રવિવાર, 10 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત ગ્રામ પંચાયત ચૂંટણી
Written By
Last Modified: શનિવાર, 18 ડિસેમ્બર 2021 (15:56 IST)

રાજ્યભરમાં આવતીકાલે યોજાશે ગ્રામપંચાયતની ચૂંટણી, જુઓ તંત્રની કેવી છે તૈયારીઓ

આવતીકાલે રાજ્યભરમાં યોજાનાર ગ્રામપંચાયતની ચૂંટણીને લઈ તાપી જિલ્લાનું તંત્ર સતર્ક થઈને કામગીરીમાં જોતરાઈ વિવિધ ગામોમાં સ્ટાફની ફાળવણી સાથે ચૂંટણી લક્ષી દરેક કાર્યને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. રાજ્ય ચૂંટણી આયોગ,ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા ૧૯ ડિસેમ્બર ૨૦૨૧ના રોજ ગ્રામ પંચાયતોની સામાન્ય,મધ્યસત્ર અને પેટા ચૂંટણીઓ યોજાનાર છે. 
 
જેના અનુસંધાને તાપી જિલ્લાની ૨૫૦ ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી તેમજ ૨ ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી યોજાનાર છે. ચૂંટણી પ્રક્રિયાની કામગીરીની વ્યવસ્થા તંત્ર દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે,હાલ તાપી જિલ્લામાં વ્યારા, સોનગઢ અને ઉચ્છલ તાલુકાના રિસિવિંગ, ડિસ્પેચિંગ સેન્ટર ઉભા કરાયા છે. અને આવતીકાલે યોજાનાર ચૂંટણી ને તંત્રના જવાબદાર અધિકારીઓના નિરીક્ષણ હેઠળ આખરીઓપ આપવામાં આવી રહ્યો છે.
 
મહેસાણા જિલ્લામાં 162 પૈકી 120 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે વહીવટી તંત્ર દ્વારા ચુંટણી માટે તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. આવતીકાલે જિલ્લાના અલગ અલગ મતદાન મથકો પર મતદાન થશે. ત્યારે  ચુંટણી માટેની મહેસાણા સહકારી સંઘ ખાતે થી આજે મતપેટીઓ સહિતની સામગ્રીની ડિસ્પેચ ની વ્યવસ્થા કરાઇ હતી. મહેસાણા જિલ્લામાં  ચુંટણી દરમ્યાન 382 મતદાન મથકો પર 472 મતપેટીઓ નો ઉપયોગ થશે. ચુંટણીમાં 49 જેટલા આર.ઓ. અને એ.આર.ઓ. ફરજ બજાવશે. જિલ્લામાં 2085 પોલીસ સ્ટાફ ફરજ બજાવશે. આવતીકાલે 2,86,371 મતદારો મતદાન કરશે. ઉલ્લેખનીય છે કે, મહેસાણા જિલ્લામાં 162 ગ્રામ પંચાયતોમાં 42 પંચાયતો સમરસ થઈ છે. જ્યારે 120 પંચાયતો પૈકી 13 પંચાયતોમાં સરપંચ અને સભ્ય અંશતઃ પેટા ચુંટણી યોજાશે. તો ખેરાલું તાલુકાના 3 પંચાયતોમાં ફોર્મ નહી ભરાતા ડાવોલ, વરેડા અને ડાલિસણા પંચાયતની ચૂંટણી નહી યોજાય. એટલે કે, 104 પંચાયતો મા હરીફાઈ સાથે ચુંટણી યોજાશે. 
 
પોરબંદર સહિત રાજ્યભરમાં આવતીકાલે યોજાનાર ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. તેના જ એક ભાગ રુપે આજે ચૂંટણી કાર્યમાં જોડાયેલ કર્મચારીઓને બેલેટ પેપર સહિતની ચૂંટણી કાર્યમાં જરૂરી સ્ટેશનરીની ચીજવસ્તુની ફાળવણી કરવામાં હતી. પોરબંદર જિલ્લાના ત્રણેય તાલુકાઓમાં 33 ગ્રામ પંચાયતો સમરસ થઈ જતાં 98 ગ્રામ પંચાયતમાં આવતી કાલે થવા જઈ રહેલી ચૂંટણીમાં સરપંચ માટે કુલ 254 તેમજ સભ્ય માટે 1678 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે.