જૂનિયર અને સિનિયર ક્લાર્કની પરીક્ષા મોકૂફ, ચૂંટણી બાદ જાહેર કરાશે નવી તારીખ
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. સરકારના વહિવટીતંત્રના અધિકારીઓ ચૂંટણીના કામમાં પરોવાયેલા હોવાથી અન્ય કામકાજો પર તેની અસર થવાની સંભાવનાઓ છે. જેથી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જૂનિયર-સિનિયર ક્લાર્કની પરીક્ષા વહિવટી કારણો સર હાલ પૂરતી મોકૂફ કરવામાં આવી છે.
પરીક્ષાઓ વહીવટી કારણોસર હાલ પુરતી મોકૂફ રખાઈ
પ્રાપ્ત વિગતો પ્રમાણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગરની જાહેરાત ક્રમાંક: ૨૧૨/૨૦૨૩૨૪, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-3 (ગ્રુપ-A તથા ગ્રુપ-B) ની પ્રથમ તબક્કાની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા તા. ૦૧/૦૪/૨૦૨૪ ના રોજથી શરૂ કરવામાં આવેલ છે. મંડળ દ્વારા આયોજીત સદરહુ પરીક્ષા કાર્યક્રમની તા. ૨૦,૨૧,૨૭,૨૮ એપ્રિલ ૨૦૨૪ અને તા. ૦૪,૦૫ મે ૨૦૨૪ના રોજ રાખવામાં આવેલ તમામ શિફ્ટની પરીક્ષાઓ વહીવટી કારણોસર હાલ પુરતી મોકૂફ રાખવામાં આવે છે. તા. ૦૮/૦૫/૨૦૨૪ અને ૦૯/૦૫/૨૦૨૪ ના રોજનો પરીક્ષા કાર્યક્રમ યથાવત રાખવામાં આવેલ છે. મોકૂફ રાખવામાં આવેલી પરીક્ષાની નવી તારીખો ટૂંક સમયમાં પ્રસિધ્ધ કરવામાં આવશે. જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા આથી જણાવવામાં આવે છે.