ખરીફ પાકોના વાવેતરમાં અમદાવાદ જિલ્લો અગ્રેસર, ખરીફ પાકોનું વાવેતર એક લાખ હેક્ટરે પહોચ્યું
રાજ્યભરમાં જુલાઈ મહિનાના બીજા સપ્તાહ સુધીમાં જ સરેરાશ 19 ઈંચ વરસાદ સાથે સિઝનનો 57 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. અમદાવાદ જિલ્લામાં પણ નોંધપાત્ર વરસાદને કારણે ખરીફ પાકોનું વ્યાપક પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું છે. આ વર્ષે ખરીફ સિઝન માટે કરવામાં આવેલા વાવેતરનો આંકડો 1 લાખ હેક્ટરને વટાવી ગયો છે. વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને જુદાં જુદાં વિસ્તારના ખેડૂતો હજુ વધારે વાવેતરનું આયોજન કરી રહ્યા છે.
જિલ્લા ખેતીવાડી અધિકારી હિતેષભાઈ પટેલના જણાવ્યા પ્રમાણે, દર વર્ષની જેમ આ વર્ષે પણ કુલ ખરીફ વાવેતરમાં સરકારશ્રીની ટેકાના ભાવે ખરીદીની યોજનાના કારણસર ડાંગર પાક મોખરે રહેશે. 15 જુલાઈ સુધીમાં થયેલા વાવેતરના પ્રાપ્ત આંકડાઓ જોઈએ તો જિલ્લાભરમાં ડાંગરની રોપણી 48,972 હેક્ટરમાં, કપાસનું વાવેતર 36,983 હેક્ટરમાં, તુવેરનું વાવેતર 337 હેક્ટર, મગ 239 હેક્ટર, અડદ 211 હેક્ટર, મગફળી 125 હેક્ટર, તલ 602 હેક્ટર, દિવેલા 185 હેક્ટર, ગુવાર 240 હેક્ટર અને વિવિધ શાકભાજીનું 1307 હેક્ટરમાં વાવેતર કરી દેવામાં આવ્યું છે.
આ ઉપરાંત કપાસ પિયત – બિનપિયત, ડાંગર અને કઠોળ પાકો માટે જમીનની તૈયારી પૂર્ણ થયા બાદ વાવણી તથા રોપણીનું કામ અમદાવાદનાં નવે નવ તાલુકાનાં ગામડાંઓમાં થઈ રહ્યું છે. તો કપાસના પાક માટે પૂર્તિ ખાતર અને નિંદામણ તથા આંતરખેડની શરૂઆત થઈ છે. પિયતની વ્યવસ્થા માટે વિવિધ ગામોમાં વસતા ખેડૂતો ખેતતલાવડીમાં પાણીનો સંગ્રહ કરી રહ્યા છે. ઉપરાંત ડાંગરના ધરૂ અને કપાસને પિયત માટે ભૂગર્ભ જળનો વપરાશ થઈ રહ્યો છે. આનંદની વાત એ પણ છે કે હજુ સુધી ઉપરોક્ત એક પણ પાકમાં રોગ કે જીવાત થઈ હોવાનું ધ્યાને આવ્યું નથી. જો આ જ પ્રકારે વર્ષ દરમિયાન વાવેતર રહેશે તો ખેડૂતોની વાર્ષિક આવકમાં ધરખમ વધારો થવાનો અંદાજ છે.
છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન સરેરાશ વાવેતર 4 લાખ હેક્ટરથી વધુ રહેતું હોય છે. હાલમાં અમદાવાદ જિલ્લાના બાવળા, દસક્રોઈ, દેત્રોજ, ધંધુકા, ધોલેરા, ધોળકા, માંડલ, સાણંદ અને વિરમગામ એમ કુલ 9 તાલુકામાં વ્યાપકપણે વાવેતરની કામગીરી શરૂ થઈ ચૂકી છે અને વરસાદ સાથ આપશે તો ખૂબ સારું વાવેતર થશે અને આ વર્ષ ખેડૂતો માટે ખૂબ જ સારું નીવડશે, એવી સંભાવના વ્યક્ત થઈ રહી છે.