આજથી 2 દિવસ કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ ગુજરાતમાં, તમામ જિલ્લા કલેક્ટરો-પોલીસ વડાઓ સાથે કરશે બેઠક
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજ્યની તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. તેવામાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ માટે ચૂંટણી પંચે પણ તૈયારીઓ આરંભી દીધી છે. આ અંતર્ગત કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ ફરી ગુજરાતની મુલાકાતે આવી રહી છે. મળતી માહિતી અનુસાર, કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ આજથી બે દિવસ ગુજરાતની મુલાકાતે આવશે. આ દરમિયાન કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ તમામ જિલ્લા કલેક્ટરો અને પોલીસ વડા સાથે બેઠક કરશે. આપને જણાવી દઈએ કે, કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમની સાથે આ વખતે મુખ્ય ચૂંટણી કમિશન પર ગુજરાત આવી રહ્યા છે.
કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ તમામ જિલ્લાના કલેક્ટરો અને પોલીસ વડાઓ સાથે ચૂંટણીલક્ષી બેઠક કરશે. ટીમ જિલ્લાઓના કલેક્ટર અને પોલીસ વડાઓની સાથે મતદાર યાદી, મતદાર મથક, સંવેદનશીલ મથકો, સુરક્ષા વ્યવસ્થા સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરશે. સાથે જ જિલ્લાના કલેક્ટરો અને પોલીસ વડાનાઓ ચૂંટણી લક્ષી તૈયારીઓ અંગે પ્રેઝન્ટેશન આપશે. . સાથે જ સંવેદનશીલ બુથ તેમજ જિલ્લા વહીવટી તંત્રની વ્યવસ્થા અંગેની સમીક્ષા કરશે.ગત 17 સપ્ટેમ્બરના રોજ કેન્દ્રીય ચૂંટણી પંચના 9 સભ્યોનું ડેલિગેશન 2 દિવસના ગુજરાતના પ્રવાસે આવ્યું હતું. આ દરમિયાન કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ દ્વારા અમદાવાદ ખાતે તમામ જિલ્લાના કલેક્ટરો અને પોલીસ વડાઓ સાથે ચૂંટણીલક્ષી બેઠક કરવામાં આવી હતી. જેમાં મતદાર યાદી સુધારણા સહિતના મુદ્દાઓ ચર્ચા કરવામાં આવી હતી.