બુધવાર, 13 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 29 ડિસેમ્બર 2020 (12:22 IST)

મહત્વનો નિર્ણય: દુનિયાભરમાં મેઇડ ઇન ગુજરાત બ્રાન્ડ છવાઇ જાય તેવા ઉદે્શ્ય સાથે નવી સોલાર પોલિસી-ર૦ર૧ જાહેર

રાજ્યમાં રિન્યુએબલ એનર્જીના વિકાસને પ્રોત્સાહન આપી નવી ઊંચાઈ પર લઈ જવા માટે  રાજય સરકારે હકારાત્મક પ્રયાસો કરી અનેકવિધ નવતર આયામો હાથ ધર્યા છે જેના પરિણામે ગુજરાત રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે દેશભરમાં અગ્રેસર છે. 
 
રાજયમાં સોલાર ઉર્જાનો વ્યાપ વધે અને લોકોને સસ્તી વીજળી ઘર આંગણે મળી રહે એ માટે સોલાર પોલીસી વર્ષ ૨૦૧૫માં કાર્યાન્વિત કરી હતી. આ નીતિને મળેલ અપ્રતિમ પ્રતિસાદને ધ્યાને લઈ રાજ્યમાં સ્વચ્છ, પર્યાવરણલક્ષી અને સાતત્યપૂર્ણ ઊર્જાને સુનિશ્ચિત કરવા માટે ગુજરાત સરકાર નવી "ગુજરાત સોલર પાવર પોલીસી ૨૦૨૧" ને અમલમાં મૂકવા જઈ રહી છે. 
 
 
મુખ્યમંત્રીએ કહ્યું કે, આ નવી સોલાર પોલિસીના પરિણામે રાજ્યમાં સૌર ઊર્જાનો વપરાશ-ઉત્પાદન વધવાથી ઊદ્યોગકારોની પ્રોડકશન કોસ્ટ નીચી જાય અને ‘મેઇડ ઇન ગુજરાત’ બ્રાન્ડ દુનિયામાં છવાઇ જાય તેવી આપણી નેમ છે. મુખ્યમંત્રીએ રાજ્યની આ નવી પોલિસીની જાહેરાત ઊર્જામંત્રી સૌરભ પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં કરી હતી.
 
 
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ નવી પોલિસીનો અભિગમ વધુ સ્પષ્ટ કરતાં જણાવ્યું કે, સૌર ઊર્જા-સોલાર એનર્જીના પરિણામે પરંપરાગત ઊર્જા સ્ત્રોત એવા કોલસા આધારિત વીજ ઉત્પાદન ઘટશે અને એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી – ગ્રીન કલીન એનર્જી ઉત્પાદનને પ્રોત્સાહન મળશે. 
 
 
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ઉમેર્યુ કે, ગુજરાત મોડલ સૌરઊર્જા ઉત્પાદન ક્ષેત્રે પણ મહત્વનું પુરવાર થઈ રહ્યું છે. આ જ અભિગમને રાજય સરકારે આગળ વધારીને ગ્રીન એન્ડ કલીન એનર્જીના નિર્માણ થકી ગુજરાત રાજયને ગ્રીન એનર્જી હબ બનાવવા માટે આ મહત્વનો નિર્ણય કર્યો છે. જેના પરિણામ સ્વરૂપ આ નવી ગુજરાત સોલાર પોલીસી-૨૦૨૧ની જાહેરાત કરવામાં આવી છે જે આવનાર સમયમાં રિન્યુએબલ ઉર્જામાં દેશને નવો રાહ ચીંધશે એવો મને દ્રઢ વિશ્વાસ છે. 
 
 
મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, રાજ્યમાં રિન્યુએબલ એનર્જી ક્ષેત્રના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર અનેકવિધ પ્રયાસો  કરી રહી છે ત્યારે આ નવી પોલીસીમાં પણ રાજ્ય સરકારે ઘણા પ્રોત્સાહનો આપ્યા છે જેના થકી રાજ્યમાં સ્વચ્છ અને પ્રદૂષણરહિત રિન્યુએબલ એનર્જીના વિકાસના તેજસ્વી ભવિષ્યને પ્રોત્સાહન આપવા અને આગળ વધારવામાં પ્રેરક બળ પૂરૂ પાડશે. એટલું જ નહિ, લઘુ-મધ્યમ અને મોટા ઉદ્યોગો સોલાર એનર્જી વપરાશ માટે પ્રોત્સાહિત થવાથી તેમની પ્રોડકશન કોસ્ટ ઘટશે.
 
 
તેમણે આ પોલીસીની વિગતો આપતા કહ્યુ કે, 
 
- રાજ્યના લઘુ-MSME, મધ્યમ ઊદ્યોગોની પ્રોડકશન કોસ્ટ સોલાર એનર્જીના વપરાશને કારણે ઘટશે. એટલું જ નહિ, આવા ઊદ્યોગો સહિત રાજ્યના મોટા ઊદ્યોગો પાણ વર્લ્ડ માર્કેટમાં કોમ્પીટીશનમાં ઊભા રહી શકશે. 
 
 
- આ નવી સોલર પાવર પોલીસી આગામી પાંચ વર્ષ એટલે કે ૩૧-૧૨-૨૦૨૫ સુધી કાર્યરત રહેશે. જેમાં સ્થાપિત સોલર પ્રોજેક્ટ્સ માટેના લાભો 25 વર્ષના પ્રોજેક્ટ સમયગાળા માટે મેળવી શકાશે. આ પોલીસી અંતર્ગત રહેણાંક હેતુના ગ્રાહકો માટે, ઔદ્યોગિક અને વાણિજ્યિક ગ્રાહકો દ્વારા કેપ્ટિવ ઉપયોગ માટેના, થર્ડ પાર્ટી દ્વારા ઔદ્યોગિક અને વાણિજ્યિક ગ્રાહકને વેચાણ માટેના, વીજ વિતરણ કંપનીઓને (ડિસ્કોમ) વીજ વેચાણ કરવા માટેના પ્રોજેક્ટ્સ સ્થાપી શકાશે. 
 
 
મુખ્યમંત્રીએ આ પોલિસીમાં અપાયેલા પ્રોત્સાહનોની વિગતો આપતા ઉમેર્યુ કે, 
 
 
- આ પોલીસી હેઠળ, કોઈપણ વ્યક્તિ / વિકાસકર્તા (developer)  / ગ્રાહક / ઇન્ડસ્ટ્રી જરુરીયાત મુજબ, ક્ષમતાની મર્યાદા વિના, સોલર પ્રોજેક્ટ્સ સ્થાપિત કરી શકે છે જ્યારે હાલના મંજૂર થયેલ લોડ / કરાર માંગની 50%  ની મર્યાદા દૂર કરવામાં આવી છે. 
 
 
- ગ્રાહકો તેમની છત / જગ્યા પર સોલર પ્રોજેક્ટ્સ સ્થાપી શકે છે અથવા તેમની છત / જગ્યાનાં પરિસરને વીજ ઉત્પાદન અને વીજ વપરાશ માટે તૃતીય પક્ષને લીઝ પર પણ આપી શકશે. 
 
 
- આ ઉપરાંત ગ્રાહકોનું કોઈ એક જૂથ સામૂહિક માલિકીના પ્રોજેક્ટ તરીકે સ્વવપરાશ માટે સૉલર પ્રોજેક્ટ્સ સ્થાપી શકે છે અને તેઓની માલિકીના હિસ્સા પ્રમાણે ઉત્પન્ન થતી સૌર ઊર્જાનો વપરાશ કરી શકે છે. 
 
 
- પ્રોજેક્ટ ડેવલોપર દ્વારા વીજ વિતરણ કંપનીને ચૂકવવાની થતી સિક્યોરિટી ડિપોઝિટની રકમને પ્રતિ મેગાવોટ રૂ. 25 લાખથી ઘટાડીને હવે પ્રતિ મેગાવોટ રૂ. રૂ. 5 લાખ કરવામાં આવી છે. 
 
 
તેમણે ઉમેર્યુ કે, સૂર્ય ગુજરાત યોજના, પીએમ-કુસુમ યોજના અને સ્મોલ સ્કેલ ડિસ્ટ્રીબ્યૂટેડ સોલર પ્રોજેક્ટ્સ પોલીસી ૨૦૧૯ જેવી વિવિધ નવી નીતિઓની પહેલ દ્વારા રાજ્ય સરકાર ગ્રાહકો, ખેડૂતો, સહકારી મંડળીઓ, રહેણાંક હેતુના ગ્રાહકો અને નાના વિકાસકર્તાઓને સોલર પ્રોજેક્ટ્સ સ્થાપવા અને રાજ્ય સરકારની સ્વચ્છ અને ગ્રીન ઊર્જાના વિકાસની પહેલમાં મહત્વનો ફાળો આપવા માટે પ્રોત્સાહિત કરી રહી છે. જેને આ પોલીસીના માધ્યમથી  બળ મળશે. 
 
 
- નાના પાયાના સોલાર પ્રોજેક્ટ્સને પ્રોત્સાહિત કરવા માટે, વીજ વિતરણ કંપનીઓ હવે આ નાના પાયાના સોલર પ્રોજેક્ટ્સ (4 મેગાવોટ સુધી) માંથી સ્પર્ધાત્મક  બીડ (competitive bidding) દ્વારા નક્કી થયેલ ટેરિફ ઉપરાંત 20 પૈસા પ્રતિ યુનિટ વધુ ચૂકવી વીજ ખરીદી કરશે. જ્યારે ૪ મેગાવોટથી વધારાની કેપેસીટીનાં પ્રોજેક્ટ્સમાંથી વીજ વિતરણ કંપનીઓ દ્વારા સ્પર્ધાત્મક  બીડ (competitive bidding) હેઠળ સૌર ઉર્જા ખરીદી કરશે. 
 
 
મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, ગ્રાહકો પાસે જે ઊર્જા ઉત્પન્ન થશે તે એમના વપરાશ બાદની વધારાની ઊર્જાની ખરીદી રાજય સરકાર કરશે. રહેણાંક ગ્રાહકો (સૂર્ય ગુજરાત યોજના) અને એમએસએમઇ (મેન્યુફેક્ચરીંગ) દ્વારા કેપ્ટિવ ઉપયોગ કરતાં ગ્રાહકો માટે તેમના વપરાશ બાદ થયેલ વધારાની ઉર્જા ડિસ્કોમ દ્વારા પ્રતિ યુનિટ દીઠ રૂ. ૨.૨૫ પ્રમાણેના દરથી પ્રથમ પાંચ વર્ષ માટે ચૂકવશે. 
 
 
- ત્યારબાદ પ્રોજેક્ટ કાર્યાન્વિત થયાના અગાઉના 6 મહિનામાં GUVNL દ્વારા નોન-પાર્ક આધારિત સોલાર પ્રોજેક્ટ્સ માટેની સ્પર્ધાત્મક બિડિંગ (ટેન્ડર) પ્રક્રિયા દ્વારા શોધાયેલ અને કરાર કરાયેલા સરેરાશ ટેરિફના ૭૫% ના દર પ્રમાણે વધારાની ઊર્જાની ખરીદી કરાશે જે બાકીના સમયગાળા માટે નિશ્ચિત રહેશે.
 
 
- અન્ય તમામ ગ્રાહકો માટે, પ્રોજકટ કાર્યાન્વિત થયાના અગાઉના 6 મહિનામાં GUVNL દ્વારા નોન-પાર્ક આધારિત સોલાર પ્રોજેક્ટ્સ માટેની સ્પર્ધાત્મક બિડિંગ પ્રક્રિયા દ્વારા નક્કી થયેલ અને કરાર કરાયેલા નવીનતમ ટેરિફના ૭૫% ના દરે કરશે જે 25 વર્ષના પ્રોજેક્ટ જીવનકાળ માટે નિશ્ચિત રહેશે.
 
 
- HT તથા LT (ડિમાન્ડ આધારિત) ગ્રાહકો માટે બેન્કિંગ ચાર્જ સોલર વીજ વપરાશ મુજબ 
 
 
- રૂ.૧.૫૦  પ્રતિ યુનિટ રહેશે જ્યારે તે સિવાયના  ગ્રાહકો તેમજ MSME એકમોના કિસ્સામાં  બેન્કિંગ ચાર્જ  પ્રતિ યુનિટ રૂ. ૧.૧૦ રહેશે.  
 
 
- વધુમાં રહેણાંક ગ્રાહકો તથા સરકારી બિલ્ડિંગ માટે બેન્કિંગ ચાર્જ લાગુ પડશે નહીં. 
 
- આ ઉપરાંત, સ્વવપરાશ (કેપ્ટિવ)ના કિસ્સામાં કોઈ ક્રોસ સબસિડી સરચાર્જ તથા એડિશનલ સરચાર્જ લાગુ પડશે નહીં. 
 
- થર્ડ પાર્ટી વેચાણના કિસ્સામાં અન્ય ઓપન એક્સેસ ગ્રાહકોને લાગુ પડતો ક્રોસ સબસિડી સરચાર્જ તથા એડિશનલ સરચાર્જ લાગુ પડશે. 
 
 
તેમણે ઉમેર્યુ કે, ટ્રાન્સમિશન અને વ્હીલિંગ ચાર્જ / લોસ અન્ય ઓપન એક્સેસ ગ્રાહકોને લાગુ પડતા દર મુજબ રહેશે. 
 
 
- સૂર્ય - ગુજરાત યોજના હેઠળ સ્થપાતા સોલાર રૂફટોપ પ્રોજેક્ટને સરકાર દ્વારા સબસીડી ચાલુ રહેશે. 
 
 
- આ નીતિ અંતર્ગત સોલાર પ્રોજેકટ સ્થાપતા ગ્રાહકોને જે અંદાજિત ફાયદો થશે એમાં રહેણાંક ગ્રાહકોને Rs. 1.77 – 3.78 પ્રતિ યુનિટ, ઔદ્યોગિક અને વાણિજ્યિક ગ્રાહકો (કેપ્ટિવ) Rs. 2.92 – 4.31 પ્રતિ  યુનિટ, ઔદ્યોગિક અને વાણિજ્યિક ગ્રાહકો (થર્ડ પાર્ટી સોલાર પ્રોજેકટમાંથી ખરીદી) Rs. 0.91 – 2.30  પ્રતિ યુનિટ જેટલો ફાયદો થશે.
 
 
ઉર્જા મંત્રી સૌરભ પટેલે જણાવ્યું કે, ગુજરાત સરકાર દ્વારા અમલી બનાવેલ આ નવી પોલીસી પ્રદુષણરહિત રીન્યુએબલ એનર્જીના વિકાસમાં પ્રેરકબળ પૂરુ પાડશે. તેમણે ઉમેર્યુ હતુ કે, આ પોલીસી ગુજરાતને એનર્જી હબ બનાવવાની દિશામાં આગળ લઇ જશે. દેશના ઇતિહાસમાં ઉર્જા ક્ષેત્રે લોકોને જોડવા માટે ગુજરાતે ઉત્તમ તક પુરી પાડી છે. આ પોલિસીના માધ્યમ દ્વારા ઘર વપરાશના ગ્રાહકો / ખેડૂતો / કોમર્શીયલ ગ્રાહકો / નાના મોટા ઉદ્યોગ ગૃહો / ધાર્મિક અને શૈક્ષણિક સંસ્થાઓ સહિત જે કોઇ વ્યક્તિને વીજ ઉત્પાદન કરવું હશે તે કરી શકશે અને પોતાના વપરાશ બાદની વીજળી તે વેચી પણ શકશે. 
 
 
મુખ્યમંત્રીએ ગ્રીન એનર્જી ક્ષ્રેત્રે ગુજરાતે કરેલી કામગીરીની વિગતો આપતાં કહ્યુ કે, ગુજરાતે ૧૧ હજાર મેગાવોટ ક્ષમતાની ઉત્પાદન ક્ષમતા હાંસલ કરી છે અને ૨૦૨૨ સુધીમાં ૩૦ હજાર મેગા વોટ ગ્રીન એનર્જીના ઉત્પાદનનું લક્ષ્ય છે. જેમાં વિન્ડ એનર્જી અને સોલાર એનર્જીનો સમાવેશ થાય છે. એટલું જ નહીં રાજયમાં સોલાર રૂફટોપ યોજના અમલી બનાવી ૮૦૦ મેગાવોટ સૌર ઉર્જાનું ઉત્પાદન કરી રહેલ છે તેમજ રાજ્ય સોલાર રૂફટોપ યોજનામાં દેશમાં પ્રથમ સ્થાન ધરાવે છે. 
 
 
દેશમાં સૌ પ્રથમ સોલાર પોલિસીની સાથે સાથે “સૂર્ય ગુજરાત યોજના” પણ શરૂ કરી છે. પાટણ જિલ્લામાં ચારણકા સોલાર પાર્કની ક્ષમતા વધારવાની સાથે સાથે ધોલેરામાં પણ ૧૦૦૦ મેગાવોટનો સોલાર પાર્ક તથા ૭૦૦ મેગાવોટના રાધાનેસડા સોલાર પાર્ક નિર્માણાધિન છે. આ રીતે ગુજરાતે રીન્યુએબલ એનર્જી ક્ષેત્રે પણ અનોખું સ્થાન બનાવ્યું છે. 
 
 
તેમણે ઉમેર્યુ કે, રીન્યુએબલ એનર્જી માટે ૬૦ હજાર હેક્ટર વિસ્તારમાં સ્થાપિત થવા જઇ રહેલ વિશ્વના સૌથી મોટા પ્રોજેક્ટનું વડાપ્રધાનશ્રીએ કચ્છ જિલ્લાના ખાવડા ખાતે ખાતમૂહુર્ત પણ કર્યુ છે. આ હાઇબ્રીડ રિન્યુએબલ પાવર પ્લાન્ટ સૌર ઊર્જા ક્ષેત્રે ગુજરાતને નવી દિશા આપશે. તેમણે કહ્યું કે, ૩૦ ગીગાવોટનો આ પાવર પ્લાન્ટ શરૂ થવાથી ૬૦,૦૦૦ મિલિયન યુનિટથી વધુ ક્લીન અને ગ્રીન ઊર્જા ઉત્પન્ન થશે. જેનાથી કાર્બનના ઉત્સર્જનમાં ૬૦ મીલીયન ટન જેટલો ઘટાડો થશે. એટલું જ નહી ૪૦ મિલીયન ટન કોલસાની પણ બચત  થશે અને વાર્ષિક ૨૫ હજાર લોકોને રોજગારી મળશે. ગુજરાતની સાથોસાથ અન્ય રાજ્યોને પણ ઊર્જા પૂરી પડાશે તથા અન્ય રાજ્યોને પણ ઊર્જા ની સાથે સાથે અન્ય ઉદ્યોગ ગૃહોને રોજગારી માટે મદદ પણ મળશે.