ગુજરાત વિધાનસભાની 182 બેઠકો માટે બે તબક્કામાં મતદાન પૂર્ણ થઈ ગયું છે. મતદાન પછી બે દિવસના વિરામ બાદ 8 ડિસેમ્બરે મતગણતરી થશે. જેમ-જેમ દિવસ જશે, તેમ-તેમ ચિતાર સ્પષ્ટ થશે કે રાજ્યમાં કોની સરકાર બની રહી છે.આ ચૂંટણીમાં ભાજપ, કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચેના ત્રિપાંખીયા જંગને કારણે તમામ બેઠકો રસપ્રદ રહેશે.
જોકે, એવી કેટલીક બેઠકો છે, જેના પર ઉમેદવારો હારે કે જીતે સૌની નજર રહેશે. તેમાંની પહેલી બેઠક છે વીરમગામ.
વીરમગામ સીટ પર છેલ્લી બે ટર્મથી કૉંગ્રેસના ધારાસભ્ય જીતતા આવ્યા છે. આ વખતે ભાજપે અહીંથી કૉંગ્રેસમાંથી પક્ષપલટો કરીને આવેલા હાર્દિક પટેલને ટિકિટ આપી છે. તેમની સામે કૉંગ્રેસે પોતાના ધારાસભ્ય લાખા ભરવાડને રીપિટ કર્યા છે. આ બેઠક અને તેને લગતાં સમિકરણો વિશે વધુ જાણવા અહીં ક્લિક કરો.
બીજી બેઠક છે વડગામ. આંદોલનકારી તરીકે વર્ષ 2017ની ચૂંટણીઓમાં અપક્ષમાંથી ધારાસભ્ય બનેલા જિજ્ઞેશ મેવાણી હવે પાર્ટી (કૉંગ્રેસ)ના ચિહ્ન સાથે ચૂંટણી લડી રહ્યા છે.
2017ની ચૂંટણીમાં કૉંગ્રેસે અહીંથી ઉમેદવાર ઊભો રાખ્યો ન હતો અને જિજ્ઞેશ મેવાણી ભાજપના ઉમેદવાર સામે જીતી ગયા હતા. જોકે, અહીં મુસ્લિમ મતો નિર્ણાયક છે અને આ વખતે એઆઈએમઆઈએમના ઉમેદવાર પણ મેદાનમાં હોવાથી આ બેઠક રસપ્રદ બનીને રહેશે.
અલ્પેશ ઠાકોર 2017માં રાધનપુર બેઠકથી કૉંગ્રેસના ઉમેદવાર તરીકે જીત્યા હતા અને ધારાસભ્ય બન્યા હતા, પછી તેઓ ભાજપમાં જોડાયા હતા.
જોકે, રાધનપુર બેઠક પરથી જ પેટાચૂંટણી લડ્યા ત્યારે અલ્પેશ ઠાકોરને કૉંગ્રેસના રઘુ દેસાઈએ હરાવ્યા હતા. જોકે, આ વખતે અલ્પેશ ઠાકોર ભાજપમાંથી ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી લડી રહ્યા છે.
છેલ્લી બે વિધાનસભા ચૂંટણીમાં ગાંધીનગર દક્ષિણ પર ભાજપનો કબજો રહ્યો છે. ભાજપે બે ટર્મથી ચૂંટાતા નેતા શંભુજી ઠાકોરને અહીંથી ટિકિટ આપી નથી અને રાધનપુરના પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને ટિકિટ આપી છે.
અન્ય એક બેઠક છે જામખંભાળિયાની. કારણકે અહીં પ્રથમ વખત ગુજરાતની તમામ બેઠકો પર ચૂંટણી લડી રહેલી આમ આદમી પાર્ટીના મુખ્ય મંત્રીપદના ઉમેદવાર ઈસુદાન ગઢવી લડી રહ્યા છે.
તેમનો સામનો કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિક્રમ માડમ અને ભાજપ તરફથી પૂર્વ મંત્રી મૂળુભાઈ બેરા સામે થયો હતો. બે બળિયાની વચ્ચે ત્રીજા નવલોહિયાએ ઝંપલાવતા આ બેઠક પરનો વિધાનસભા ચૂંટણીજંગ રસપ્રદ બની ગયો છે.
વિશ્વની સૌથી મોટી ડાયમંડ કંપનીઓ ધરાવતી સુરતની કતારગામ બેઠક પરથી આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા ચૂંટણી લડી રહ્યા છે અને તેમની સામે ભાજપના હાલના ધારાસભ્ય અને કૅબિનેટમંત્રી વીનુ મોરડિયા મેદાને છે.
ભારતીય ક્રિકેટ રવીન્દ્ર જાડેજાનાં પત્ની રીવાબા જાડેજા ભાજપ તરફથી જામનગર ઉત્તર બેઠક પર લડ્યાં હતા. આ બેઠક મહત્ત્વની એટલે પણ છે કે ભાજપે હકુભાના નામથી જાણીતા ધર્મેન્દ્રસિંહ જાડેજાની ટિકિટ કાપીને રીવાબાને ઉમેદવાર બનાવ્યાં હતાં. રીવાબા જાડેજા કૉંગ્રેસના દિગ્ગજ નેતા હરિસિંહ સોલંકીનાં ભત્રીજી પણ છે. તેમને આ બેઠક પરથી ટિકિટ આપવામાં આવતા આ બેઠક રસપ્રદ બની હતી.
આ સિવાય અન્ય એક બાબત હતી ભાભી-નણંદનો પ્રચાર. ભાભી રીવાબાને ભાજપે ટિકિટ આપી હતી. તો નણંદ નયનાબા તે જ બેઠક પરના કૉંગ્રેસના ઉમેદવારનો પ્રચાર કરી રહ્યાં હતાં.
ભાજપ અને કૉંગ્રેસે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનાં બદલાતાં સમિકરણોને ધ્યાનમાં રાખીને ઊભા રાખેલા ઉમેદવારોમાં કેટલાક ચાલુ ધારાસભ્યો છે, તો કેટલાક ટિકિટવાંછુઓને ટિકિટ ન મળતા તેમણે બળવો કરીને અપક્ષ ઉમેદવારી નોંધાવીને ચૂંટણીમાં ઝંપલાવ્યું છે.
આ બળવાખોરો કોનો ખેલ બગાડશે? લુણાવાડા, છોટાઉદેપુર, બાયડ, ધાનેરા, વાઘોડિયા અને પાદરા જેવી બેઠકો પર બળવાખોરોનાં ચૂંટણીનાં પરિણામ પર પણ સોંની નજર રહેશે ?
આ સિવાય મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે ઘાટલોડિયા (અમદાવાદ શહેરમાં), ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવાએ છોટા ઉદેપુર જિલ્લાના જેતપુરથી, ભાજપના બળવાખોર નેતા મધુ શ્રીવાસ્તવે વડોદરા જિલ્લાની વાઘોડિયા બેઠક પરથી, પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા સુરતની વરાછા રોડ બેઠક પરથી ચૂંટણી લડી હતી.