કેરીમાં 30 ટકા સુધીનો ભાવ વધારો, રત્નાગીરી હાફુસનો કિલોનો ભાવ 440 રૂપિયા
અમદાવાદીઓને આ વર્ષે મે માસ પછી સારી ગુણવત્તાવાળી અને હાલના ભાવ કરતા થોડી સસ્તી કેરી ખાવા મળશે. આ વર્ષે સમગ્ર ભારતમાં કેરીનો ફક્ત ૨૫ થી ૩૦ ટકા જ પાક થયો હોવાથી હાલમાં કેરીની આવક ઘટ અને બમણા ભાવને લઇને વેપારીઓ પણ પરેશાન છે.
અમદાવાદમાં કેસર કેરી ૧૦૦ થી ૧૫૦ રૂપિયે કિલો, રત્નાગીરી હાફુસ કેરી ૨૬૦ થી ૪૪૦ રૂપિયે કિલો, કેરળની હાફુસ ૧૯૦ થી ૨૫૦ રૂપિયે કિલોના ભાવે છુટક બજારમાં વેચાઇ રહી છે. ગત વર્ષ કરતા આ વર્ષે કેરીના ભાવમાં ૨૫ થી ૩૦ ટકા સુધીનો ભાવ વધારો જોવા મળી રહ્યો છે. ગરીબ, સામાન્ય વર્ગ માટે આ ભાવે કેરી ખાવી હાલની તારીખમાં પોષાય તેમ ન હોવાથી આ વર્ગ કેરીથી હાલ દુર જ રહ્યો છે. કેરીના ભાવને જોતા લગ્નસિઝનમાં જમણવારમાં કેરીનો રસ રાખવાનું પણ મધ્યમવર્ગ ટાળી રહ્યો છે. અમદાવાદ હોલસેલ ફ્રુટ મરચન્ટ એસોસીએશનના ચેરમેન લક્ષ્મણદાસ એચ રોહરાના જણાવ્યા મુજબ સમગ્ર ભારતમાં આ વર્ષે કેરોનો ફક્ત ૨૫ થી ૩૦ ટકા જ પાક થયો છે. વાવાઝોડું, વરસાદ, ભારે પવન ફુંકાવો, કમોસમી વરસાદની સાથે કરા પડવા સહિતના હવામાનને લગતા કારણોસર કેરીનું ઉત્પાદન મોટાપાયે ઘટયું હોવાનું જાણવા મળી રહ્યું છે. અમદાવાદમાં ગત શનિવારે કેરીની ફક્ત ૧૫ ગાડી આવી હતી. આજે સોમવારે ૨૫ ગાડી આવી છે. જ્યારે ગત વર્ષે આ સમયગાળામાં રોજની ૩૦ થી ૩૫ ગાડીઓ કેરીની આવતી હતી. બીજી બાજુ આ વર્ષે ૨૦ દિવસ સિઝન મોડી પણ છે.હાલમાં કેરળથી ગોલાપુરી, તોતાપુરી, પાયરી, સુંદરી, હાફુસ, બદામ સહિતની કેરીઓની આવક ચાલુ છે. દક્ષિણ ભારતમાં આંધ્રપ્રદેશ, તમીલનાડું, કર્ણાટક રાજ્યમાંથી કેરીઓની આવક શરૂ થઇ ગઇ છે. હાલમાં સૌરાષ્ટ્રમાંથી કેસર કેરીની આવક થોડી ઘણી ચાલુ છે. અમદાવાદમાં સૌરાષ્ટની કેસર કેરીના રોજના ૫૦૦ થી ૬૦૦ બોક્સ આવી રહ્યા છે. આ કેરી હાલમાં પુરેપુરી પાકેલી નથી.મે માસ પછી સૌરાષ્ટના તલાલા, જુનાગઢ, વંથલી, ઉનામાંથી તેમજ કચ્છ-ભુજમાંથી કેસર કેરીની આવકો શરૂ થશે. તા.૧ મે પછી કેરીની આવકો શરૂ થતા ૨૫ થી ૩૦ ટકા ભાવ ઘટવાની શક્યતા છે.જોકે ઉત્પાદન ઓછું હોવાથી આ વર્ષે મે માસમાં પણ અમદાવાદમાં રોજની ૩૦ થી ૩૫ ગાડી માલ આવશે ગત વર્ષે આ ગાળામાં જેમ ૫૦ થી ૬૦ ટ્રક માલ આવતો હતો તે નહીં આવે.