કોંગ્રેસ હાઈકમાન્ડે ગુજરાત કોંગ્રેસની કમાન ફરીવાર રાજસ્થાનના CM અશોક ગેહલોતના હાથમાં સોંપી
ગુજરાત કોંગ્રેસમાં ઉકળતો જૂથવાદ દિવસે દિવસે વધી રહ્યો છે. તે ઉપરાંત કોંગ્રેસના નવા પ્રભારી સામેની પક્ષના કાર્યકરો અને નેતાઓની નારાજગીથી પણ હાઈકમાન્ડ નારાજ થયો છે. ત્યારે ફરીવાર ગુજરાત કોંગ્રેસની કમાન રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને સોંપવામાં આવી છે. તે ઉપરાંત કોંગ્રેસ હાઈકમાન્ડે બે ઓબ્ઝર્વરની પણ નિમણૂંક કરી છે. જેમાં મહારાષ્ટ્રના યુવા નેતા મિલિંદ દેવરા અને છત્તીસગઢના આરોગ્યમંત્રી ટી.એસ.સિંહદેવને ગુજરાત કોંગ્રેસના ઓબ્ઝર્વર તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં અશોક ગેહલોત ગુજરાત કોંગ્રેસના પ્રભારી હતી. ત્યારે તેમણે 20 વર્ષમાં સૌથી વધુ બેઠકો અપાવી હતી. કોંગ્રેસ તે સમયે વિધાનસભાની 77 બેઠકો પર જીત મેળવવામાં સફળ થઈ હતી. એ સમયે તેમણે જૂથબંધીમાં વહેંચાયેલા નેતાઓને સામ, દામ, દંડ અને ભેદની નીતિ અપનાવીને ઉમેદવારોની પસંદગીથી માંડીને ટીકિટની ફાળવણી સુધીની તમામ મહત્વની કામગીરી એકલા હાથે નીભાવી હતી એમ કોંગ્રેસના સુત્રો જણાવી રહ્યાં છે. કોંગ્રેસના સુત્રો કહે છે કે, ગુજરાત કોંગ્રેસમાં હજુ જૂથવાદ શમવાનું નામ નથી લેતો. વિવાદોને લઈ ધારાસભ્યો અને પ્રદેશના નેતાઓએ હાઈકમાન્ડ સમક્ષ રઘુ શર્મા વિરૂદ્ધ રોષ ઠાલવ્યો હતો. આમ રઘુ શર્માને હાઈકમાન્ડે કદ પ્રમાણે વેતરી નાંખ્યાં છે. તેમની કામગીરી ઉપર રાજસ્થાનનના મુખ્યમંત્રી નજર રાખશે. કોંગ્રેસમાં તાજેતરમાં જ સાત વર્કિંગ પ્રેસિડેન્ટ નિમાતા અંદરો અંદર વિવાદ જામ્યો છે. અત્યાર સુધી ચાર વર્કિંગ પ્રેસિડેન્ટ નિમાતા હતાં. આ વિવાદમાં રઘુ શર્મા પણ સપડાઈ ગયાં છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે તેના મનોમંથન માટે ગઈકાલે દિલ્હીમાં ગુજરાતના પ્રભારી સહિત પ્રદેશ નેતાઓની હાઈકમાન્ડ સાથે બેઠક થઈ હતી. ડો. રઘુ શર્માની પ્રભારી તરીકે નિમણૂંક કરવામાં આવી ત્યારથી લઈને અત્યાર સુધીમાં કોંગ્રેસના ચાર પૂર્વ ધારાસભ્યો, ચાર પ્રદેશના નેતાઓ સહિત અન્ય નેતાઓ ભાજપમાં જોડાઈ જતાં હાઈકમાન્ડે નારાજગી વ્યક્ત કરી હતી. હવે હાઈકમાન્ડ કોંગ્રેસમાં ઉભા થયેલા જૂથવાદ અને નારાજગીને લઈ પ્રભારી રઘુ શર્માને તેમના પદ પરથી હટાવી શકે છે. તેમના સ્થાને કોને જવાબદારી સોંપવી તેનું પણ મંથન થઈ રહ્યું છે.
હાઈકમાન્ડે નેતાઓને કહી દીધું છે કે, જૂથવાદ છોડી સામાન્ય જનતાને સ્પર્શે તેવા મુદ્દાઓ સાથે વિપક્ષની અસરકારક ભૂમિકા ભજવો.ડો. રઘુ શર્માના કાર્યકાળ દરમિયાન પક્ષમાંથી જયરાજસિંહ પરમાર, MLA અશ્વિન કોટવાલ, હાર્દિક પટેલ, દિનેશ શર્મા, અનિલ જોષિયારાના પુત્ર કેવલ જોષિયારા, ઈન્દ્રનીલ રાજ્યગુરુ, શ્વેતા બ્રહ્મભટ્ટ, દિનેશ શર્મા, કૈલાસ ગઢવી, દલપત વસાવા, મણિલાલ વાઘેલા, કોંગ્રેસના પૂર્વ પ્રધાન ખુમાનસિંહ વાંસિયા જેવા દિગ્ગજ નેતાઓ કોંગ્રેસ છોડીને ભાજપ અને આમઆદમી પાર્ટીમાં જોડાઈ ગયાં છે. આ સમગ્ર મામલે હાઈકમાન્ડ નારાજ થયો છે, જેથી ડો. રઘુ શર્માની જગ્યાએ મુકુલ વાસનિકને ગુજરાતની જવાબદારી સોંપી શકે છે.