શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 22 જૂન 2022 (18:27 IST)

અફઘાનિસ્તાનમાં વિનાશક ભૂકંપથી તારાજી, ઓછામાં ઓછા 1000 લોકોના મોત

afganistan
તાલિબાની અધિકારીઓ અનુસાર અફઘાનિસ્તાનમાં આવેલા શક્તિશાળી ભૂકંપમાં ઓછામાં ઓછા 1000 લોકોનાં મૃત્યુ થયાં છે અને 1000થી વધુ લોકો ઘાયલ થયા છે. સોશિયલ મીડિયામાં આવી રહેલી તસવીરોથી ભૂકંપની ભયાનકતાનો અંદાજો લગાવી શકાય છે. ભૂકંપથી સૌથી વધુ નુકસાન પક્તિકા પ્રાંતમાં થયું છે. પક્તિકા પ્રાંતમાં મોટી સંખ્યામાં મકાનો કાટમાળમાં ફેરવાઈ ગયાં છે. તાલિબાનના નેતા હિબ્તુલ્લાહ અખુંદઝાદાએ જણાવ્યું છે કે અસંખ્ય ઘર બરબાદ થઈ ગયાં છે અને મૃતકોની સંખ્યા વધવાની આશંકા છે.
 
તાલિબાનના ડિઝાસ્ટર મૅનેજમૅન્ટના ઉપમંત્રી શરફુદ્દીન મુસ્લિમે પત્રકારપરિષદમાં જણાવ્યું છે કે ઓછામાં ઓછા 1000 લોકો માર્યા ગયા છે અને 1000થી વધુ ઘાયલ થયા છે. ભૂકંપનું કેન્દ્ર દક્ષિણ-પૂર્વમાં આવેલા ખોસ્ત શહેરથી 44 કિલોમીટર દૂર છે. રૉયટર્સ યુરોપિયન મેડિટેરિયન સિસ્મૉલૉજી સેન્ટર અનુસાર ભૂકંપના આંચકાનો અહેસાસ 500 કિલોમીટર દૂર સુધી અફઘાનિસ્તાનનાં વિવિધ શહેરો, પાકિસ્તાન અને ભારતમાં થયો છે.
 
કેન્દ્રનું કહેવું છે કે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ અને પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. સરકારના પ્રવક્તા બિલા કરીમીએ ટ્વીટ કર્યું છે કે, 'દુર્ભાગ્યવશ, ગઈકાલે રાત્રે પક્તિકા પ્રાંતના ચાર જિલ્લાઓમાં તીવ્ર ભૂકંપ આવ્યો હતો, જેમાં આપણા સેંકડો દેશવાસીઓ મૃત્યુ પામ્યાં અને ઘાયલ થયા હતા. અનેક લોકોનાં ઘર નાશ પામ્યાં હતાં.'
 
'મદદ કરતી અમારી તમામ એજન્સીઓને વિનંતી છે કે વધુ તબાહીને રોકવા માટે તાત્કાલિક ધોરણે ટીમો મોકલામાં આવે.'
 
પૂર્વમાં સૌથી વધુ અસર
 
અફઘાનિસ્તાનના પક્તિકા પ્રાંત ઉપરાંત ભૂકંપની અસર ખોસ્ત, ગઝની, લોગાર, કાબુલ, જલાલાબાદ અને લઘમનમાં પણ અનુભવાઈ છે. 
તાલિબાની અધિકારીઓએ રાહત એજન્સીઓને ભૂકંપથી પ્રભાવિત દેશના પૂર્વ વિસ્તારમાં પહોંચવા માટે વિનંતી કરી છે. એક સ્થાનિક ડૉક્ટરે બીબીસીને જણાવ્યું છે કે હતાહતનો આંક સૌથી વધુ પક્તિકા પ્રાંતના ગયાન અને બરમાલ જિલ્લામાં નોંધાયો છે. 
 
સ્થાનિક વેબસાઇટ ઇતિલાતે રોઝ અનુસાર ગયાન જિલ્લાનું એક આખું ગામ બરબાદ થઈ ગયું છે. અહીં એ વાત પણ મહત્ત્વપૂર્ણ છે કે દાયકાઓથી યુદ્ધનો ભોગ બનેલા અફઘાનિસ્તાનમાં ભૂકંપ અને કુદરતી હોનારતોને પહોંચી વળવા માટેનું કોઈ ખાસ તંત્ર નથી.