સરકારી જવાબો સાંભળીને અમે કંટાળી ગયા, હવે પરિણામ આપો, વાયદા નહીં'- ભાજપના ધારાસભ્યનો આક્રોશ
વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે સત્તાધીશ ભાજપના જ નેતાઓએ જાહેરમાં શાસનની ઠેકડી ઉડાવતા નિવેદનો શરૂ કરી દીધા છે. છેલ્લા ઘણાં સમયથી આદિવાસીઓના પ્રશ્નોની રજૂઆત કરી ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવા સરકારની નીતિ-રીતિની વારંવાર ટીકાઓ કરી રહ્યાં છે ત્યારે સુરતના વરાછાના ધારાસભ્ય અને પૂર્વ મંત્રીએ પણ ફેસબુક જેવા સોશ્યલ માધ્યમથી પોતાનો રોષ ઠાલવ્યો છે.સચિવાલયમાં કામો લઇને આવતા સાંસદો અને ધારાસભ્યોની જેવી ફરિયાદ હોય છે તેવી ફરિયાદો હવે રાજ્યના શહેરી વિસ્તારની સંસ્થાઓમાં શરૂ થઇ ચૂકી છે. ખુદ ભાજપના જ નેતાઓ કામ નહીં થતાં હોવાની ફરિયાદો કરી રહ્યાં છે. સચિવાલયના વિભાગોમાં ઘણીવાર કામમાં વિલંબ બદલ અધિકારી અને પ્રજાના પ્રતિનિધિ વચ્ચે ચકમક સર્જાતી જોવા મળે છે.સુરત મહાનગરપાલિકામાં ભાજપનું શાસન છે. આ સ્થાનિક સંસ્થા સામે ભાજપના જ ધારાસભ્ય કુમાર કાનાનીએ રોષ ઠાલવ્યો છે. શહેરના માર્ગોના ધોવાણ અંગે તેમણે મહાનગરનો ઉઘડો લીધો છે. તેમણે કહ્યું હતું કે બધાંને જાણ હોવા છતાં પાણીના નિકાલના કોઇ ઉપાય કરવામાં આવતા નથી. પોતાની ફેસબુક પોસ્ટમાં તેમણે લખ્યું છે કે ૨૫ વર્ષથી સરકારી જવાબો સાંભળીને કંટાળી ગયા છીએ. અમને પરિણામ આપો, વાયદા નહીં.કુમાર કાનાણી રૂપાણી સરકારમાં આરોગ્ય મંત્રી રહી ચૂક્યાં છે. મહાનગરના શાસકો તેમને ગાંઠતા નથી. તેઓ ધારાસભ્ય હોવા છતાં તેમની ફરિયાદો સાંભળવામાં આવતી નથી. તેઓ અવાર નવાર સોશ્યલ મિડીયાના માધ્યમથી શાસન સામે તેમનો રોષ ઠાલવી રહ્યાં છે.તેમના વિસ્તારમાં આવેલી ટીપી સ્કીમ પર અનેક તબેલાં બાંધવામાં આવેલા છે તેને દૂર કરવા માટે અનેક રજૂઆતો તેમણે કરી છે છતાં કોઇ નક્કર કામ થતું નથી. હવે કુમાર કાનાનીએ ચોમાસાના કારણે માર્ગો તૂટી ગયા હોવાની ફરિયાદો કરી છે. તેમણે આડકતરા ભ્રષ્ટાચાર પર ઇશારો કર્યો હતો.સરકારમાં પાર્ટીના સંસદસભ્યો અને ધારાસભ્યોના કામો થતાં નહીં હોવાની ફરિયાદો અનેકવાર ઉભી થઇ છે. કેટલાક સાંસદો અને ધારાસભ્યોએ કામ નહીં થતાં હોવાનું મુખ્યમંત્રી સમક્ષ ધ્યાન પણ દોર્યું છે. એટલું જ નહીં સરકારને વારંવાર એવો આદેશ કરવો પડે છે કે પ્રજાના પ્રતિનિધિઓ સાથે સૌજન્યપૂર્ણ વ્યવહાર કરી તેમની રજૂઆત સાંભળીને તેમના પ્રશ્નોનો નિકાલ કરવાનો રહેશે પરંતુ સરકારમાં પ્રજાના પ્રતિનિધિઓને નારાજ કરવામાં આવતા હોય છે.