ભાજપમાં ચૂંટણી નહીં લડવા માટે આટલા સિનિયર નેતાઓએ ધડાધડ કરી જાહેરાત
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહ્યી છે ત્યારે ઉમેદવારોના નામો પર ચર્ચા કરવા હાલ દિલ્હીમાં ભાજપની ચર્ચા-વિચારણા ચાલી રહી છે. પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી સરકારના સમયના મંત્રી અને ભાજપના સિનિયર નેતા ભૂપેન્દ્ર સિંહ ચુડાસમા તેમજ પ્રદીપસિંહ જાડેજા પણ ચૂંટણી નહીં લડે. દિલ્હીથી યાદી જાહેર થાય તે પહેલા ભાજપના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તેમજ પ્રદીપસિંહ જાડેજા સહિતના નેતાઓએ સ્વૈચ્છિક જાહેરાત કરી દીધી છે. અગાઉ વિજય રૂપાણી અને નીતિન પટેલે ચૂંટણી ન લડવાની જાહેરાત કરી હતી.ગુજરાત વિધાનસભા ચૂંટણી રાજ્યના આંગણે આવીને ઊભી છે ત્યારે સામાન્ય રીતે ઉમેદવારો ચૂંટણી લડવાની જાહેરાતો કરતા હોય છે. પરંતુ ભાજપમાં તો ઉલ્ટી ગંગા ચાલી રહી છે કારણ કે આજે મોડી રાત્રે ઉમેદવારોની સત્તાવાર જાહેરાત થવાની વકી છે ત્યારે અહીં સિનિયર નેતાઓએ ધડાધડ ચૂંટણી નહીં લડવાની જાહેરાતો કરી છે.આવામાં સવાલ એ થાય છે કે મોડી સાંજે જ તમામ સિનિયર નેતાઓ કેમ એક પછી એક ચૂંટણી નહીં લડવાની સ્વૈચ્છિક તૈયારી બતાવી રહ્યાં છે. ચર્ચા એવી થઈ રહી છે કે આ નેતાઓની ટિકિટ પહેલેથી જ ઉંમર કે પર્ફોર્મન્સને આધારે કાપી દેવામાં આવી છે. જેથી સત્તાવાર યાદી જાહેર થાય તે પહેલા જ તેમને સ્વૈચ્છિક જાહેરાત કરી દેવાની સૂચના આપી હોઈ શકે. અત્યાર સુધી જુઓ કેટલા નેતાઓએ ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે.ભાજપે ગુજરાત માટે ઉમેદવારોના નામની પેનલ બનાવી છે. ભાજપ દ્વારા 100 બેઠકો પર 3-3 ઉમેદવારોના નામની પેનલ બનાવી છે. તો સૂત્રો અનુસાર ભાજપ 20થી 25 ટકા ધારાસભ્યોની ટિકિટ કાપશે. તો સૂત્રો મુજબ ભાજપ એક ડઝનથી વધુ મહિલાઓને ટિકિટ આપશે. ત્યારે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સરકારમાં રહેલા 8 ધારાસભ્યો ટિકિટ કપાઈ શકે છે. આ ચૂંટણીમાં ભાજપના અનેક મોટા માથાઓની ટિકિટ કપાઈ શકે છે. સૂત્રો અનુસાર ભાજપ કેટલાક પૂર્વ મંત્રીઓની ટિકિટ કાપી નવા ચહેરાઓને સ્થાન આપી શકે છે. તો આવતીકાલે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાવાની છે, જેમાં ઉમેદવારોને લઈને ચર્ચા થશે. સૂત્રો અનુસાર આવતીકાલ 10 નવેમ્બરે બપોર સુધીમાં ભાજપ ઉમેદવારોના નામની જાહેરાત કરે તેવી સંભાવના છે.