રાજકોટનું પ્રસ્તાવિત હિરાસર ગ્રીનફિલ્ડ એરપોર્ટ વિકસાવવા માટે અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ફ્રાનું
ટેન્ડર અન્ય હરિફ કંપનીઓની સરખામણીએ ઓછામાં ઓછું હોવાથી આ કોન્ટ્રાક્ટ તેને મળવાપાત્ર થઈ રહ્યો છે. રાજકોટથી 28 કિલોમીટર દૂર હિરાસર પાસે અદ્યતન એરપોર્ટ બનાવવાની મંજૂરી મળી ચૂકી છે. રાજકોટના વર્તમાન એરપોર્ટની ક્ષમતા મર્યાદિત હોઈ તેને વિકસાવવાનું શક્ય ન હોવાથી હિરાસર ખાતે આશરે રૂ. 1400 કરોડના કુલ ખર્ચે એરપોર્ટ આંતરરાષ્ટ્રીય સ્તરનું એરપોર્ટ બનાવવાની એરપોર્ટ ઓથોરિટીની નેમ છે, જેમાં ગ્રીનફિલ્ડ કોરિડોર સહિત એરપોર્ટ બિલ્ડિંગ, રન-વે અને અન્ય માળખાકિય સુવિધાઓ પાછળ આશરે રુ. 797 કરોડનો ખર્ચ થવાની એરપોર્ટ ઓથોરિટીની ધારણા છે. આ કામગીરી માટે દેશની અવ્વલ દરજ્જાની ઈન્ફ્રા કંપનીઓ પાસેથી ટેન્ડર મંગાવવામાં આવ્યા હતા. આધારભૂત સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે, ગત 9 ઓગસ્ટે ખોલવામાં આવેલા ટેન્ડરમાં રિલાયન્સ ઈન્ફ્રાએ રૂ. 650 કરોડનું ઓછામાં ઓછા ભાવનું ટેન્ડર આપ્યું હોવાથી તેની પસંદગી નિશ્ચિત મનાય છે. આ મહત્વાકાંક્ષી અને પ્રતિષ્ઠિત પ્રોજેક્ટ મેળવવા માટે ઈન્ફ્રાસ્ટ્ર્ક્ચર ક્ષેત્રની દિગ્ગજ કંપનીઓ મેદાનમાં હતી. જેમાં L&T ઉપરાંત એફકોન, દિલિપ બિલ્ડકોન, ગાયત્રી પ્રોજેક્ટ્સ જેવી કંપનીઓ સામેલ હતી. પરંતુ રિલાયન્સ ઈન્ફ્રા ઓછામાં ઓછા બીડ સાથે મેદાન મારી ગઈ છે. હાલ આ અંગે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા કે રિલાયન્સ ઈન્ફ્રા સત્તાવાર પ્રતિક્રિયા આપવાનું ટાળે છે, પરંતુ ટેન્ડર સંબંધિત તમામ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હોવાનું અને એકાદ અઠવાડિયામાં જાહેરાત કરવામાં આવશે એવું એરપોર્ટ ઓથોરિટીએ સ્વિકાર્યું હતું. બે મહિના પહેલાં વિખ્યાત એજન્સી ક્રિસિલ દ્વારા રિલાયન્સ ઈન્ફ્રાનું રેટિંગ ડાઉન કરવામાં આવ્યું હતું. એ પછી તેનાં શેઅરમાં 4%નો કડાકો બોલી ગયો હતો. એમ છતાં રાજકોટ એરપોર્ટનો મહત્વાકાંક્ષ કોન્ટ્રાક્ટ રિલાયન્સ ઈન્ફ્રાના ફાળે જાય તો નવા વિવાદની શક્યતા પણ નકારી શકાતી નથી.