રવિવાર, 10 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 5 જૂન 2022 (15:07 IST)

બાંગ્લાદેશના કન્ટેનર ડેપોમાં આગ લાગતાં 33નાં મૃત્યુ, ચાર કિલોમીટર સુધી ધડાકો સંભળાયો

બાંગ્લાદેશના સીતાકુંડ શહેર નજીકના એક કન્ટેનર ડેપોમાં એક પ્રચંડ વિસ્ફોટ થયો, જેમાં ઓછામાં ઓછા 30 લોકોનાં મોત થયાં છે અને સેંકડો ઘાયલ થયા છે. જોકે આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
 
સ્થાનિક મીડિયાના સમાચાર મુજબ ડેપોમાં રાખવામાં આવેલા કેટલાક કન્ટેનરમાં કેમિકલયુક્ત પદાર્થ રાખવામાં આવ્યો હતો. જેના કારણે આગ લાગી હોવાનું કહેવાય છે.
 
સ્થાનિક અખબાર પ્રોથોમાલો અનુસાર, વિસ્ફોટ એટલો જોરદાર હતો કે આસપાસની કેટલીક ઇમારતોની બારીઓના કાચ પણ તૂટી ગયા હતા.
 
લોકોએ જણાવ્યું કે વિસ્ફોટના સ્થળથી લગભગ ચાર કિલોમીટર દૂર સુધી અવાજ સંભળાયો હતો.
 
એક સ્થાનિક દુકાનદારે પત્રકારોને જણાવ્યું હતું કે કાટમાળનો ટુકડો અડધો કિલોમીટર દૂર ઊડીને તળાવમાં પડ્યો હતો. તેણે વિસ્ફોટ પછી "વરસાદની જેમ અગનગોળા પડતા જોયા"નું વર્ણન કર્યું હતું.
 
વિસ્ફોટના કેટલાક કલાકો પછી પણ રવિવારે સવારે આગ યથાવત્ હતી. કેમિકલને દરિયામાં વહેતું અટકાવવા સેના તહેનાત કરવામાં આવી છે.
 
સીતાકુંડ બાંગ્લાદેશના બીજા સૌથી મોટા શહેર ચિત્તાગોંગથી માત્ર 40 કિલોમીટર દૂર છે.
 
અકસ્માત બાદ શહેરની હૉસ્પિટલો ઘાયલોથી ભરાઈ ગઈ છે અને રક્તદાન માટે અપીલ કરવામાં આવી છે. લશ્કરી દવાખાનાં ઘાયલોની સારવારમાં મદદ કરી રહ્યા છે.