મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાનો જ 2017નો રેકોર્ડ 2022માં તોડ્યો
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામ આવી ગયાં છે. ભાજપે આ વખતે તમામ રેકોર્ડ બ્રેક કરી નાંખ્યાં છે. કોંગ્રેસ હતી એના કરતાં પણ વધુ ખરાબ સ્થિતિમાં આવી ગઈ છે. જ્યારે ત્રીજા પક્ષ તરીકે ઉભરેલી આમ આદમી પાર્ટીના ગાજ્યા મેઘ વરસ્યા નથી. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વખતે પોતાનો જ રેકોર્ડ તોડી નાંખ્યો છે. તેમણે આ વખતે કોંગ્રેસના અમીબેન યાજ્ઞિકને હરાવ્યાં છે. અમીબેનને માત્ર 21120 મત મળ્યાં છે. જ્યારે આમ આદમી પાર્ટીને ઘાટલોડિયા બેઠક પર 15902 મત મળ્યાં છે. ત્યારે ભૂપેન્દ્ર પટેલ 191360ની લીડથી વિજેતા બન્યાં છે.
2017ની ચૂંટણી ભાજપે મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતાપદ હેઠળ લડી હતી. ત્યારે પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતાં. ત્યાર બાદ ઘાટલોડિયા બેઠક પર ભૂપેન્દ્ર પટેલને ટીકિટ આપવામાં આવી હતી. જ્યાંથી તેમણે કોંગ્રેસના ઉમેદવાર શશીકાંત પટેલને હરાવ્યા હતાં. તે વખતે ભૂપેન્દ્ર પટેલ 117750ની લીડથી ચૂંટણી જીત્યા હતાં. આ રેકોર્ડ તેમણે આ વખતે તોડ્યો છે અને 73 હજાર મત વધુ મેળવ્યાં છે. તેમની સામે કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ અમીબેન યાજ્ઞિકને માત્ર 21 હજાર જ મત મળ્યાં છે. ઘાટલોડિયા બેઠક ભાજપનો ગઢ માનવામાં આવે છે. આ બેઠક પર આનંદીબેન પટેલ 2012માં જીત્યાં હતાં. આ બેઠકે ભાજપને બે મુખ્યમંત્રી આપ્યાં છે. ભાજપે અચાનક જ 2021ના ઓગસ્ટમાં વિજય રૂપાણી સરકારને બદલી નાંખી હતી. આ સમયે ભાજપમાં જોરદાર ચહલપહલ જોવા મળી હતી.
નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલનું નામ જાહેર થયું હતું. તેમણે શપથ લઈને મુખ્યમંત્રી તરીકે ફરજ અદા કરી હતી. ત્યાર બાદ તેમના હસ્તક લડાયેલી આ પ્રથમ ચૂંટણી હતી અને તેમાં ભાજપે જોરદાર પ્રચંડ વિજય પ્રાપ્ત કર્યો છે. ભૂપેન્દ્ર પટેલ 1995થી 2004 સુધી અમદાવાદમાં મેમનગર નગરપાલિકાના સભ્ય રહ્યાં હતાં. ત્યાર બાદ તેઓ 1999માં મેમનગર પાલિકાના પ્રમુખ બન્યા હતાં. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલ બોર્ડના ચેરમેન તરીકે તેમણે 2010 સુધી ચાર્જ સંભાળ્યો હતો. ત્યાર બાજ 2010થી 2015 સુધી થલતેજ વોર્ડના કાઉન્સિલર રહ્યાં હતાં. 2017માં તેમણે પ્રથમ વખત વિધાનસભાની ચૂંટણી ઘાટલોડિયાથી લડી હતી. જેમાં તેમણે કોંગ્રેસના શશીકાંત પંડ્યાને હરાવ્યા હતાં અને વિક્રમજનક 117750ની લીડથી વિજય મેળવ્યો હતો.