મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે કુલ `૪૯૭૬ કરોડની જોગવાઇ
મહિલાઓ અને બાળકોના આરોગ્ય અને પોષણની જરૂરિયાતને ધ્યાને રાખીને સરકારે આંગણવાડી તેમજ અન્ય પાયાને સ્પર્શતી યોજનાઓ અમલમાં મુકેલ છે. આ યોજનાઓ દ્વારા તેમના જીવનચક્રના બધા જ તબક્કાઓ ઉપર ભાર મૂકી સંતુલિત, શારીરિક અને માનસિક વિકાસ સુનિશ્ચિત કરવાની સરકારની નેમ છે. આ વર્ગની મહત્તા જોતા, હું ગત વર્ષની સરખામણીએ વિભાગની જોગવાઇમાં ૪૨ ટકા જેટલો ધરખમ વધારો ગૃહ સમક્ષ રજૂ કરું છું.
• સગર્ભા, ધાત્રી માતા અને બાળકને પોષણક્ષમ આહાર મળી રહે તે માટે સુપોષિત માતા-સ્વસ્થ બાળ યોજના હેઠળ કુટુંબને ૧ હજાર દિવસ સુધી દર મહિને ૧ કિલો તુવેર દાળ,૨ કિલો ચણા અને ૧ લીટર ખાદ્યતેલ વિનામૂલ્યે આપવા માટે આગામી વર્ષ માટે જોગવાઇ `૮૧૧ કરોડ.
• આંગણવાડી કાર્યક્રમમાં બાળકોનાં પોષણ, પૂર્વ શિક્ષણ અને અન્ય સવલતો માટે જોગવાઇ `૧૧૫૩ કરોડ.
• ૩ થી ૬ વર્ષનાં બાળકોને ઘરે ઘરે સુખડીનું વિતરણ કરવા તથા બાળકો, કિશોરીઓ અને સગર્ભા-ધાત્રી માતાઓને ટેક હોમ રેશન પૂરું પાડવા જોગવાઈ `૧૦૫૯ કરોડ.
• ગંગા સ્વરૂપા બહેનોને મદદરૂપ થવા સરકારે આર્થિક સહાય આપવા માટેનાં ધોરણો ઉદાર કર્યા છે. જેથી ત્રણ વર્ષમાં આ યોજના હેઠળ બહેનોની સંખ્યા ૧.૫ લાખથી વધી આજે ૧૧ લાખ સુધી પહોંચેલ છે. આ યોજના અંતર્ગત સહાય આપવા જોગવાઇ
`૯૧૭ કરોડ.
• ૧૧ થી ૧૮ વર્ષની કિશોરીઓ માટે પૂરક પોષણ અને આરોગ્યલક્ષી શિક્ષણ આપતી પૂર્ણા યોજના માટે જોગવાઇ `૩૬૫ કરોડ.
• આદિજાતિ વિસ્તારના ૧૦ તાલુકાઓમાં સગર્ભા માતાઓને પૂરક પોષણ આપતી પોષણ સુધા યોજના અમલમાં છે. આ યોજનાનો વ્યાપ વધારી આદિજાતિ વસતિનું બાહુલ્ય ધરાવતા ૭૨ તાલુકામાં આ યોજના વિસ્તારવાની અને પ્રતિ વ્યકિત થતા ખર્ચમાં ૫૦ ટકા જેટલો વધારો કરવાની, હું જાહેરાત કરું છું. આ યોજના માટે જોગવાઇ `૧૧૮ કરોડ.
• વ્હાલી દીકરી યોજના અંતર્ગત ૧ લાખ જેટલી દીકરીઓને જીવનના વિવિધ તબક્કે
`૧ લાખ સુધીની નાણાકીય સહાય આપવા માટે એલ.આઇ.સી.ને પ્રીમિયમ આપવા માટે જોગવાઇ `૮૦ કરોડ.
• ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં નંદઘર બાંધકામ અને અન્ય માળખાકીય સુવિધાઓ માટે જોગવાઈ `૩૧ કરોડ.
• નારીગૃહોની સુરક્ષા સુનિશ્ચિત કરવા તેમજ ત્યાં રહેતી બહેનોને રોજગારલક્ષી સગવડો પૂરી પાડવા આ ગૃહોને સી.સી.ટી.વી. તથા ઈન્ટરનેટથી જોડવા માટે જોગવાઇ `૧ કરોડ.