બુધવાર, 13 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : ગુરુવાર, 22 ડિસેમ્બર 2022 (11:07 IST)

રાષ્ટ્રીય ગણિત દિવસ: બ્લેક હોલની થિયરીને સમજવા માટે શ્રી રામાનુજની ડેથબેડ થિયરીનો ઉપયોગ કરે છે વિજ્ઞાન જગત

ગણિત વિષયથી ઘણા વિધાર્થીઓ દૂર ભાગતા હોય છે પરંતુ ગણિત જ જેમનું જીવન હતું તેવા રામાનુજન જે ગાણિતિક પ્રતિભા ધરાવતા ગણિતશાસ્ત્રીનો જન્મ ૨૨ ડિસેમ્બર ૧૮૮૭ના રોજ દક્ષિણ ભારતના કોઈમ્બતૂરના ઈરોડ ગામના બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. ગણિત વિષય પ્રત્યે તેમની શોધ અને ઉપલબ્ધિઓને સમ્માન આપવા માટે વર્ષ ૨૦૧૨થી “રાષ્ટ્રીય ગણિત દિવસ”ની ઉજવણી કરવામાં આવે છે. 
 
જ્યારે પ્રશ્ન તર્કની કસોટીએ ચડે છે ત્યારે ગણિત પ્રશ્નનોનો ઉત્તર આપવા આગળ આવે છે. માનવજીવનની શરૂઆતમાં કૃષિ, વ્યાપાર, માપણી તથા અન્ય રોજબરોજની પ્રવૃત્તિઓમાં ગણિતનો ઊપયોગ થતો હતો. જે ધીરે ધીરે વૈજ્ઞાનીક પધ્ધતિ રૂપે વિકસિત થયું છે. ભારતીય સંસ્કૃતિ વિશ્વભરમાં આગવું સ્થાન ધરાવે છે. જેનું કારણ મહાન એવા બુદ્ધિશાળી ભારતીય રત્નોએ વિશ્વને પ્રગતિ અને શોધના માર્ગમાં પાયાના સિધ્ધાંતો આપ્યા છે. 
 
વૈદિક યુગથી અર્વાચીન યુગ સુધી ભારતીય સૈન્ય હંમેશા વિશ્વમાં આગવું સ્થાન ધરાવે છે, તેમ ભારતનું બુદ્ધિધન પણ શ્રેષ્ઠ ગણવામાં આવે છે. જે વૈદિક યુગની પણ પહેલા હડપ્પા સંસ્કૃતિમાં ઉપયોગમાં લેવાતું હતું. હડપ્પીયન સંસ્કૃતિમાં ત્રાજવાંનાં અંકોના માપ, હાથીદાંતથી બનાવેલ માપટ્ટી, રાજમાર્ગો તથા મકાનોની રચના કાટખૂણાયુક્ત, ચેસની રમત વગેરે બૌધિકશક્તિનું ઉદાહરણ છે. આમ,સમયાંતરે બુદ્ધિ શક્તિમાં આર્યભટ્ટે શૂન્યની શોધ કરી ગણિતક્ષેત્રે ક્રાંતિ કરી, દશાંશ પદ્ધતિનો પ્રયોગ અને પાઇના મૂલ્યના શોધક, ભાસ્કરાચાર્ય બીજ ગણિતના નિષ્ણાંત, બ્રહ્મગુપ્તે ગણિતમાં શૂન્યનું મહત્વ આંકનારા ગણિતશાસ્ત્રી, મહાવીરાચાર્યએ વ્યવહારૂ રીતે ગણિતનું મહત્વ સમજાવ્યું હતું.
 
આમ, ભારતીય સંસ્કૃતિ બળ અને બુદ્ધિનું સમન્વય ધરાવતી સંસ્કૃતિ છે. શુન્યની શોધ આર્યભટ્ટે કરી અને ગણિતના અનંતને શ્રી નિવાસન રામાનુજન જાણ્યું હતું. પ્રાચીન ગણિતજ્ઞોની હરોળમાં બેસે તેવા અવાર્ચિન ગણિતજ્ઞ શ્રીનિવાસ રામાનૂજન જેમણે મેથ્સમાં એનાલિટિકલ થિઓરી ઓફ નંબર, એલિપ્ટિકલ ફંકશન અને ઇનફાઇનાઇટ સીરિઝ પર ખૂબ કામ કર્યુ હતું. શ્રી નિવાસ રામાનૂજનના નાનપણનું જીવન ખુબ જ સાદગીભર્યું અને ધાર્મિકતામાં વીત્યું હતું. પ્રારંભિક શિક્ષણ કુંભકોણમની પ્રાથમિક શાળામાં થયું હતું. ઈ.સ. ૧૮૯૮માં તેમણે શહેરની હાઈસ્કુલમાં એડમિશન મેળવ્યું અને અહીં તેમને ગણિત વિષયનું એક પુસ્તક વાંચવા મળ્યું. જેનાથી તેઓ એટલા પ્રભાવિત થયા કે ગણિત તેમનો મનપસંદ વિષય બની ગયો. ત્યારબાદ મદ્રાસ યૂનિવર્સિટીમાં અભ્યાસ કર્યો. ઈસવીસન ૧૯૧૧માં ઈન્ડિયન મેથેમેટિકલ સોસાયટીની જર્નલમાં બર્નૂલી નંબરો પર રિસર્ચ વર્ક પ્રકાશિત થયું હતું. 
 
રામાનુજન મદ્રાસ પોર્ટ ટ્રસ્ટમાં ક્લાર્કની નોકરી દરમ્યાન ગણિત વિષય પર કૌશલ્ય હાંસિલ કર્યું હતું. આ નોકરીમાં સાથીકર્મીએ રામાનુજને ટ્રિનિટી કોલેજ, કેમ્બ્રિજ યુનિવર્સિટીના પ્રોફેસર જી.એચ.હાર્ડી પાસે ગણિત ભણવા મોકલ્યા હતા. પ્રો.હાર્ડીએ રામાનુજને મદ્રાસ યૂનિવર્સિટીમાં અને બાદમાં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં સ્કોલરશીપ અપાવવામાં મદદ કરી હતી. આમ, શિક્ષણ દરમ્યાન રામાનુજે ઇનામો અને શિષ્યવૃતિ મેળવી હતી. ૧૯૧૬માં રામાનુજનને બેચલર ઓફ આર્ટસ ડીગ્રી દરમ્યાન અત્યંત સંયુક્ત સંખ્યાઓ પરના પ્રથમ ભાગ લંડન મેથેમેટિકલ સોસાયટીમાં પ્રકાશિત થયો હતો. ત્યારબાદ તેઓ વિશ્વમાં પ્રખ્યાત બની ગયા. 
 
તેમણે રામાનુજન પ્રાઈમ, રામાનુજન થીટા ફંક્શન, વિભાજન સૂત્ર, મોક થીટા ફંક્શન જેને સ્ટ્રિંગ થિયરીમાં એપ્લિકેશન મળી છે અને તેઓએ ડાઈવરજેન્ટ સિરીઝ પર પોતાનો સિદ્ધાંત પણ આપ્યો. એ સિવાય તેઓએ હાયપરજીઓમેટ્રિક શ્રેણી, રીમેન શ્રેણી, લંબગોળ અવિભાજ્ય, વિવિધ શ્રેણીનો સિદ્ધાંત ૩૯૦૦ જેટલાં ગણિતનાં પરિણામો શોધ્યાં અને ઝેટા કાર્યના કાર્યાત્મક સમીકરણો પર કામ કર્યું હતું. રામાનુજની કારકિર્દીમાં સૌથી વધુ સહયોગી પ્રો.ગોડફ્રી હાર્ડી બન્યા હતા. રામાનુજનની ગણિત વિષય પ્રત્યેની રૂચીમાં પ્રો.હાર્ડીએ સહયોગ કરીને વિશ્વમાં ઓળખ આપી હતી. 
 
નાનપણથી ધાર્મિક રામાનુજને કહ્યું હતું, “ગણિતનું જે સમીકરણ ઈશ્વરના વિચારને ન દર્શાવતુ હોય, તે સમીકરણ મારા માટે નિરર્થક છે.” તેમના દ્વારા રજુ થયેલી રહસ્યમય ડેથબેડ થિયરી તેમનાં મૃત્યુનાં આશરે સો વર્ષ બાદ પણ સાચી પડી જેનો ઉપયોગ બ્લેક હોલની થિયરી સમજવા માટે કરવામાં આવ્યો હતો. આ સાથે ૪૫ વર્ષથી નાની વયના વ્યક્તિઓ જે વિવિધ દેશોમાં ઉત્કૃષ્ટ સંશોધન કર્યું હોય તેમને રામાનુજન પ્રાઈઝથી સન્માનિત કરવામાં આવે છે. જેમાં ભારત સ્થિત કોલકાતાના સ્ટેટિસ્ટિક્સ એન્ડ મેથેમેટિક્સ યુનિટમાં પ્રોફેસર નીના ગુપ્તાને "રામાનુજન પ્રાઈઝ" આપવામાં આવે છે