સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: સોમવાર, 21 જાન્યુઆરી 2019 (14:41 IST)

ટેક્સટાઈલ માર્કેટમાંથી દરરોજ 8-10 લાખ પર્સલની ચોરી થઈ રહી છે

કાપડ બજારમાં એક બાજુ મંદીનો માહોલ ચાલી રહ્યો છે. ત્યારે સમાચાર આવી રહ્યા છે કે, કાપડબજારની વિવિધ માર્કેટમાંથી થતી ચોરીઓ વેપારીઓ માટે ચિંતાનું કારણ બની છે. કાપડ બજારમાં ચારેક સ્થળો એવા છે કે, જ્યાંથી રોજના 8થી 10 લાખની કિંમતના પાર્સલોની ચોરી થાય છે. કાપડ માર્કેટમાંથી થતી ચોરીઓમાં વ્હાઈટ કોલર ક્રિમિનલ ઉપરાંત ટપોરીઓની ટોળકીઓ સામેલ હોવાની આશંકા છે.

આમ તો કાપડબજારમાંથી ટેક્સટાઇલ ગુડ્સની ચોરી વર્ષોથી થતી આવી છે. બહુ ઓછા કિસ્સામાં ચોરીઓની ફરિયાદ પોલીસ મથકે પહોંચે છે. કેસના ઉકેલ ન આવતા હોવાથી વેપારીઓ પોલિસ ફરીયાદ કરવાનું ટાળે કાપડ બજાર સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું કે,ચોરીની ઘટનાઓની અહીં કોઈ નવાઈ નથી. 150થી વધુ માર્કેટો અને 60,000થી વધુ દુકાન હોવાને કારણે અહીં રોજના લાખોની કિંમતનો માલસામાન આવતો-જતો હોય છે. માર્કેટની અંદરથી રોટલા અને તાકાની ચોરી જેટલી નથી થતી તેનાથી કંઈ કેટલીય ગણી વધારે માર્કેટ બહારના વિસ્તારમાં રસ્તાઓ ઉપરથી ખૂબ જ મોટી સંખ્યામાં ચોરીની ઘટનાઓ બને છે. કાપડ માર્કેટમાંથી પાર્સલો ટ્રાન્સપોર્ટ માટે લઈ જવામાં આવે છે ત્યારે રસ્તામાં મોટી માત્રામાં ચોરીઓ થાય છે અને આનું પ્રમાણ સૌથી વધુ સહારા દરવાજા ગરનાળા, સ્મીમેર મેડિકલ કોલેજથી એપીએમસી માર્કેટ, ઉમરવાડા અને મિલેનિયમ માર્કેટ અને આસપાસના વિસ્તારમાંથી થાય છે. આ વિસ્તારોમાં જુદી-જુદી ટોળકીઓ સક્રિય છે અને ટેમ્પોમાંથી પાર્સલો ઉતારીને ગણતરીની મિનિટોમાં અદ્રશ્ય થઈ જાય છે. આ વિસ્તારમાં કઈ-કઈ ટોળકીઓ સામેલ છે તેની તમામ જાણકારીઓ પોલીસ વિભાગ પાસે છે એમ સૂત્રોએ માહિતી આપતા જણાવ્યું હતું. માર્કેટ વિસ્તારમાંથી સહરા દરવાજાથી બહાર એપીએમસી માર્કેટ સુધીમાં રોજના 8 થી 10 પાર્સલો ટોળકી દ્વારા કાઢી લેવામાં આવે છે. તો આવી જ રીતે ઉમરવાડા વિસ્તારમાં ટ્રાન્સપોર્ટ ઓફિસો નજીકથી અને રઘુકુળ તથા માર્કેટની પાછળના વિસ્તારમાંથી માથાભારે ટોળકી પાર્સલો ઉઠાવી જાય છે. વેપારીઓને ત્યાંથી ટ્રાન્સપોર્ટ ગોડાઉન ઉપર પહોંચાડવા માટે લઇ જવાતા આ પાર્સલોની જવાબદારી ટેમ્પા ચાલકોની હોવાથી તેઓએ ચોરીના કિસ્સામાં આની નુકસાની ભોગવવી પડતી હોય છે. સૂત્રોએ વાતચીત દરમિયાન જણાવ્યું કે કાપડ બજારમાં ઘણી બધી ટોળકીઓ પાર્સલ તાકાઓની ચોરીમાં સંડોવાયેલી છે. આ ટોળકીની પ્રેક્ટિસ ઘણા વર્ષો જૂની છે. પાર્સલ લઈ જતાં ટેમ્પો અને રોડ સાઈડ પર ઉભા રાખીને સાહેબ બોલાવે છે એમ જણાવીને ટેમ્પા ચાલકને મોકલી આપે છે અને આ દરમિયાન ટેમ્પામાંથી પાર્સલો ઉતારી લેવાતા હોય છે. આ ટ્રિકનો ભોગ ઘણા ટેમ્પા ચાલકો બન્યા છે. જ્યારે બીજી એક ટ્રીક ટેમ્પાઓ સાથે રિક્ષા જાણી જોઈને અથડાવી કે પછી રસ્તાઓ પર રિક્ષા ઉભી રાખી ટ્રાફિકજામ કરીને ઊભેલી ગાડીઓમાંથી પાર્સલો ઉતારી લેવામાં આવે છે. કાપડ બજારમાં મોડી સાંજ પછી ટ્રાન્સપોર્ટ નગર વિસ્તારમાં થતાં ટ્રાફિકજામ વાહનોને કારણે નહીં, પણ આવા બદમાશોની હરકતને કારણે હોવાનું પણ માનવામાં આવે છે.