અને એક લોકતાંત્રિક સરકાર ચૂંટાઈ તો મોહમ્મદ ખાન જુનેજોએ 1985માં પોતાનો બહુમત સિદ્ધ કરવા માટે વિશ્વાસ મત હાંસલ કર્યો હતો.
મોહમ્મ્દ ખાન જુનેજો પછી આવનાર સરકારમાં બેનઝીર ભુટ્ટો, મિયાં મોહમ્મદ નવાઝ શરીફ, મીર ઝફરુલ્લા જમાલી, ચૌધરી શુજાત હુસૈન, શૌકત અઝીઝ અને યૂસુફ રઝા ગિલાનીને પણ વિશ્વાસ મતની જરૂર પડી હતી.
વર્તમાન વડા પ્રધાન ઇમરાન ખાન પહેલાં બે વડા પ્રધાનોએ અવિશ્વાસ પ્રસ્તાનો સામનો કર્યો અને વિપક્ષને હરાવ્યો.
વર્ષ 1989માં બેનઝીર ભુટ્ટોની વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ નિષ્ફળ નીવળ્યો અને વર્ષ 2006માં તત્કાલીન વડા પ્રધાન શૌકત અઝીઝ વિરુદ્ધ પણ વિપક્ષનો અવિશ્વાસ પ્રસ્તાવ સફળ નહોતા થયા.
ઍસેમ્બલીમાં મતદાન કેવી રીતે થશે?
નેશનલ ઍસેમ્બલીમાં શનિવારના વડા પ્રધાનની સામે અવિશ્વાસ પ્રસ્તાવ પર ઓપન વોટ મારફતે વોટિંગ થશે.
પ્રક્રિયા અનુસાર મતદાન પહેલાં સદનમાં ઘંટડી વગાડવામાં આવશે જેથી ઍસેમ્બલીમાં હાજર બધા સભ્યો નિયત સમય પર સદનમાં આવી શકે જ્યાર બાદ બારણા બંધ કરી દેવાશે.
સદનમાં આઈઝ (સમર્થન) અને નોઝ (વિરોધ)ની બે લૉબી બનાવાશે. જે સભ્ય અવિશ્વાસ પ્રસ્તાવના સમર્થનમાં હશે તેઓ આઈઝ લૉબીના બારણા તરફ જશે જ્યારે ઍસેમ્બલીનો સ્ટાફ તેમના નામ પર ટિકનું નિશાન લગાવતા જશે અને તેમના હસ્તાક્ષર લેવામાં આવશે. બીજી તરફ નોઝવાળી લૉબીમાં વિરોધના વોટ લેવામાં આવશે.
વોટિંગ પૂરી થયા બાદ, બધા સભ્યો ઍસેમ્બલીમાં પાછા દાખલ થશે અને વોટોની ગણતરી પછી સ્પીકર દ્વારા પરિણામની જાહેરાત કરાશે.
જો વડા પ્રધાન ઇમરાન ખાનની વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ સફળ થાય તો સ્પીકર લેખિત રૂપમાં પાકિસ્તાનના રાષ્ટ્રપતિને સૂચિત કરશે અને સચિવ તરફથી નોટિફિકેશન જાહેર કરવામાં આવશે.
અગાઉ સુપ્રીમ કોર્ટે ફગાવ્યો નેશનલ ઍસેમ્બલી ભંગ કરવાનો નિર્ણય
અગાઉ સાત એપ્રિલે પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે એક અત્યંત મહત્ત્વપૂર્ણ નિર્ણય આપતાં નેશનલ ઍસેમ્બ્લીના ડેપ્યુટી સ્પીકર કાસિમ સૂરીના નિર્ણયને ગેરબંધારણીય ઠેરવી દીધો હતો.
સુપ્રીમ કોર્ટે નેશનલ ઍસેમ્બ્લીને પણ બહાલ કરી હતી. સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય ઇમરાન ખાન સરકાર માટે એક મોટો ફટકો માનવામાં આવે છે.
સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં એવું પણ કહ્યું કે, "વડા પ્રધાન, રાષ્ટ્રપતિને નેશનલ ઍસેમ્બ્લી ભંગ કરવાની સલાહ પણ ન આપી શકે."
સુપ્રીમ કોર્ટે સ્પીકરને ઍસેમ્બ્લીનું સત્ર બોલાવવાનો પણ આદેશ કર્યો છે.
આ પહેલાં ચીફ જસ્ટિસ ઉમર અતા બાંદિયાલે માન્યું કે "ડેપ્યુટી સ્પીકરના નિર્ણયમાં ખામી હતી. તેમણે આગળ કહ્યું કે, "એક વાત તો સ્પષ્ટ છે કે આદેશ યોગ્ય નથી. આગળનું પગલું શું હશે?" તેમણે કહ્યું કે આપણે રાષ્ટ્રહિતનું ધ્યાન રાખવાનું છે."
નિર્ણયને જોતાં સુપ્રીમ કોર્ટ બહાર સુરક્ષાકર્મી તહેનાત કરાયા છે. રાજકીય કાર્યકર્તાઓને અદાલતના પરિસરમાં જવાની પરવાનગી નથી.
અહેવાલો અનુસાર અવિશ્વાસ પ્રસ્તાવ પર શનિવારે વોટિંગ થશે.
પૂર્વ વડાં પ્રધાન બેનઝીર ભુટ્ટોના પુત્ર બિલાવલ ભુટ્ટોએ અદાલતના નિર્ણય પછી ટ્વીટ કરીને કહ્યું કે લોકશાહી સૌથી સારો પ્રતિશોધ છે. તેમણે લખ્યું, "લોકશાહી સૌથી સારો બદલો છે, ઝિયા ભુટ્ટો, જનતા, પાકિસ્તાન જિંદાબાદ."
ત્રણ એપ્રિલ અવિશ્વાસ પ્રસ્તાવ ખારિજ કરાયો હતો
ત્રણ એપ્રિલના રોજ વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા અને વોટિંગ પહેલાં જ ડેપ્યુટી સ્પીકરે પ્રસ્તાવને ફગાવી દીધો હતો.
આ બાદ વડા પ્રધાન ઇમરાન ખાને રાષ્ટ્રપતિ આરિફ અલ્વી સાથે મુલાકાત કરીને નેશનલ ઍસેમ્બ્લી બંગ કરવાની સલાહ પણ આપી હતી.
રાષ્ટ્રપતિએ આ સલાહ પર અમલ કરતાં નેશલ ઍસેમ્બ્લી ભંગ કરી દીધી હતી. પાકિસ્તાનના સંવિધાન પ્રમાણે નેશનલ ઍસેમ્બ્લી ભંગ કરાયાના 90 દિવસની અંદર ચૂંટણી કરાવવાની હોય છે.
આ દરમિયાન પાકિસ્તાને સુપ્રીમ કોર્ટના ડેપ્યુટી સ્પીકરના નિર્ણય અંગે સ્વસંજ્ઞાન લઈને તે અંગે કાર્યવાહી શરૂ કરી હતી. પરંતુ પાછલા ઘણા દિવસોથી સુનાવણી ટળી રહી હતી.
પાકિસ્તાનની વિપક્ષી પાર્ટીઓ ડેપ્યુટી સ્પીકરના આ નિર્ણયને ગેરબંધારણીય ગણાવી રહી છે. જ્યારે ઇમરાન ખાન અને તેમના પક્ષના નેતાનું કહેવું છે કે વિપક્ષ તેમની સરકાર પાડવા માટેના વિદેશી ષડ્યંત્રનો ભાગ બની રહ્યો છે.