ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે તુવેર,ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરવા આજથી રાજ્યભરમાં ઓનલાઇન નોંધણી પ્રક્રિયાનો પ્રારંભ કરાશે
ગુજરાતના ખેડૂતોને તેમના ઉત્પાદનોના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે તુવેર,ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરવા આજથી તા.૧ ફેબ્રુઆરીથી રાજ્યભરમાં ઓનલાઇન નોંધણી પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવશે તેમ, ખેતી નિયામકની કચેરીની યાદીમાં જણાવાયું છે.
વધુમાં રાજ્યના તમામ જિલ્લાઓમાં તુવેર, ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરવા તા.૦૧ થી ૨૮ ફેબ્રુઆરી-૨૦૨૩ સુધી ગ્રામ્યકક્ષાએ VCE દ્વારા તથા તાલુકા કક્ષાએ APMC ખાતે ઓનલાઇન નોંધણી શરૂ કરવામાં આવનાર છે જેનો મહત્તમ લાભ લેવા રાજ્યના ખેડૂતોને ખેતી નિયામકની કચેરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના ખેડૂતોને આર્થિક રક્ષણ મળી રહે અને તેમના ઉત્પાદનોના પોષણક્ષમ ભાવ મળી રહે તેવા ઉમદા હેતુથી ચાલુ વર્ષ ૨૦૨૨-૨૩માં તુવેર, ચણા અને રાયડાની ટેકાના ભાવથી ખરીદી કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. હાલમાં તુવેર પાકનો ટેકાનો ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂ.૬૬૦૦ ચણાના પાકનો ટેકાના ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂ.૫૩૩૫ તેમજ રાયડાના પાકનો ટેકાના ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂ.૫૪૫૦ નક્કી કરાયો છે.