અંબાણી બાદ હવે અદાણીનો વારો, 100 બિલિયન ડૉલર ક્લબથી થોડા ડગલાં દૂર
અદાણી ગ્રુપના વડા ગૌતમ અદાણીની સંપત્તિમાં સતત વધારો થઈ રહ્યો છે. જો આ ટ્રેન્ડ આગામી થોડા દિવસો સુધી ચાલુ રહેશે તો અદાણી $100 બિલિયન ક્લબના અબજોપતિઓની યાદીમાં સામેલ થઈ શકે છે.આ જ વર્ષે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણી $100 બિલિયન ક્લબમાં સામેલ થયા હતા. જો કે, આ પછી અંબાણીની સંપત્તિમાં ઘટાડો થયો અને તે હવે $ 98.2 બિલિયનની નેટવર્થ સાથે વિશ્વના 10મા સૌથી ધનિક અબજોપતિ બની ગયા છે.
ગૌતમ અદાણીની સંપત્તિ:
અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણીની સંપત્તિ $97.6 બિલિયન છે અને એક દિવસ અગાઉની સરખામણીએ તેમાં $2.05 બિલિયનનો વધારો થયો છે. વિશ્વના અબજોપતિઓની રેન્કિંગમાં અદાણી 11મા ક્રમે છે. એશિયાના ટોચના બે અબજોપતિઓમાં પણ અનુક્રમે મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીનો કબજો છે.
વાર્ષિક ધોરણે અદાણી મોખરેઃ
એક વર્ષ અગાઉની સરખામણી કરીએ તો ગૌતમ અદાણીની સંપત્તિમાં સૌથી વધુ વધારો થયો છે. એક વર્ષમાં અદાણીની સંપત્તિમાં 21.1 અબજ ડોલરનો વધારો થયો છે. તમને જણાવી દઈએ કે ફેબ્રુઆરી મહિનામાં અદાણી ગ્રુપની સાતમી કંપની અદાણી વિલ્મર શેરબજારમાં લિસ્ટ થઈ હતી. આ કંપનીનો સ્ટોક રોકેટની જેમ ઉડી રહ્યો છે. આ સિવાય અદાણી ગ્રુપની અન્ય કંપનીઓના શેરમાં પણ ઉછાળો જોવા મળ્યો છે.